કડવી પરંતુ સાચી વાત એ છે કે આજની BJPમાં નિષ્ઠા કરતાં ઉપયોગિતાને વધારે મહત્ત્વ આપવામાં આવે છે
રાજેશ ચાવડા એક સામાજિક કાર્યકર છે
મહારાષ્ટ્રમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોને ટિકિટ-ફાળવણી બાદ BJPના ઘણા જૂના અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓએ પોતાને અન્યાય થયો હોવાની ભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને બહારથી આયાત કરાયેલા નેતાઓને ઉમેદવારી આપવામાં આવતાં વર્ષોથી પક્ષ માટે કામ કરતા કાર્યકર્તાઓમાં નારાજગી અને રોષ વ્યાપે એ સ્વાભાવિક છે. આ લેખ એ જ કાર્યકર્તાઓને ઉદ્દેશીને છે.
સૌપ્રથમ એક હકીકત સમજી લેવી જરૂરી છે કે અગાઉની BJP અને આજની BJP એકસરખી રહી નથી. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીના સમયમાં BJP બાંધણીના તબક્કામાં હતી. ત્યારે પક્ષ નાનો હતો, જનાધાર મર્યાદિત હતો અને કાર્યકર્તા જ એની મુખ્ય તાકાત હતા. ત્યારે નિષ્ઠા, ત્યાગ અને સતત મહેનતને સાચું મહત્ત્વ મળતું. હોદ્દો કે ટિકિટ ન મળે છતાં કાર્યકર્તા વિચારધારા માટે ગૌરવપૂર્વક કામ કરતો.
ADVERTISEMENT
પરંતુ આજની BJP સંપૂર્ણપણે જુદી છે. આજે વિચારધારા કરતાં સત્તાલક્ષી રાજકારણને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. કડવી પરંતુ સાચી વાત એ છે કે આજની BJPમાં નિષ્ઠા કરતાં ઉપયોગિતાને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. જે મત લાવી શકે, પ્રભાવ ઊભો કરી શકે અથવા પક્ષને તાત્કાલિક ફાયદો અપાવી શકે તેને તક મળે છે, ભલે તે નવા આવ્યા હોય; જ્યારે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક કામ કરનાર કાર્યકર્તા પોતાને અવગણાયેલા અનુભવે છે. આ નૈતિક છે કે નહીં, એ ચર્ચા અલગ છે; પરંતુ આજની BJPની આ જ વાસ્તવિકતા છે. અહીં જ મોટા ભાગના કાર્યકર્તાઓ અટવાઈ જાય છે. અમે વર્ષો સુધી કામ કર્યું, અમે ત્યાગ કર્યો, અમે પક્ષ ઊભો કર્યો, આવી બધી ભાવનાત્મક વાતો કરીને દુખી થયા કરે છે.
એક વાત અહીં સ્પષ્ટપણે લખીશ કે ફક્ત ભૂતકાળના યોગદાનના આધાર પર આજનું રાજકારણ ચાલતું નથી. જે પોતાને સમય પ્રમાણે અપડેટ કરે છે, જે આજે પણ પક્ષ માટે ઉપયોગી સાબિત થાય છે, તેને જ તક મળે છે. એક સમયે BJPનું સૂત્ર હતું : રાષ્ટ્ર પ્રથમ, ત્યારબાદ પક્ષ અને છેલ્લે સ્વયં. પરંતુ આજે આયાતી નેતાઓ અને તેમની માનસિકતાએ આ ક્રમ ઊલટાવી દીધો છે. દુઃખની વાત એ છે કે BJPના ઘણા મૂળ નેતાઓએ પણ આ જ માર્ગ અપનાવી લીધો છે. પક્ષ મજબૂત કરવાના બહાને પોતાના વ્યક્તિગત સમર્થકો અને પોતાની વ્યક્તિગત તાકાત ઊભાં કરવામાં આવી રહ્યાં છે. સંગઠનમાં અને સત્તામાં પોતાના સમર્થક કાર્યકરોને ગોઠવવા માટે પક્ષના જ બીજા કાર્યકરો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. પક્ષના સંગઠનમાં નિષ્ઠા કરતાં વધુ મહત્ત્વ ચમચાગીરીને મળવા લાગ્યું છે.
આ પરિસ્થિતિમાં કાર્યકર્તાઓએ રોદણાં રડવાને બદલે આત્મમંથન કરવાની જરૂર છે. સમય બદલાયો છે, રાજકારણ બદલાયું છે. હવે સ્વયંને બદલવું અનિવાર્ય છે. જો તમને રાજકારણમાં ટકવું હોય તો ફક્ત ‘નિષ્ઠાવાન’ નહીં, ‘અનિવાર્ય’ બનવું પડશે. એટલા સક્ષમ બનો કે કોઈ તમારા અસ્તિત્વને અવગણી ન શકે. એક વાત સમજી લેજો કે રાજકારણમાં જો સન્માનભેર રહેવું હોય તો અધિકાર માગવા માટે રોકકળ કરવાને બદલે એવું સ્થાન ઊભું કરો કે રાજકીય પક્ષો સામેથી તમારી પાસે આવે. પક્ષ માટે તમે વિકલ્પ નહીં, પક્ષ તમારા માટે વિકલ્પ હોવો જોઈએ.
- રાજેશ ચાવડા


