Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > કૉલમ > કુછ ઐસે હી દિન થે વો, જબ હમ મિલે થે... ચમન મેં નહીં ફૂલ દિલ મેં ખિલે થે

કુછ ઐસે હી દિન થે વો, જબ હમ મિલે થે... ચમન મેં નહીં ફૂલ દિલ મેં ખિલે થે

Published : 15 September, 2023 01:01 PM | IST | Mumbai
RJ Dhvanit Thaker

ફિલ્મ ‘ચાંદની’ના વિનોદ ખન્ના પર શૂટ થયેલા આ સૉન્ગની સૌથી મોટી બ્યુટી એ છે કે એ અત્યારે પણ જો વરસતા વરસાદ વચ્ચે સાંભળો તો મનમાં આગ અને આંખમાં આંસુ જન્માવી દે

ફિલ્મ ‘ચાંદની’ના વિનોદ ખન્ના પર શૂટ થયેલ સૉન્ગ

ફિલ્મ ‘ચાંદની’ના વિનોદ ખન્ના પર શૂટ થયેલ સૉન્ગ


પહેલી વાત, આ જોગાનુજોગ જ છે કે યશરાજ ફિલ્મ્સની ‘મોહબ્બતેં’ પછી હવે આપણે વાત કરવાના છીએ ફિલ્મ ‘ચાંદની’ની કેટલીક એવી વાતોની જેની બહુ ઓછા લોકોને ખબર હશે. શ્રીદેવીની લાઇફની કેટલીક બેસ્ટ ફિલ્મ પૈકીની એક એટલે ‘ચાંદની’. ફિલ્મ ભલે ૧‍૯૮૯માં રિલીઝ થઈ, પણ તમને એ ખબર નહીં હોય કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈને ઑલમોસ્ટ સાતેક વર્ષથી યશ ચોપડા પાસે હતી. યશજી પહેલાં આ ફિલ્મ રેખાને લઈને કરવા માગતા હતા. રેખા પણ ફિલ્મ કરવા તૈયાર હતી, પણ રેખા સામે કોઈ હીરો તૈયાર થયો નહીં એટલે પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો. હકીકત એ હતી કે કોઈને રેખા સામે વાંધો નહોતો, પણ પ્રૉબ્લેમ વુમન-સેન્ટ્રિક સબ્જેક્ટ અને ધ લેજન્ડ રેખા સામે ઊભા રહેવાનું હતું. નૅચરલી રેખા સ્ક્રીન પર બધાને ફાડી ખાય.


પ્રોજેક્ટ અભરાઈએ ચડી ગયો અને ૧૯૮૭માં અનાયાસ ફરી સ્ક્રિપ્ટ યશ ચોપડાના હાથમાં આવી અને યશ ચોપડાએ નક્કી કરી લીધું કે હવે આ પ્રોજેક્ટ પર તેઓ કામ કરશે. ચાંદની નામની યુવતીની લાઇફમાં આવતા લાગણીના ઉતાર-ચડાવ પર આખો સબ્જેક્ટ એટલે નૅચરલી એ ફિલ્મ માટે તો કોઈ પણ લીડ ઍક્ટર તૈયાર થઈ જાય. યશ ચોપડાએ શ્રીદેવીને વાત કરી અને શ્રીદેવીએ તરત જ હા પાડી દીધી. ફિલ્મમાં બે હીરો હતા, રિશી કપૂર અને વિનોદ ખન્ના. રિશી કપૂરને તૈયાર કરવાનું કામ યશ ચોપડા માટે જરા પણ અઘરું નહોતું, તો ફિલ્મના ડાયલૉગ-રાઇટર સાગર સરહદી માટે પણ એ ડાબા હાથનું કામ હતું. સાગર સરહદી ફિલ્મ સંભળાવવા માટે ગયા અને તેમણે પંદર જ મિનિટમાં રિશી કપૂરની હા લઈ લીધી. હવે વાત આવી સેકન્ડ હીરોની અને અહીં યશ ચોપડાની હાલત બરાબરની કફોડી થઈ.



વિનોદ ખન્નાએ જે કૅરૅક્ટર કર્યું હતું એની એન્ટ્રી ફિલ્મમાં એટલી મોડી હતી કે કોઈ પણ મેઇનસ્ટ્રીમ ઍક્ટર એ કરવા તૈયાર ન થાય. બીજી વાત, સામે શ્રીદેવી જેવી જાયન્ટ ઍક્ટ્રેસ હોય એટલે એનો પણ ડર રાખવાનો, અને ત્રીજી વાત, રિશી કપૂર પાસે કરવા માટે ફિલ્મમાં અઢળક સ્કોપ હતો અને આ જે સેકન્ડ હીરો હતો એ કૅરૅક્ટરમાં ઘણી લિમિટેશન હતી. અનેકાનેક ઍક્ટરોને પૂછવામાં આવ્યું, પણ કોઈ એને માટે રેડી ન થાય. તમને જાણીને નવાઈ લાગશે, પણ એક પાર્ટીમાં યશ ચોપડાએ અમિતાભ બચ્ચનને પણ વાત-વાતમાં પૂછી લીધું હતું કે તમે એ રોલ કરશો. બિગ બીએ સીધી ના પાડવાને બદલે એવું કહ્યું કે ‘આપણે એના પર પછી વિચાર કરીએ, હું ફોન કરું.’


ફિલ્મસ્ટાર્સને નજીકથી ઓળખતા, ઘરોબો ધરાવતા યશ ચોપડાને થોડું કંઈ સમજાવવાનું હોય કે આ પ્રકારના જવાબનો ભાવાર્થ શું હોય?

બિગ બીનો ક્યારેય કોઈ ફોન આવ્યો નહીં અને ૨૪ કલાક પછી જ યશ ચોપડા નવા ઍક્ટરની તલાશમાં લાગી ગયા. તપાસ કરતાં-કરતાં સાગર સરહદીએ જ યશ ચોપડાને નામ યાદ અપાવ્યું, વિનોદ ખન્નાનું. યશ ચોપડાને પણ વિનોદ ખન્ના સાથે કામ કરવું હતું અને તેના મનમાં વિનોદ ખન્નાનું નામ લાંબા સમયથી ચાલતું હતું. ચોપડાએ મીટિંગ કરી અને તેને રોલ સંભળાવ્યો. અહીં વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે એ સમયે બાઉન્ડ સ્ક્રિપ્ટની કોઈ સિસ્ટમ તૈયાર નહોતી થઈ. સ્ટોરી અને સ્ક્રીનપ્લે તૈયાર હોય, ડાયલૉગ્સ સેટ પર કે આગલા દિવસે લખાતા જતા હોય.
વિનોદ ખન્નાને સ્ટોરી ગમી તો સાથોસાથ તેને એ પણ સમજાયું કે આ રોલમાં તેના ભાગે ખાસ કંઈ કરવાનું આવતું નથી એટલે તેણે યશ ચોપડાને સહજ રીતે જ કહ્યું કે ફિલ્મ કરવામાં મને વાંધો નથી, પણ મારી બે નાની ડિમાન્ડ છે; એક, ફિલ્મની સ્ટોરી તમે આ જ રાખો, પણ મારા રોલની લેંગ્થ વધારવામાં આવે અને બીજી ડિમાન્ડ.
‘ઇસ કે બાદ જો કુછ કરો ઉસ મેં અચ્છે રોલ કે સાથ આપ મિલેંગે...’


યશ ચોપડાએ હા પાડી અને એ પછી     આ બન્ને વાતો તેમણે પાળીને પણ દેખાડી. જે સમયે યશ ચોપડાએ ‘ચાંદની’ની સ્ટોરી વિનોદ ખન્નાને સંભળાવી હતી એ સમયે વિનોદ ખન્ના પાસે ખાસ કંઈ કરવાલાયક હતું નહીં, પણ યશ ચોપડાએ પ્રૉમિસ કર્યું હતું એટલે તેણે વિનોદ ખન્નાના ભાગમાં એક નહીં, બે સૉન્ગ મૂક્યાં, જેમાં એક સોલો સૉન્ગ હતું તો એક સૉન્ગ રિશી કપૂર સાથે હતું. સોલો સૉન્ગની વાત કરીએ તો ‘લગી આજ સાવન કી...’ એટલી હદે પૉપ્યુલર થયું કે વિનોદ ખન્નાની બધી ઇચ્છા પૂરી થઈ ગઈ. આમ તો શિવ-હરિના મ્યુઝિકમાં આ ફિલ્મનાં બધાં સૉન્ગ જબરદસ્ત પૉપ્યુલર થયાં હતાં, પણ ‘લગી આજ સાવન કી...’ની વાત જરા જુદી હતી. સેડ મૂડ સાથેના આ સૉન્ગમાં વિનોદ ખન્નાનો મેલ-ઈગો પણ જળવાયેલો રહ્યો, તો સાથોસાથ આ સૉન્ગે એસ્ટૅબ્લિશ્ડ કર્યું કે વિનોદ ખન્ના, માત્ર ઍક્શન ફિલ્મો જ નહીં, પણ રોમૅન્ટિક ફિલ્મોનો પણ બાદશાહ છે.

આ ગીતની બૅકસ્ટોરી વિશે આપણે વાત કરવાના જ છીએ, પણ એ વાતો આપણે આવતા શુક્રવારે કરીએ, અત્યારે વાત કરીએ વિનોદ ખન્ના અને યશ ચોપડા વચ્ચે થયેલા કમિટમેન્ટની.
યશ ચોપડાએ બીજું કમિટમેન્ટ આપ્યું હતું એ હતું નવા પ્રોજેક્ટમાં વિનોદ ખન્નાના સ્ટારડમને છાજે એવો રોલ તે તૈયાર કરશે અને યશ ચોપડાએ એ કર્યું. ફિલ્મ ‘ચાંદની’ પછી જ્યારે યશ ચોપડાએ ફિલ્મ ‘પરંપરા’ની અનાઉન્સમેન્ટ કરી ત્યારે તેણે સૌથી પહેલું કામ વિનોદ ખન્નાને મળવાનું કર્યું અને વિનોદ ખન્નાને ત્રણ રોલ દેખાડ્યા કે આમાંથી જે રોલ તને જોઈતો હોય એ આપવા હું તૈયાર છું. ‘પરંપરા’માં વિનોદ ખન્નાને પૃથ્વીસિંહનો રોલ ગમ્યો અને તેણે એ રોલ સ્વીકાર્યો.

ફરી આવી જઈએ ‘ચાંદની’ની વાત પર. 
ભલે યશ ચોપડાએ વિનોદ ખન્નાનું અને વિનોદ ખન્નાએ યશ ચોપડાનું માન જાળવ્યું, પણ એ રિસ્પેક્ટ ડિસ્ટ્રિબ્યુટરોએ જાળવી નહીં. વિનોદ ખન્નાની પસંદગી આ ફિલ્મમાં થઈ એ તેમને ગમ્યું નહીં એટલે કેટલાક ડિસ્ટ્રિબ્યુટર્સ ફિલ્મની મેકિંગ દરમ્યાન જ હટી ગયા અને એક તબક્કો એવો આવી ગયો કે યશ ચોપડાએ અમુક ટેરિટરી પોતાના હસ્તક રાખીને ‘ચાંદની’ રિલીઝ કરવાનું નક્કી કરી લીધું, પણ ફિલ્મ તેમણે અટકાવી નહીં અને આગળ વધતા રહ્યા.

‘ચાંદની’ની મોટામાં મોટી ખાસિયત એ હતી કે રિશી કપૂર અને શ્રીદેવી પહેલી વાર બન્ને યશ ચોપડા સાથે કામ કરતાં હતાં. યશ ચોપડાના ખુશનુમા લોકેશન, રિશી કપૂરનું પાગલપન, શ્રીદેવીની નિર્દોષતા અને વિનોદ ખન્નાનું ગાંભીર્ય. આ ચાર કલા એ સ્તરે ખીલી કે કોઈ કલ્પના પણ ન કરી શકે. ફિલ્મ એ દિવસોમાં ૨૭ કરોડથી વધારેનો બિઝનેસ કરી શકી, જેનો આજના સમયમાં હિસાબ કરીએ તો કહી શકાય કે ૩૦૦ કરોડ જેટલો બિઝનેસ થયો!

શિવ-હરિ સાથે મ્યુઝિક અગાઉ પણ યશ ચોપડા કરી ચૂક્યા હતા, પણ એ બધી ફિલ્મો કરતાં ‘ચાંદની’ના મ્યુઝિક માટે શિવ-હરિને ખાસ યાદ કરવામાં આવે છે એ પણ એટલું જ અગત્યનું છે અને એનું કારણ પણ છે. શિવ-હરિએ આ ફિલ્મમાં પોતાની ઇચ્છા મુજબનું મ્યુઝિક આપ્યું હતું. ફિલ્મમાં ૯ સૉન્ગ હતાં અને એક ડાન્સ મોમેન્ટ હતી. બહુ જૂજ ફિલ્મો એવી હોય છે જેનાં તમામેતમામ સૉન્ગ આજે પણ લોકોને યાદ હોય, પણ ‘ચાંદની’ એક એવી ફિલ્મ છે જેનાં એકેએક સૉન્ગ આજે પણ લોકોને યાદ છે અને મૉન્સૂનના આ વાતાવરણમાં ‘લગી આજ સાવન કી...’ આગ લગાડવાનું કામ પણ એટલી જ તીવ્રતા સાથે કરે છે જેટલી તીવ્રતા સાથે પીડાનો અનુભવ ફિલ્મમાં વિનોદ ખન્ના કરે છે.
‘કુછ ઐસે હી દિન થે વો 
જબ હમ મિલે થે...
ચમન મેં નહીં ફૂલ દિલ મેં ખિલે થે
વહી તો હૈ મૌસમ મગર રુત નહીં વો
મેરે સાથ બરસાત ભી રો પડી હૈ...
લગી આજ સાવન કી ફિર વો ઝડી હૈ...’

 શિવ-હરિ સાથે મ્યુઝિક અગાઉ પણ યશ ચોપડા કરી ચૂક્યા હતા, પણ એ બધી ફિલ્મો કરતાં ‘ચાંદની’ના મ્યુઝિક માટે શિવ-હરિને ખાસ યાદ કરવામાં આવે છે, એ પણ એટલું જ અગત્યનું છે, જેનું કારણ પણ છે. શિવ-હરિએ આ ફિલ્મમાં પોતાની ઇચ્છા મુજબનું મ્યુઝિક આપ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

15 September, 2023 01:01 PM IST | Mumbai | RJ Dhvanit Thaker

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK