આ મહિલા કૅપ્ટને દેશની દીકરીઓને સુરક્ષા માટે સજ્જ કરવાનું બીડું ઝડપ્યું
આ મહિલા કૅપ્ટને દેશની દીકરીઓને સુરક્ષા માટે સજ્જ કરવાનું બીડું ઝડપ્યું
ઘણી વાર સેમ પોસ્ટનાં મહિલા અને પુરુષ અધિકારીઓ સાથે ઊભાં હોય છતાં સૅલ્યુટ ફક્ત પુરુષ અધિકારીને જ કરવામાં આવે છે. આવા ભેદભાવ પુરુષપ્રધાન ફીલ્ડમાં થતા રહે છે. લોકોને એવું લાગે છે કે આ તો લેડી ઑફિસર છે, આને શું સમજાશે? પણ દૃઢ મનોબળ અને ટૅલન્ટના બળે મહિલાઓને આગળ વધતાં કોઈ રોકી શકતું નથી
આ શબ્દો છે કૅપ્ટન માલિની શર્માના. ભવન્સ કૉલેજમાં એક સમયે NCC સ્ટુડન્ટ રહી ચૂકેલાં કૅપ્ટન માલિની તારાચંદ શર્મા છેલ્લાં ૧૫ વર્ષથી આ જ કૉલેજમાં જુનિયર કૉલેજમાં બાયોલૉજી સબ્જેક્ટ ભણાવી રહ્યાં છે. એ ઉપરાંત તેઓ અહીં અસોસિએટ NCC ઑફિસર તરીકે કાર્યરત છે અને અહીંની વિદ્યાર્થિનીઓને ઑનરરી NCC ટ્રેઇનિંગ આપે છે. તાજેતરમાં કૅપ્ટન માલિનીને ભારત સરકાર રક્ષા મંત્રાલયના રાષ્ટ્રીય કૅડેટ કોર તરફથી તેમની કર્તવ્યનિષ્ઠા, સેવા અને ડિસિપ્લિન માટે ૨૦૨૦નો રક્ષા રાજ્ય મંત્રી અવૉર્ડથી નવાજવામાં આવ્યાં છે.
નૅશનલ કૅડેટ કૉર્ઝ (NCC) એક એવું યુનિફૉર્મ્ડ યુથ ઑર્ગેનાઇઝેશન છે જ્યાં આખી દુનિયામાંથી આશરે ૧૪,૦૦,૦૦૦ જેટલાં છોકરાં-છોકરી યુનિફૉર્મ સાથે દેશ માટે સોશ્યલ સર્વિસ આપે છે. ભુલેશ્વરના પંચમુખી હનુમાનજી મંદિરના મહંત શ્રી નરસિંહદાસજી આચાર્યનાં ગ્રૅન્ડ ડૉટર માલિની શર્મા આ ક્ષેત્રમાં તેમનાં પગરણ વિશે જણાવતાં કહે છે, ‘ગ્રૅજ્યુએશન પછી થોડો વખત કૉર્પોરેટ લેવલ પર ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સનું કામ કર્યું. એ અરસામાં બીઍડ કર્યું અને સ્કૂલમાં ભણાવતી. ૨૦૦૫માં અંધેરીની ભવન્સ કૉલેજ સાથે જોડાઈ. ૨૦૦૬માં અહીં NCC ઑફિસર તરીકે અપૉઇન્ટ થઈ.’
૨૦૦૭માં ગ્વાલિયરની NCC ઑફિસર ટ્રેઇનિંગ ઍકૅડેમીમાંથી તેમણે આર્મીની બરોબરીમાં આવતી આ ટ્રેઇનિંગ કમ્પ્લીટ કરી. આમાં તેઓ ઑલ ઇન્ડિયામાં પાંચમા રૅન્કર હતાં. બે સ્ટાર સાથેનો યુનિફૉર્મ મેળવી તેઓ લેફ્ટનન્ટ બન્યાં. એ વર્ષોમાં પાંચ છોકરીને ટ્રેઇનિંગ આપવાની શરૂઆત કરેલી અને હાલમાં તેમના હાથ નીચે બાવન છોકરી પ્રશિક્ષણ લઈ રહી છે.
મિલિટરી, ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ, ફસ્ટ એઇડ, ફાયર ફાઇટિંગ, મૅપ રીડિંગ, વેપન ટ્રેઇનિંગ, ગ્રાઉન્ડ ફૉર્મેશન સબ્જેક્ટ ભણાવવાની સાથે તેઓ આ સબ્જેક્ટ પ્રૅક્ટિકલી પણ શીખવે છે. ફાયરિંગમાં તેઓ અવ્વલ છે. તેમના નેતૃત્વ હેઠળ રક્તદાન શિબિર, વૃક્ષારોપણ, સ્વચ્છ ભારત અભિયાન, સેલ્ફ ડિફેન્સ ટ્રેઇનિંગ, ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ટ્રેઇનિંગ, સિનિયર સિટિઝનને દત્તક લેવા, કૅન્સર રૅલી અવેરનેસ, પલ્સ પોલિયો કૅમ્પ જેવી અનેક ઇવેન્ટ ટ્રેઇનિંગ થતી રહે છે.
પુરુષપ્રધાન ફીલ્ડમાં મહિલા અધિકારીઓ તેમ જ સ્ટુડન્ટ છોકરીઓએ અનેક ભેદભાવનો અનુભવ કરવો પડતો હોય છે એવું જણાવતાં કૅપ્ટન માલિની શર્મા કહે છે, ‘આમ તો ગર્લ્સ યુનિટ અમારે સંભાળવાનું હોય છે, પણ મહારાષ્ટ્રની કૉમ્પિટિશન વખતે છોકરા-છોકરીઓ સાથે હોય છે. કૉમ્પિટિશનમાં છોકરીઓનો પર્ફોર્મન્સ સરખો હોવા છતાં સિલેક્શન વખતે પ્રેફરન્સ હંમેશાં છોકરાને મળતો હોય છે. કોણ કહે છે કે છોકરીઓનો અવાજ બુલંદ નથી હોતો છતાં રિપબ્લિક ડે કે અમુક ઇવેન્ટમાં છોકરીઓને પાછળ રાખીને છોકરાને જ કમાન્ડ આપવાનું કહેવામાં આવતું હોય છે. કૅમ્પમાં પણ છોકરાએ જ તલવાર લઈને આગળ ચાલવું એવો ફોર્સ થતો હોય છે. આડકતરી રીતે ગર્લ્સને સપ્રેસ કરવાની કોશિશ થાય છે અને છેલ્લે ‘મૅડમ, આપકો કુછ સમઝતા નહીં હૈ’ એમ કહીને વાતને ઉડાડી દેવાય છે. ટ્રેઇનિંગ તો છોકરીઓની પણ સરખી જ હોય છે તો પછી આ રીતનો વ્યવહાર શા માટે?’
જોકે ડાયનૅમિક પ્રતિભા ધરાવતા મારવાડી વૈષ્ણવ બ્રાહ્મણ પરિવારનાં માલિની શર્માનો દબદબો, પ્રેમ, શિસ્ત અને આદર એટલો છે કે કૅમ્પમાં અને ગ્રાઉન્ડમાં તેમના એક અવાજથી ટ્રેઇનિંગ વખતે ડિસિપ્લિન જળવાઈ રહે છે. ભવન્સ કૉલેજની NCC ગર્લ્સમાંથી દર વર્ષે અમુકને સ્કૉલરશિપ પણ મળે છે. છેલ્લાં આઠેક વર્ષથી અહીંની બેસ્ટ સ્ટુડન્ટ ઑફ ધ યર NCCની છોકરી જ રહી છે. અત્યાર સુધીમાં ચારેક હજાર છોકરીઓને ટ્રેઇન કરી ચૂકેલાં માલિની શર્માની ટ્રેઇન્ડ ગર્લ્સમાંથી પાંચેક છોકરીઓ મહારાષ્ટ્ર પોલીસમાં સારી પોસ્ટ પર અને એક નેવલ સર્વિસમાં છે. ઍડ્વેન્ચર કૅમ્પ, સોશ્યલ સર્વિસ, પરેડ પ્રૅક્ટિસ જેવી અનેક પ્રવૃત્તિઓ કરનાર આ છોકરીઓ આઉટસ્ટૅન્ડિંગ પર્ફોર્મન્સ સાથે સમાજમાં બહાર પડે છે ત્યારે એવી પલોટાયેલી હોય છે કે સમાજમાં ગમે એવી પરિસ્થિતિમાં પણ ઍડ્જસ્ટ કરી શકે છે.
કૉલેજના ઍડ્મિશનની જેમ જ NCC પણ ૩ વર્ષનો કોર્સ છે. જોકે કૉલેજમાં બાળકો લેક્ચર ભરીને જતા રહે છે જ્યારે NCC સ્ટુડન્ટ્સ અને ટ્રેઇનર માટે જીવનના પ્રૅક્ટિકલ ક્લાસનું જ્ઞાન બહુ મહત્ત્વનું હોય છે અને આ પ્રશિક્ષણ દરમ્યાન યુવાનોમાં દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાનું બીજારોપણ થાય છે જે સારા નાગરિકોને, સારા સૈનિકોને અને સારા પોલીસોને જન્મ આપે છે.


