બહેનોના હાથમાં જો બાગડોર સોંપાય તો આવું ગામ બને
બહેનોના હાથમાં જો બાગડોર સોંપાય તો આવું ગામ બને
સાબરકાંઠાના વડાલી તાલુકામાં આવેલા ભંડવાલની ગ્રામ પંચાયત એક એવું મહિલા સમરસ ગામ છે જેમાં ૯ મહિલા પંચાયત સભ્યોએ ગામના વિકાસનાં એવાં કામ કર્યાં કે ભલભલાની નજર લાગી શકે. ૨૦૦૦થી ઓછી વસ્તી ધરાવતા આ ગામમાં ૧૦૦ ટકા ગટરલાઇન છે, સીસીટીવી કૅમેરાની બાજનજર અને વાઇફાઇથી સજ્જ આ ગામમાં છેલ્લાં કેટલાંય વર્ષોમાં એકેય પોલીસકેસ થયો નથી. તમાકુ, બીડી અને સિગારેટ વેચવા-ખાવા પર ગામમાં પ્રતિબંધ છે અને ૧૯૯૫થી અહીં ચૂંટણી વિના જ ગ્રામસભામાં સૌની સહમતીથી સરપંચની નિમણૂક થાય છે
ગામમાં ૧૦૦ ટકા ગટરલાઇન હોય, ગામમાં એલઈડી લાઇટ ઝગારા મારતી હોય, સીસીટીવી કૅમેરાથી આખું ગામ સજ્જ હોય, વાઇફાઇ સિસ્ટમની સાથે દરેક ગામવાસીઓને કોઈ જાતની જાહેરાત કે સૂચના વૉટ્સઍપ દ્વારા અપાતી હોય, પીવાના પાણી માટે ઘરે-ઘરે નળ, એટીએમ દ્વારા મિનરલ પાણીની વ્યવસ્થા, ગામમાં બીડી–સિગારેટ અને તમાકુ પર પ્રતિબંધ હોય, ગામમાં કોઈ પોલીસકેસ ન થયો હોય અને ઝઘડો થાય તો ગામની ન્યાયિક સમિતિ એનો સાથે બેસીને ઉકેલ લાવે અને ગામમાં સરપંચની નિમણૂક ગામવાસીઓ સાથે મળીને કરતા હોય...
આ વાંચીને જાણે આદર્શ ગામનાં લક્ષણ વર્ણવ્યાં હોય એવું લાગે. જોકે આ માત્ર પોથીમાંનાં લક્ષણો જ નથી, પરંતુ સાબરકાંઠા જિલ્લાના ભંડવાલ ગામની વાત છે અને આ ગામનું સંચાલન કરે છે ગ્રામ પંચાયતની ૯ મહિલાસભ્યો. વડાલી તાલુકામાં આવેલા અને ૧૮૪૪ નાગરિકોની વસ્તી ધરાવતા નાનકડા ભંડવાલ ગામમાં બધો જ વહીવટ મહિલાઓના હાથમાં છે. ગુજરાતના આ મહિલા સમરસ ગામમાં મહિલાઓએ ગામના આગેવાનો સાથે મળીને ગામના વિકાસમાં કોઈ કમી નથી રાખી અને એવું ઉદાહરણીય અને પ્રેરણારૂપ ગામ બનાવ્યું છે કે આ ગામને જોવા આસપાસનાં ગામથી ગ્રામજનો આવે છે.
છેલ્લાં ચાર વર્ષથી ગામના સદ્ગૃહસ્થો સાથે મળીને ગામને હરિયાળું અને સુવિધાઓથી સંપન્ન બનાવનાર ભંડવાલ ગામનાં સરપંચ પવનબહેન પટેલ પોતાના ગામના વિકાસની વાત કરતાં કહે છે, ‘ગામમાં બને એટલી સુવિધા આપવાનો અમારો પ્રયાસ રહ્યો છે. ગામમાં ગટરલાઇન નવી નાખી છે. રોડ બનાવ્યા છે. પાણીની નવી લાઇનો નાખી છે. ગામમાં ઘણાં ફળિયામાં પાઇપલાઇન નાખવાની બાકી હતી ત્યાં પણ લાઇનો નાખીને ઘરે-ઘરે પાણી પહોંચતું કરવાનો પ્રયાસ કર્યો છે. ગામમાં મિનરલ વૉટરનો પ્લાન્ટ છે, જ્યાં પાંચ રૂપિયામાં ૨૦ લિટર પાણી આપીએ છીએ. સીસીટીવી કૅમેરા ગામમાં લગાવ્યા છે. ટૂંકમાં ગામમાં પ્રાથમિક જરૂરિયાતને લગતા તેમ જ અત્યારના સમયને અનુરૂપ સુવિધાઓ આપવાનો પ્રયાસ ગામના નાગરિકો સાથે મળીને કર્યો છે.’
બે ભાઈ વચ્ચે મનદુઃખ હોય, પાડોશીઓમાં કોઈ બાબતે વિવાદ થાય કે અન્ય કોઈ પણ કારણસર ગ્રામજનો વચ્ચે ઝઘડો થાય ત્યારે ગામમાં ઘરમેળે જ એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન થાય છે. સરપંચ પવનબહેન કહે છે, ‘અમારા ગામમાં ઝઘડો થાય કે પછી ખેડૂતોના નાના-મોટા પ્રશ્નો હોય તો સમાધાન કરાવવા માટે અમે ન્યાયિક સમિતિ બનાવી છે. ગામના ૪ સભ્ય બન્ને પક્ષની વાત સાંભળે, જરૂર પડ્યે સમજાવે અને પ્રશ્નોનો નિકાલ કરે છે. કદી પોલીસ-સ્ટેશન જવાની જરૂર નથી પડતી.’
બારમા સુધી જ ભણેલાં સરપંચ પવનબહેન પટેલ પોતાની પંચાયતનાં સફળ વિકાસકાર્યોનું શ્રેય મહિલાઓની એકજૂટતાને આપતાં કહે છે, ‘મારી સાથે પંચાયતમાં સવિતાબહેન, નીતાબહેન, પ્રવીણાબહેન, કૈલાશબહેન, પ્રમીલાબહેન અને રમીલાબહેન સાથે મળીને ગામના વિકાસ માટે કામ કરીએ છીએ અને એ જ અમારી તાકાત છે.’
ગામમાં એટલી એકતા છે કે લોકો અમારું ગામ જોવા આવે છે, એમ કહેતાં ગામનાં વડીલ ડાહીબહેન પટેલ કહે છે, ‘અમારા ગામના ફળિયે-ફળિયે બોર્ડ લગાવ્યાં છે. ગુજરાતના દરેક જિલ્લાનાં બોર્ડ લગાવ્યાં છે. ફળિયાઓને જિલ્લાનાં નામ આપ્યાં છે જેથી બાળકોને ખબર પડે કે આ બધા જિલ્લા ગુજરાતના છે.’
સવારે ઊઠીને વાસીદું વાળવું, જમવાનું બનાવવાનું, વાસણ માંજવાનાં, બાળકોને સાચવવાનાં કામ કરીને પણ મહિલાઓ ગામના કારભાર માટે સમય કાઢી લે છે. ભંડવાલ ગામ તો એક ઉદાહરણ છે, પરંતુ ગુજરાતમાં ભંડવાલ જેવાં અનેક ગામ છે, જ્યાં મહિલાઓ સાથે મળીને ગામના વિકાસ અને સમૃદ્ધિ માટે પંચાયતમાં બેસીને કામ કરી રહી છે. મહિલાઓ માત્ર ઘર જ ચલાવે છે એવું હવે નથી રહ્યું, પણ ગામ પણ સુપેરે ચલાવી જાણે છે.


