કશું જ કામ ન કરનારાઓ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ થકી જગતનું કામ વધારે છે
પ્રતીકાત્મક તસવીર
સોશ્યલ નેટવર્કની વેબસાઇટ પર જઈને એક વાર નિરાંતે આખો દિવસ એને ઑબ્ઝર્વ કરજો. બીજું કોઈ કામ નહીં કરવાનું, બસ માત્ર સ્ટડી કરવાનું. સ્ટડી કરતી વખતે તમને લાગશે કે દેશભરના બાંગબહાદુરો આ સોશ્યલ મીડિયા પર પથારી પાથરીને બેઠા છે અને કાં તો ખાટલો પાથરીને પડ્યા છે અને રાહ જુએ છે કે ક્યારે કોઈ મુદ્દો શરૂ થાય અને ક્યારે એ મુદ્દાની આડશમાં આપણે લાઇમલાઇટમાં આવવાની તક ઝડપી લઈએ.
લાઇમલાઇટમાં આવવા માગતા આ બહાદુરોને રાષ્ટ્રનો સ્પેલિંગ કે સાચું ગ્રામર ભલે ન ખબર પડતી હોય પણ રાષ્ટ્રના મુદ્દાઓ પર ચર્ચા કરવાની બહુ ચળ હોય છે. ઘરમાં કોઈ પૂછતું ન હોય પણ તેમને એવી અપેક્ષા રહ્યા કરતી હોય છે કે એ પોતાનો અભિપ્રાય અત્યારે જ આપે અને એ અભિપ્રાય દુનિયાભરના લોકો સ્વીકારે પણ ખરા. અનેક, ના અનેક નહીં, અઢળક લોકો આ પ્રકારે પોતાની રાષ્ટ્રભક્તિ સોશ્યલ નેટવર્કની વેબસાઇટ પર કાઢે છે. રાષ્ટ્રભક્તિ જ નહીં, વિચારોમાં દર્શાવવામાં આવતી પરિવારભક્તિ અને મધર્સ-ડે, ફાધર્સ-ડે જેવા દિવસોથી માંડીને સ્ટ્રીટ ડૉગ સાથે કેવો વર્તાવ કરવો અને કૉર્પોરેશને એ ડૉગ્સને કેવી રીતે સાચવવા જોઈએ એની સુફિયાણી સલાહની સાથોસાથ શેરીમાં રખડતા ડાઘિયાઓના ફોટોગ્રાફ્સ અપલોડ કરીને એની માટે મીઠી-મીઠી એવી વાતો લખવી કે ખરેખર એવું લાગી આવે કે આ ભાઈ (કે પછી બહેન) દિવસમાં બે-ચાર કલાક તો શેરીમાં રઝળતા કૂતરાઓ પાછળ જ કાઢતાં હશે, પણ હરામ બરાબર ફેસબુક કે ટ્વિટર સિવાય એક મિનિટ પણ એ દિશામાં વાપરતાં હોય તો. સુફિયાણી વાતો કરવાનો હક એમને જ છે જે પોતાની એ વાતનો પહેલાં તેમની જિંદગીમાં અમલ કરે છે. યોગ કરવા જવાની વાતો કરનારાઓએ પહેલાં તો યોગની શરૂઆત કરવી જોઈએ. સારા ઉમેદવાર પસંદ કરવા માટે લોકોએ શું કરવું જોઈએ એવી સલાહ આપનારા હરામ બરાબર જો એક વખત પણ અયોગ્ય ઉમેદવારની વિરુદ્ધમાં તેણે કાર્યવાહી કરવા માટે વિચાર સુધ્ધાં કર્યો હોય.
ADVERTISEMENT
આ જ વિષય પર જો તમે એમની સાથે વાત કરો તો એ તમારી સાથે એ રીતે ઝઘડી પડશે કે જાણે રાષ્ટ્રભક્તિ તેની ધોરી નસમાં ભળી ગઈ હોય અને રાષ્ટ્રને પ્રેમ કરવા માટે જ તેણે જન્મ લીધો હોય. આ સો-કૉલ્ડ દેશપ્રેમીઓથી બચાવવાનું કામ કોણ કરી શકે એ તો ખબર નથી, પણ હા, તાત્કાલિક લાઇમલાઇટમાં આવી જવાની માનસિકતા ધરાવતા આવા લોકોના ત્રાસથી સમાજમાં કોઈ ફરક નથી આવવાનો એ હકીકતથી સૌ કોઈએ વાકેફ થવાની જરૂર ચોક્કસ છે અને એ જરૂરિયાતની સાથોસાથ એ પણ સમજવાની જરૂર છે કે જીવનમાં આ પ્રકારની ટિપ્પણીઓ કરવા સિવાય પણ અઢળક એવાં કામ છે જેનું મૂલ્ય છે. સોશ્યલ મીડિયા પર નૉન-સોશ્યલ લોકોનો જે ધસારો છે એ જોઈને કોઈ વાર તો મનમાં થઈ પણ આવે કે જો આ સોશ્યલ મીડિયાને ભારતમાં ચાર્જેબલ કરી નાખવામાં આવે તો દેશની કુલ આવકની અડધોઅડધ આવક તો આ બાંગબહાદુરો જ લઈ આવી આપે અને કાં, કાં તો માનવ-કલાકોની માત્રામાં સેંકડોગણો વધારો થઈ જાય.


