હું અને મારાં સાસુ જે રીતે રહીએ છીએ એ જોતાં કોઈ સ્વીકારવા તૈયાર નથી કે તેઓ મારાં મધર-ઇન-લૉ છે. એવું નથી કે સાથે રહેતાં હોવા છતાં ક્યારેય આપસમાં અમારી વચ્ચે ખટરાગ ન થયો હોય, પણ મહત્ત્વનું એ છે કે એ ખટરાગને તમે કેવી રીતે ટેકલ કરો છો.
સમીરા રેડ્ડી અને તેની સાસુમા
ઍક્ટ્રેસ હોવાના નાતે એક જુદા જ માઇન્ડસેટ સાથે જીવવાનું શરૂ થઈ ગયું હોય, જે સ્વાભાવિક છે. ૨૦૧૪માં મૅરેજ થયાં અને ૨૦૧૫માં પહેલા બાળકનો જન્મ થયો. સાચું કહું એ પછી મારું જીવન જાણે બદલાઈ જ ગયું. ૨૦૧૫થી ૨૦૧૯નો સમયગાળો મેં ભયંકર ડિપ્રેશનમાં પસાર કર્યો. પહેલી ડિલિવરી પછી મારું વજન ૧૦૫ કિલો થઈ ગયું હતું. ચહેરો અને રંગરૂપ બદલાઈ ગયાં હતાં અને મારા માટે ઇન્ડસ્ટ્રીમાં કમેન્ટ શરૂ થઈ ગઈ હતી કે હવે આની કારકિર્દી ક્યારેય ફરી શરૂ નહીં થાય. મારી ફિલ્મો રિલીઝ થતી હતી એ સમયે જે મારી આગળ-પાછળ ફરતા એ કોઈ ત્યાર પછી મારી સાથે મીટિંગ કરવા પણ તૈયાર નહોતા, અરે કાસ્ટિંગ ટીમમાંથી મને ફોન આવવાના પણ બંધ થઈ ગયા. પોસ્ટ પાર્ટમ-ડિપ્રેશનના આ સમયગાળામાં મને સૌથી વધુ સ્ટ્રૉન્ગ સપોર્ટ આપ્યો હોય તો એ છે મારા હસબન્ડ અને સાસુમા. હસબન્ડનો સપોર્ટ તો એક્સપેક્ટેડ હોય, પણ સાસુમા જે રીતે પર્વતની જેમ અડગ મારા પડખે ઊભાં રહ્યાં એ મારે માટે સાવ જુદો જ અનુભવ હતો.
આમ જોવા જઈએ તો મારા અને મારાં સાસુ વચ્ચે જમીન-આસમાનનો ફરક છે, કલ્ચરલ ડિફરન્સ પણ ખૂબ મોટો. મને યાદ છે કે હું તેમના ઘરે જમવા ગઈ ત્યારે ડિનરમાં પાણીપૂરી હતી. મને થયું કે ડિનરમાં માત્ર પાણીપૂરી, આમાં પેટ કેમ ભરાય? આ તો નાસ્તો કહેવાય, પણ તેમણે મને કહ્યું કે અમારા ગુજરાતીમાં તો ડિનરમાં ખાલી પાણીપૂરી જ બને. એ દિવસે તો મેં ખાઈ લીધી, પણ પછી એવું બન્યું કે અમારા ઘરે પણ અઠવાડિયામાં એક દિવસ ડિનરમાં માત્ર પાણીપૂરી બનવા માંડી. લગ્ન પછી નવી લાઇફમાં સેટલ થવાનું અઘરું હોય છે ત્યારે સાસુમાનો બહુ મોટો રોલ હોય છે.
ADVERTISEMENT
બે નિયમ અમે બન્નેએ રાખ્યા હતા, લાઇન ક્રૉસ નહીં કરવાની. એકબીજાની ડિગ્નિટીની મર્યાદા રાખવાની અને બીજો નિયમ, અમારી વચ્ચેના કોઈ પણ પ્રૉબ્લેમનું ડિસ્કશન મારે મારા હસબન્ડ સાથે કે તેમણે તેમના દીકરા સાથે નહીં કરવાનું. બિન્દાસ બનીને રહેવાની ટ્રેઇનિંગ મને મારાં સાસુ પાસેથી જ મળી છે એમ કહું તો ખોટું નહીં ગણાય. હું ખૂબ વિચારતી કે લોકો શું વિચારશે. કેવી ઇમેજ પડશે અને લોકોનાં શું રીઍક્શન આવશે. તેમણે મને જીવનની એકેએક ક્ષણને એન્જૉય કરવાનું અને દુનિયાને જે વિચારવું હોય એ વિચારે, આપણે આપણી મસ્તીમાં રહેવાનું એ શીખવ્યું. એ જ રીતે સોશ્યલ મીડિયાની જર્ની શરૂ થઈ. એક સમય હતો કે હું મારો ફોટો કોઈ ન પાડી લે એનું ધ્યાન રાખતી. મારે મારા બદલાયેલા લુક સાથે પબ્લિકમાં જવું નહોતું ત્યારે તેઓ જ મને સમજાવતાં કે જીવનનો આ બેસ્ટ ટાઇમ છે. એને ફોટોમાં સાચવી રાખ. તેઓ જ કહેતાં કે ગ્રે હેર કે વધેલા વજન સાથે પણ કૉન્ફિડન્ટલી પબ્લિક સામે જઈ શકાય. તેમણે મારો આ ડર કાઢ્યો, તો મેં તેમને કૅમેરા સામે નહીં જવાનો જે છોછ હતો એ દૂર કર્યો.
અમારા બન્નેની ઇન્સ્ટાગ્રામ પર પહેલી રીલ હતી મને કાંદા સમારતા નથી આવડતા એની અને તમે માનશો નહીં અમને જબરદસ્ત રિસ્પૉન્સ મળ્યો. લોકોએ અમને સોશ્યલ મીડિયા પર વધાવી લીધાં. અમે બન્ને પ્રામાણિક હતાં. મને નથી આવડતું એ કહેવામાં મને સંકોચ નહોતો અને મારી મજાક કર્યા પછી પણ મારી સાથે મને શીખવવામાં તેમને છોછ નહોતો. સાસુ અને વહુમાં ઈગો ન આવવો જોઈએ. એક વાત જો કોઈ છોકરીને તેની મમ્મી કહે તો તે સાંભળી લે, પણ એ જ વાત જો તેને તેની સાસુ કહે તો તેનો ઈગો હર્ટ થઈ જાય. આવું જ સાસુઓ સાથે પણ બનતું હોય છે. દીકરી અકળાઈને વાત કરે તો મમ્મી માટે એ સામાન્ય હોય, પરંતુ વહુ જો ઇરિટેટ થયેલી હોય તો ઈગો પ્રૉબ્લેમ લાગે. અમે આ વાતોથી દૂર રહ્યાં એટલે આજે પણ અમારો સંબંધ મધુર છે.
બે બાળકો સાથે ફૅમિલી લાઇફ જીવવાનો નિર્ણય લીધો ત્યારે પણ ઘણા લોકોએ કમેન્ટ કરી હતી. આજે પણ મહિલાઓ કરીઅરમાંથી ફૅમિલી માટે બ્રેક લે ત્યારે તેને માટે જાતજાતની કમેન્ટ કરવામાં આવતી હોય છે. જોકે મારું નવેસરથી સર્જન કરવા માટે એ સમય બહુ જરૂરી હતો. હું તો કહીશ કે તમે જ્યારે બધેથી જ ગાયબ હો એ સમય તમારા જીવનનો મોસ્ટ પાવરફુલ ટાઇમ હોય છે. તમારો નવો જન્મ હોય છે. તમને બહુ જ સ્ટ્રૉન્ગ બનાવવા માટેની એ પ્રોસેસ હોય છે. જીવનમાં ફેલ થવું જરૂરી છે. ગ્રે હેર હતા અને હું સાઇઝ ઝીરો નહોતી એ પછી પણ હું મારો રસ્તો નવેસરથી બનાવીશ એ આત્મવિશ્વાસ મારામાં આ ટફ ટાઇમે અને સ્ટ્રૉન્ગ સપોર્ટ સિસ્ટમને કારણે જ આવ્યો હતો. પહેલાં લાકો જજ કરતા એનું મને સ્ટ્રેસ થતું. આજે લોકો જજ કરે એનાથી મને કોઈ ફરક નથી પડતો. તમે જજ કરો છો એ તમારો પ્રૉબ્લેમ છે. એક વસ્તુ યાદ રાખજો કે તમે તમારા નિર્ણય જાતે લો. તમારી ખુશી કઈ વાતમાં છે એ નક્કી કરો અને ડિસિઝન લો. સમાજનો ઢાંચો શું છે અને દુનિયા શું કહેશે એના આધારે તમે તમારા જીવનના નિર્ણય લેશો તો અંદરખાને તમે દુખી જ રહેશો. મેં જાતે જ પસંદ કર્યું કે મારે મારાં બાળકોને સમય આપવો છે. મારે મધરહુડને એન્જૉય કરવું છે. જ્યારે મને એમ લાગશે કે હવે મારે કામ શરૂ કરવું છે તો કંઈ ને કંઈ કરી જ લેવાશે. દરેક સ્થળે ગિલ્ટ સાથે જીવવાની જરૂર જ નથી હોતી. તમારી પોતાની પ્રાયોરિટી, તમારી ખુશી એ જ મહત્ત્વનું છે. લોકોનો દૃષ્ટિકોણ નહીં. તમારા આત્મવિશ્વાસનું રિમોટ કન્ટ્રોલ તમારા પોતાના હાથમાં હોવું જોઈએ. મારી સાથે આ થઈ ચૂક્યું છે જ્યારે લોકોના શબ્દોથી હું હલી જતી. મારો આત્મવિશ્વાસ ડગમગાઈ જતો. હવે એવું નથી. લોકોએ જે બોલવું હોય એ બોલે, મને ખબર છે કે હું શું કરી રહી છું અને એ જ મારા માટે મહત્ત્વનું છે.
હું તો અતિશય રિઝર્વ્ડ પ્રકૃતિની હતી. મને કલ્પના પણ નહોતી કે મારાં સાસુમા સાથે આવું જબરદસ્ત બૉન્ડ બનશે, પણ મારાં ગુજરાતી સાસુમા બહુ જ સ્પેશ્યલ અને અમેઝિંગ છે. દરેક મોડ પર તેમણે મારી સાઇડ લીધી. મોટા ભાગના પરિવારોમાં સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન હોય છે. ઘણા પરિવારમાં સ્ત્રીઓને ડિમોટિવેટ કરવાનું, તેની સામે સંઘર્ષ વધારવાનું કામ સ્ત્રીઓ જ કરે છે. સાસુ-વહુની સિરિયલોમાં જે જોયું હતું અને સાસુઓ માટે જે સાંભળ્યું હતું એવું હકીકતમાં મારી સાથે નથી બન્યું. અમારી વચ્ચે જોરદાર કમ્યુનિકેશન છે. અમે બન્ને એકબીજાની સ્પેસની રિસ્પેક્ટ કરીએ છીએ. બન્ને સાવ જુદાં છીએ અને છતાં એકબીજાની સાથે જોરદાર ભળી ગયાં છીએ. તેમને ફાફડા, મૂઠિયાં અને ખાખરા ભાવે, જ્યારે હું સૅલડ અને સ્પ્રાઉટ્સ ખાવાનું પ્રિફર કરું. મ્યુઝિકનો ટેસ્ટ જુદો, કપડાં પહેરવાનો ટેસ્ટ જુદો. એક્ઝૅક્ટ ઑપોઝિટ છીએ અને છતાં સાથે છીએ. મને યાદ છે કે લૉકડાઉનમાં અમારી વચ્ચે કુકિંગને લઈને ખૂબ વાંધા પડતા હતા, પરંતુ એ વાંધાઓને કે પછી મતભેદને ક્યારેય અમે એક હદથી આગળ નથી વધવા દીધા. કોઈ પણ વાત હોય, અમે બન્ને એકબીજાની આઝાદીનો આદર કરીએ. તેઓ મારામાં ઇન્ટરફિયર ન કરે અને હું તેમનામાં. અમે રસ્તો કાઢી લીધો. જ્યાં જુદાં પડીએ ત્યાં હાફ-વે આવીને એકબીજા સાથે જોડાઈ જઈએ. અમે એવી મજા કરીએ છીએ કે એ મજાને સોશ્યલ મીડિયા પર લોકો પણ એન્જૉય કરે છે. તેમની સાથેની ફન રીલ્સ મારા જીવનની મોસ્ટ મેમોરેબલ મોમેન્ટ્સ છે.
બહુ સમય પછી હવે ફરી કેટલીક સ્ક્રિપ્ટ પર કામ કરી રહી છું અને ઓટીટી પર આવવાની તૈયારી શરૂ થઈ છે ત્યારે પણ મારાં સાસુ મારી સાથે ઊભાં છે. મારા ડાઉન ટાઇમથી લઈને આજ સુધી તેઓ સતત મારા પડખે રહ્યાં છે અને આજે એમ હું કહી શકું કે મારાં બાળકો કે મારા હસબન્ડ જ નહીં, પણ મારાં સાસુ મારી સૌથી મોટી સ્ટ્રેંગ્થ છે અને એ જ સ્ટ્રેંગ્થ દરેક ફૅમિલીએ એકબીજા માટે ઊભી કરવાની છે એવું હું દૃઢપણે અને મારા જાતઅનુભવ પરથી માનું છું.


