‘કુછ કુછ હોતા હૈ’ના ટાઇટલ સામે જાવેદ અખ્તરનો એવો વિરોધ હતો કે તેમણે ગીતકાર સમીરને પણ આ સલાહ આપી હતી. જોકે ફિલ્મ રિલીઝ થયા પછી જાવેદસાહેબે એ જોઈ અને જોયા પછી પહેલો ફોન કરણ જોહરને કરીને કહ્યું કે હું મારા વિરોધમાં ખોટો હતો
કુછ કુછ હોતા હૈ ફિલ્મ
આપણે વાત કરીએ છીએ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ના મ્યુઝિકની અને એમાં તમને ગયા શુક્રવારે કહ્યું કે ફિલ્મ જાવેદ અખ્તરે છોડી દીધા પછી ગીતકાર સમીરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સમીર સામે સાચી જ વાત મૂકવામાં આવી કે ગીત જાવેદ અખ્તર લખવાના હતા, પણ હવે તેઓ નથી લખી રહ્યા. સારું કામ કરનારાઓમાં હંમેશાં ખુદ્દારી હોય. સાચી વાતની ખબર પડ્યા પછી તેઓ પહેલું કામ જે-તે વ્યક્તિ પાસે જઈને સાચું કારણ જાણવાની કોશિશ કરે. આવી ખુદ્દારી આજના સમયમાં તો બધા પાસેથી રાખી નથી શકાતી, પણ સમીરમાં હતી. ગીત લખવા માટે પોતે હાજર છે એવું કહ્યા પછી સમીરે જતિન-લલિત અને કરણ જોહરને સ્પષ્ટતા સાથે કહ્યું કે આગળ વધતાં પહેલાં તે એક વાર જાવેદ અખ્તર સાથે વાત કરશે અને સમીરે એવું જ કર્યું.
તેમણે જાવેદ અખ્તરને ફોન કર્યો અને ફિલ્મ છોડવાનું કારણ પૂછ્યું તો જાવેદ અખ્તરે એ જ કારણ આપ્યું અને સમીરને સલાહ પણ આપી, ‘બેટા, અગર હો શકે તો તૂ ભી ઐસે ટાઇટલવાલી ફિલ્મ ના કર વો હી બહેતર હૈ.’ જોકે સમીર પાસે ‘કુછ કુછ હોતા હૈ’ સ્વીકાર્યા સિવાય છૂટકો નહોતો અને એની પાછળનું કારણ હતું ૧૯૯૭માં આવેલા સેટ-બૅક.
૧૯૯૭ના વર્ષ દરમ્યાન સમીર સાથે અમુક ઘટનાઓ એવી ઘટી કે તે ડિપ્રેશનમાં સરી ગયો. આ એ જ વર્ષ જે સમયે ટી-સિરીઝના જનક એવા ગુલશનકુમારનું મર્ડર થયું. સમીર માટે ગુલશનકુમાર ગૉડફાધર હતા. સમીરને ‘ધ ગ્રેટ સમીર’ બનાવવાનું કામ ગુલશનકુમારે કર્યું હતું અને ટી-સિરીઝે સમીર પાસે અઢળક સુપરહિટ ગીતો લખાવ્યાં હતાં. ૧૯૯૭નું આ એ જ વર્ષ જે વર્ષે સમીરના પપ્પા ગીતકાર અન્જાનનો દેહાંત થયો અને આ એ જ વર્ષ હતું જે વર્ષે ગુલશનકુમાર મર્ડરકેસમાં મ્યુઝિક-ડિરેક્ટર નદીમ-શ્રવણ પૈકીના નદીમ ખાનને દોષી ગણવામાં આવ્યો અને નદીમ ક્યારેય ઇન્ડિયા પાછો આવ્યો નહીં. નદીમ-શ્રવણ માટે સમીરે અઢળક સૉન્ગ લખીને તૈયાર રાખ્યાં હતાં, જે સૉન્ગ ક્યારેય ટી-સિરીઝે રિલીઝ કર્યાં નહીં એ પણ તમને યાદ કરાવી દઉં. ગુલશનકુમાર મર્ડરકેસમાં નદીમનું નામ આવતાં એ સમયની ટોચની મ્યુઝિક પૅર એવા નદીમ-શ્રવણનું કામ બિલકુલ બંધ થઈ ગયું અને સમીર નદીમ-શ્રવણના ફેવરિટ ગીતકાર હતા. આનંદ-મિલિંદનાં વળતાં પાણી તો શરૂ થઈ જ ગયાં હતાં. આ એ જ તબક્કો હતો જે તબક્કામાં સમીરની પર્સનલ લાઇફમાં આ સિવાય પણ ઘણા ઉતાર-ચડાવ હતા, જેને લીધે સમીર ઑલમોસ્ટ ડિપ્રેશન અનુભવતા થઈ ગયા હતા અને મુંબઈ છોડીને મોટા ભાગનો સમય બનારસ રહેવા માંડ્યા.
ADVERTISEMENT
તમને યાદ ન હોય તો યાદ કરાવવાનું કે સમીર મૂળ બનારસના. આજે પણ તેમનું ઘર ત્યાં છે.
સમીર ધીમે-ધીમે કામ તરફ પાછા ફરવાની કોશિશ કરતા હતા, પણ પર્સનલ અને પ્રોફેશનલ એમ બન્ને ફ્રન્ટ ડિસ્ટર્બ હોવાથી કશું ગોઠવાતું નહોતું અને એવામાં સમીરનો સંપર્ક જતિન-લલિતે કર્યો. સમીરે જાવેદ અખ્તરને પણ આ જ વાત કરી અને જાવેદ અખ્તરે પણ કહ્યું કે તારી ઇચ્છા હોય તો મારો કોઈ વિરોધ નથી અને મારો પ્રોજેક્ટ સામે બીજો કોઈ વિરોધ પણ નથી, તું આગળ વધી શકે છે.
સમીરે કામ શરૂ કર્યું અને શરૂ થયેલા આ કામમાં સમીરને ખાસ કોઈ વાંધો પણ પડ્યો નહીં, સિવાય કે એક સૉન્ગ ‘સાજનજી ઘર આયે...’ સમીરે પોતે કહ્યું છે કે એ સૉન્ગ એકમાત્ર એવું સૉન્ગ હતું જે તમારા કલ્ચર સાથે જોડાયેલું હતું. એ સિવાયનાં બધાં સૉન્ગ અલગ-અલગ જોનરનાં હતાં, પણ જોનરમાં વેરિએશન હોવાને કારણે આ સૉન્ગ લખવામાં તકલીફ એ પડી કે એમાં જ એક એવા હીરોની એન્ટ્રી હતી જેનું નામ અમને કોઈને આપવામાં આવ્યું નહોતું.
એ હીરો એટલે સલમાન ખાન. સલમાન ખાન ફિલ્મ કરે છે એ વાત ફિલ્મ રિલીઝ થઈ ત્યાં સુધી છાની રાખવામાં આવી હતી અને એ જ કારણ હતું કે સલમાનની એન્ટ્રી પર પહેલા દિવસે ઑડિયન્સ રીતસર હેબતાઈ ગઈ હતતી. સમીરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે જો તમને સ્ટારનું નામ ખબર હોય તો તમારી આંખ સામે એ વિઝ્યુઅલ ઊભું થઈ શકે. અહીં તો અમને એટલું જ કહેવામાં આવ્યું હતું કે એક એવો હીરો છે જે આજના સમયમાં શાહરુખ ખાન પછીના લેવલ પર ગણી શકાય.
શાહરુખનો એ જ સિતારો હતો એ તો અનબિલીવેબલ હતો અને એમાં પણ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ પછી તો શાહુરખ બધાની રેસમાંથી બહાર નીકળી ગયો હતો. સમીરે બહુ પ્રયાસ કર્યા અને એ પણ જાણવાની ટ્રાય કરી કે એ હીરો કોણ હોઈ શકે, પણ કોઈ કશું બોલે નહીં. બહુ પૃચ્છા કરી ત્યારે ખબર પડી કે કરણ જોહરને હજી સુધી એ સ્ટાર મળ્યો જ નથી!
હા, આ સાવ સાચું હતું. ફિલ્મનું શૂટ શરૂ થવાની તૈયારી હતી, ફિલ્મનાં ગીતો તૈયાર થઈ ગયાં હતાં એ પછી પણ ગેસ્ટ અપીરન્સ માટે કોઈ ઍક્ટર કરણ જોહરને મળ્યો નહોતો. કરણે ફાઇનલી એવું નક્કી કર્યું હતું કે તે આ રોલમાં જુગલ હંસરાજને લઈ આવશે પણ એને માટે આદિત્ય તૈયાર નહોતો. કરણને સલમાન ખાન કેવી રીતે મળ્યો એ વાત પણ બહુ રસપ્રદ છે.
બન્યું એવું કે કરણ એક પાર્ટીમાં ગયો. એ સમયે કરણ બહુ શરમાળ હતો. પાર્ટીમાં તે એક જગ્યાએ ખૂણામાં ઊભો હતો ત્યાં તેની પાસે સલમાન ખાન આવ્યો. આવીને તેણે પ્રેમથી કરણ સાથે વાત શરૂ કરી અને પછી કહ્યું કે ‘તું તારી ફિલ્મ માટે કોઈ એક નાનકડા રોલ માટે ઍક્ટર શોધે છે.’ કરણે હા પાડી અને એ પણ કહ્યું કે ચંદ્રચૂડ સિંહથી લઈને જિમી શેરગિલ પણ એ રોલ માટે ના પાડી ચૂક્યા છે.
‘તો મૂઝે ક્યોં ઑફર નહીં કરતા?’
સલમાન ખાને આવું પૂછ્યું અને કરણ જોહર હેબતાઈ ગયો. તેણે તરત કહ્યું કે એ રોલ તારે લાયક નથી. બહુ નાનો રોલ છે. સલમાન પણ ખબર નહીં, કઈ માનસિકતા સાથે કરણ જોહર પાસે ઊભો હતો. તેણે કરણના બધા ખુલાસા સાંભળીને એટલું જ કહ્યું કે ‘તને શું લાગે છે, રોલ સારો છે, હા કે ના?’
રોલ સારો છે, પણ તારે માટે એ...
‘રોલ અચ્છા હૈ ના?’
કરણે હા પાડી અને સલમાન ખાને કહ્યું કે ‘તો હું એ રોલ કરું છું. ક્યારે શૂટિંગ છે એ મને કહી દેજે...’ માનવામાં ન આવે અને સાંભળીએ તો વિશ્વાસ ન બેસે, પરંતુ એ પણ હકીકત છે કે સલમાન ખાને પોતાનો રોલ શું છે
એ છેક શૂટિંગના દિવસ સુધી સાંભળવાની
તસ્દી પણ નહોતી લીધી. જે દિવસે શૂટિંગ હતું એ દિવસે જ સલમાને કરણને પૂછ્યું કે હવે મને સમજાવી દે કે આ જે કૅરૅક્ટર છે એનું મહત્ત્વ શું છે? સલમાન ખાને એક દિવસમાં ‘કુછ કુછ હોતા હૈ’નું પોતાનું કામ પૂરું કર્યું, જ્યારે સમીરે ‘સાજનજી ઘર આયે...’ સૉન્ગ લખવા માટે એક મહિનો લીધો હતો.

