ઝેરનું મારણ ઝેર
પ્રતીકાત્મક તસવીર
ગઈ કાલે આયેશાની વાત ચાલતી હતી એમાંથી જ વાત નીકળી મુસ્લિમ બિરાદરીની અને એ વાત જઈને પહોંચી છેક મુસ્લિમ સંગઠનો સુધી. મુદ્દો એમાંથી જ બહાર આવ્યો કે મુસ્લિમ સંગઠનો આટલાં અૅક્ટિવ શું કામ છે? વાત ખોટી પણ નથી. ક્યારેય તમે જોયું કે હિન્દુ ધર્મના અઢળક સંગઠનો હોય અને એ બધાં સંગઠનો અૅક્ટિવ થઈને લોકોને પોતાના સભ્યો બનાવવાનું કામ કરતાં હોય? ના, ક્યારેય નહીં. આવું જ ક્રિશ્ચનમાં પણ જોવા નથી મળ્યું અને આવું જ પારસીઓમાં પણ જોવા નથી મળ્યું. અરે, વિશ્વની બીજી જે કોઈ કમ્યુનિટી છે એ બધાને પણ આ જ વાત લાગુ પડે છે. કોઈ પણ સંપ્રદાય કે ધર્મ ક્યારેય આ પ્રકારનું કામ કરવાની છૂટ ન આપે જે પ્રકારની છૂટ મુસ્લિમ સંગઠનો લઈ રહ્યા છે. ખુદાના નામે, કુરાનના નામે, બંદગીના નામે અને હૂરના નામે જાતજાતના કાંડ કરવામાં આવી રહ્યાં છે અને એ કાંડથી યુવાનોને ભડકાવવામાં આવે છે. તમે એક વખત ગણવા બેસશો તો તમારી આંગળીના વેઢાઓ ઘટી પડે એટલાં સંગઠનો આજે ભારતમાં છે અને એ પૈકીના મોટા ભાગનાં સંગઠનો ગેરવાજબી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. શરમની વાત એ કે એ બધું ખુદાના નામે થઈ રહ્યું છે.
જગતનો કોઈ પણ ભગવાન, ઈશ્વર, ગોડ કે ખુદા ક્યારેય એવી સલાહ આપતાં હોય ખરા કે લોકોને મારો, લોકોનું લોહી વહાવો, યુવાધનને બૉમ્બ બનાવતાં અને સુસાઇડ બૉમ્બર બનતાં શીખવો? ક્યારેય આ શક્ય બને ખરું? ક્યારેય એ શક્ય બને ખરું કે જેમાં કોઈ ઓલમાઇટી એવું કહેવડાવે કે નીચે મારો-કાપો અને પછી ઉપર આવી જાવ એટલે હું તમને સ્વર્ગનું સુખ આપીશ. આ ગાંડપણ છે. આવી વાતો કરવી એ પણ અને આવી વાતોને સાંભળીને એને અનુસરવી પણ. અને એ પછી પણ કહેવું પડે કે આ બની રહ્યું છે અને આ જે કંઈ બની રહ્યું છે એ કટ્ટરતાનું પરિણામ છે. ધાર્મિક અંધશ્રદ્ધાનું પરિણામ છે.
ADVERTISEMENT
આ અંધશ્રદ્ધા કાઢવી પડશે અને એની માટે પ્રોગ્રેસિવ કહેવાય એવા મુસ્લિમ સજ્જનોએ જ આગળ આવવું પડશે. આતંકવાદી પ્રવૃત્તિઓમાં અજાણતાં જ કમઅક્કલ બનીને જોડાઈ જતાં યુવાનોને રોકવાનું કામ આ પ્રોગ્રેસિવ લોકોનું છે. તે લોકોમાં ક્યાંય ધર્મભિરુતા નથી, પણ પોતાના મનમાં ન હોય એનો અર્થ એ નથી કે તમે સમાજને સુધારવા કે તમારા પોતાના સમાજમાં ઘૂસી ગયેલા બગાડને કાઢવાની મહેનત પણ ન કરો. એ મહેનત કરવી પડશે. એની માટે સભાનતા કેળવવાનું અને કેળવાયેલી એ સભાનતાને વધુ ને વધુ આગળ લઈ જવાનું કામ એ જ કરી શકે જે એ જમાતમાંથી બહાર આવ્યું છે. બ્રાહ્મણવાદ જો ખોટી રીતે પ્રસરી રહ્યો હોય તો એ વાદને અટકાવવાનું અને લોકોમાં સભાનતા લાવવાનું કામ જોષી, ભટ્ટ, પુરોહિત જેટલું સારી રીતે કરી શકે એટલું સારી રીતે પટેલ, શાહ અને દેસાઈ દ્વારા ન થઈ શકે. આ ઉદાહરણ માત્ર છે અને આ ઉદાહરણ મુસ્લિમ બિરાદરોને પણ લાગુ પડે છે. તેમણે આગળ આવવું પડશે અને એ આગળ આવવા રાજી ન હોય તો એને જગાડવાનું કામ સરકારે કરવું જોશે, કારણ કે દેશ માટે જિહાદી માનસિકતા નુક્સાનકર્તા છે. જરૂરી નથી કે એ જિહાદી માનસિકતાવાળી વ્યક્તિ હુમલો કરીને આતંક જ ફેલાવે ત્યારે જ આપણે જાગવું અને પછી ટ્વિટર કે ફેસબુક પર જઈને બચાવ અભિયાન અને સફાઈ અભિયાન શરૂ કરવું.

