મૉડર્ન પેરન્ટિંગ અનુસાર ભલે આપણે ગમેતેટલું ઇચ્છીએ કે રેસમાં બાળકને ધકેલવું નથી પણ રિયલ લાઇફમાં દરેક સ્ટેપ પર હાર અને જીત બાળક સામે આવવાની જ છે.
અમિત મોદી તેમના મોટા દીકરા જશ સાથે, હેતલ દોશી તેમની દીકરી નીતિ સાથે
મૉડર્ન પેરન્ટિંગ અનુસાર ભલે આપણે ગમેતેટલું ઇચ્છીએ કે રેસમાં બાળકને ધકેલવું નથી પણ રિયલ લાઇફમાં દરેક સ્ટેપ પર હાર અને જીત બાળક સામે આવવાની જ છે. બાળકને દરેક પરિસ્થિતિમાં જીતતાં પણ આવડવું જોઈએ અને હારને પચાવતાં પણ. પરંતુ આ વાત તેને શીખવવી કઈ રીતે? આડકતરી નહીં, સીધી રીતે જ દરરોજ હાર-જીતના દાયરાઓમાં ઘેરાયેલાં હોય છે એવાં સ્પોર્ટ્સપર્સન રમતાં બાળકોના પેરન્ટ્સને આજે મળીએ. તેમણે પોતાનાં બાળકોને જીત અને હારનો કન્સેપ્ટ કઈ રીતે સમજાવ્યો છે એ જાણીએ અને સમજીએ કે કઈ રીત સાચી છે...
જાણીતી ટેનિસ-પ્લેયર સાનિયા મિર્ઝા હાલમાં એક પૉડકાસ્ટ ચલાવી રહી છે જેમાં તેણે ફુટબૉલર સુનીલ છેત્રીને કહ્યું હતું કે તે તેના સાત વર્ષના દીકરા ઈઝાનને કોચ કરી રહી છે. તે બન્ને સાથે કોઈ પણ સ્પોર્ટ રમે ત્યારે તે તેને સરળતાથી જીતવા નથી દેતી. તેનું માનવાનું છે કે બાળકને રમત શીખવવી હોય તો પહેલાં એ શીખવવું જરૂરી છે કે જીત સરળ નથી, જીતવું સરળ નથી, એના માટે સ્ટ્રગલ કરવી પડે છે.
ADVERTISEMENT
જીત અને હારનો કન્સેપ્ટ અતિ મહત્ત્વનો કન્સેપ્ટ છે. જો તમારું બાળક સ્પોર્ટ્સ ન પણ રમતું હોય તો પણ તેના જીવનમાં ખૂબ નાની ઉંમરથી આ કન્સેપ્ટ ક્લિયર કરવો જરૂરી છે જેમાં જીતનું મહત્ત્વ, જીત માટે લાગતી મહેનત, તેના માટે જરૂરી ફોકસની વાત હોય તો સામે પક્ષે હાર આવે ત્યારે એ આવી શકે છે એના સ્વીકારની સહજતા, એને પૉઝિટિવલી લઈને આગળ કઈ રીતે વધવું એ માટેની હિંમત એમ દરેક વસ્તુ બાળકને શીખવવી પડે છે. નૉર્મલ બાળક પણ પોતાના જીવનનાં અલગ-અલગ પરિમાણોમાં આ જીત અને હાર અનુભવતાં હોય છે પણ સૌથી વધુ એક સ્પોર્ટ્સપર્સનના જીવનમાં જીત અને હાર આવતાં હોય છે. સાનિયા મિર્ઝાની જેમ દરેક માતા-પિતાએ પોતાના બાળકને આ હાર અને જીત માટે તૈયાર કરવા પડતાં હોય છે. જાણીએ કેટલીક સ્પોર્ટ્સમાં આગળ વધેલાં બાળકોના માતા-પિતા પાસેથી કે તેમણે કઈ રીતે તેમનાં બાળકોને હાર અને જીતના કન્સેપ્ટ જીવનમાં શીખવ્યા.
સપનું રોપવું
કાંદિવલીમાં રહેતા ટેનિસ-કોચ અમિત મોદી તેમના મોટા દીકરા જશ મોદીને ૭ વર્ષની ઉંમરથી ટેબલ-ટેનિસ શીખવતા હતા. આજે જશ એક ઇન્ટરનૅશનલ પ્લેયર છે અને ઇન્ડિયાના ટૉપ ટેન (મેન્સ) ટેબલ ટેનિસ પ્લેયર્સમાં તેનું નામ લેવાય છે. અમિતભાઈએ જશને ૮ વર્ષ કોચિંગ આપ્યું. એ પછી છેલ્લાં પાંચ વર્ષોથી તે પુણેમાં કોચિંગ લઈ રહ્યો છે. અમિત મોદી ખુદ પણ ટેબલ-ટેનિસ પ્લેયર છે એટલે જશની ટ્રેઇનિંગ તેમની જ સાથે નાની ઉંમરથી તેમણે શરૂ કરી. એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘સૌથી પહેલું મેં જે કામ કર્યું હતું એ જશના મનમાં એક સપનું રોપ્યું કે ઍલિમ્પિક્સમાં ભારતને રિપ્રેઝન્ટ કરવાનું અને દેશ માટે મેડલ જીતવાનું. જેમ-જેમ તે મોટો થતો ગયો એ સપનાનું વાવેતર ફળ આપતું ગયું. એ પહેલાં મારું સપનું હતું, આજે હવે એ તેનું ખુદનું સપનું બની ગયું છે. હું માનું છું કે દરેક માતા-પિતાએ આ કામ જરૂરથી કરવું. એ પછીના સ્ટેજમાં શરૂઆતના ૬ મહિના-એક વર્ષ તો મેં તેને મૅચ રમાડી જ નથી. મેં તેને ફક્ત ગેમ માટે તૈયાર કર્યો. ટ્રેઇનિંગ આપી. પછી મૅચ શરૂ કરી.’
જીત શીખવવાની ટેક્નિક
પણ જીત અને હારનો કન્સેપ્ટ તમે કઈ રીતે તેને સમજાવ્યો એ પ્રશ્નનો જવાબ આપતાં અમિત મોદી કહે છે, ‘તેનામાં મારા જીન્સ છે. મને હારવું જરાય ગમે નહીં, એવું જ તેને છે. જ્યાં સુધી જીત હાંસલ ન થાય ત્યાં સુધી ચેન ન પડે. આજ સુધીમાં ૨૪૮ મેડલ્સ તેણે મેળવ્યા છે. નાનપણમાં જીત સરળ નથી એ મેં તેને શીખવ્યું. તે નાનો હતો ત્યારે તેને હું એક ટેક્નિકથી રમાડતો. ટેબલ-ટેનિસમાં કુલ ૧૧ પૉઇન્ટ હોય. હું તેને ૭ પૉઇન્ટ હૅન્ડિકૅપ આપતો. એટલે કે ધારો કે તેની પાસે પહેલેથી જ ૭ પૉઇન્ટ છે અને જીતવા માટે તેને ૪ પૉઇન્ટ જ અચીવ કરવાના છે તો એ જીતે. મારે પૂરેપૂરા ૧૧ પૉઇન્ટ અચીવ કરવાના છે ત્યારે હું જીતું. આ ટેક્નિક એટલે નહીં કે તેના માટે જીતવું સરળ બની શકે, એટલા માટે કે ગેમ ફેર હોવી જોઈએ. તે નાનકડો હતો, હજી ગેમની શરૂઆત હતી. હું તેનો કોચ હતો. એટલે અમને બન્નેને એક સ્તરે કરવા આ ઉપાય કરેલો. તે આ રીતે જીતે ત્યારે પણ હું તેને કહેતો કે તું હૅન્ડિકૅપ પૉઇન્ટને કારણે જીત્યો છે એટલે ખુશ થવા જેવું કંઈ નથી એમાં. આજે પણ અમે સાથે રમીએ છીએ પણ હવે મારે ૭-૮ હૅન્ડિકૅપ પૉઇન્ટ લેવા પડે છે તેની સામે અને તો પણ હું હારી જાઉં છું. આ બદલાવ છે. આ ટ્રેઇનિંગ છે. ખંત છે. કોઈ પણ બાળકને સરળતાથી જીતવા દેવું ખોટું છે. તમારે તેને ખુશ કરવું છે કે ગેમ શીખવવી છે એ હેતુ પહેલાં સ્પષ્ટ કરો. હું એક કોચ છું અને મારા દરેક વિદ્યાર્થી માટે આ જ નિયમ છે. મૅચ હંમેશાં જીતવા માટે રમવામાં આવે છે. મેદાનમાં નેટની પેલે પાર તમારો દુશ્મન છે જેને તમારે હરાવવાનો છે, પણ જેવા તમે ગ્રાઉન્ડની બહાર જાઓ કે તમે મિત્રો બની શકો છો. દુશ્મની, ગુસ્સો અને જોશ ફક્ત ફીલ્ડ માટે. ‘
જીતમાં પ્રામાણિકતા જરૂરી
અમિત મોદીએ જશને જીતવાની જ નહીં, કઈ રીતે જીતવું એની ટ્રેઇનિંગ પણ આપેલી. એ વિશે વાત કરતાં અમિત મોદી કહે છે, ‘હું મારા મિત્રો સાથે રમતો ત્યારે નાની-મોટી ચીટિંગ કરીને પણ જીતી જતો. મિત્રો સાથે આવી ગમ્મત જુદી વસ્તુ છે. પ્રોફેશનલ સ્પોર્ટ જુદી છે. એ જીત કોઈ કામની નથી જેમાં પ્રામાણિકતા ન હોય એ મેં તેને સમજાવેલું. મને યાદ છે એક મૅચમાં એક પૉઇન્ટથી જશ પાછળ હતો અને તેના પ્રતિસ્પર્ધીને એક પૉઇન્ટ મળે એમ હતો પણ બૉલ જે રીતે ગયો, ફક્ત પ્લેયરને ખબર પડે અને તેના પ્રતિસ્પર્ધીને ખબર પડે કે આ તો એક પૉઇન્ટ થયો. ત્યારે જશે સામે ચાલીને કહ્યું હતું કે હા, તેનો પૉઇન્ટ થયો છે. તેણે ન કીધું હોત તો બને કે તે જીતી જાત, પણ એવી જીતનો અર્થ નથી એની સમજ તેને એટલી નાની ઉંમરમાં સ્પષ્ટ હતી.’
ડિસ્ટ્રૅક્શન છોડવાં જરૂરી
અંધેરીમાં રહેતી નીતિ દોશી આ વર્ષે રિધમિક જિમ્નૅસ્ટિક્સના સિનિયર લેવલ સુધી પહોંચી ગઈ છે. ગયા વર્ષે તેણે ઑલ ઇન્ડિયા લેવલ પર સિલ્વર મેડલ જીત્યો અને તેનો રૅન્ક મહારાષ્ટ્રમાં નંબર વન અને આખા ભારતમાં નંબર ટૂ પર પહોંચી ગયો હતો. ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટ માટે હવે સિલેક્શન થશે એ રીતે તે આગળ વધશે. નીતિ વિશે વાત કરતાં તેનાં મમ્મી હેતલ દોશી કહે છે, ‘અમે આ સ્પોર્ટ તેના માટે એક ઍક્ટિવિટી તરીકે જ શરૂ કરી હતી, પણ તે સારું કરતી હતી એટલે તેના કોચના કહેવા મુજબ ચાલુ રખાવ્યું. આજે તે જેટલી આગળ વધી છે એવું શરૂઆતમાં નહોતું. શરૂઆતમાં બે વર્ષ તે નાનકડી ઇન્ટરસ્કૂલ કૉમ્પિટિશનમાં પણ હારીને જ આવતી ઘરે. હાર્યા પછી દુખી થતી, રડતી. એ સમયે અમે સાંત્વન આપતા. તે શાંત થાય પછી સમજાવતા કે તું વિચાર કે કેમ તું ન જીતી, જે વ્યક્તિ જીતી તે એવું શું કરતી હતી કે એને લીધે તે જીતી? આ બધા પ્રશ્નો વડે તેને ગાઇડ કરતા. એ સમયે તેને તેના મિત્રો ખૂબ ગમતા. તેમને મળવું, પાર્ટી કરવી ખૂબ ગમતું જે કોઈ પણ બાળકને ગમતું જ હોય. પણ જો તમે સ્પોર્ટ રમી રહ્યા છો, જો તમને ખરેખર આગળ વધવું છે તો તમારે આ ડિસ્ટ્રૅક્શન છોડવાં જરૂરી છે. ફેલ્યરથી તે ડિસઅપૉઇન્ટ થઈ રહી હતી. દુખી થઈ રહી હતી અને રિઝલ્ટ મળી નહોતું રહ્યું.’
પહેલી જીત
તો પછી તમે પેરન્ટ તરીકે એવું શું કર્યું જેથી તેને જીત તરફ તમે વાળી શક્યા? આ પ્રશ્નનો જવાબ આપતા હેતલબહેન કહે છે, ‘અમે નીતિને કહ્યું કે તું આ સ્પોર્ટ છોડી દે. એ સમયે તે બૅડ્મિન્ટન પણ સારું રમતી હતી. અમે તેને કહ્યું કે આટલું દુખી થવા કરતાં તું તારી એનર્જી બીજી સ્પોર્ટમાં નાખ, આમાં સમય ન બગાડ. આ એક ટ્રિગર હતું તેના માટે. તેને આર્ટિસ્ટિક જિમ્નૅસ્ટિક્સ એટલું ગમતું હતું કે તેને એ છોડવું નહોતું. તો તેણે ના પાડી કે હું નહીં છોડું. અમે તેને કહ્યું કે જો તને નથી છોડવું તો પ્રયાસ કર કે તું તારું બેસ્ટ આપી શકે. એ પછી તેને થોડું સમજાયું. ડિસ્ટ્રિક્ટ લેવલની કૉમ્પિટિશન હતી એ. અમે સવારથી ત્યાં ગયેલા. ૨૦૦થી વધુ બાળકોએ પર્ફોર્મ કર્યું. સાચું કહું તો મને લાગતું હતું કે આટલા બધામાં ક્યાં ચાન્સ લાગશે? સાંજના ૬.૩૦ થઈ ગયા હતા. હું થાકી ગઈ હતી. મેં તેને કહ્યું કે ચાલ, ઘરે જતા રહીએ, કંઈ થવાનું નથી. નીતિએ કહ્યું કે ના, પ્લીઝ રિઝલ્ટ આવે પછી જ જઈએ. એ દિવસે તે ચોથી આવેલી. એ તેની પહેલી જીત હતી. એ પછી તેને હારનો સામનો નથી કરવો પડ્યો.’
હાર નહીં, જીત આપે છે પ્રેરણા
જે કામ હાર નથી કરી શકતી એ કામ જીત કરી જતી હોય છે એમ જણાવતાં હેતલબહેન કહે છે, ‘જે અમારા પ્રયાસો ન કરી શક્યા એ કામ આ જીતે કરી બતાવ્યું. તેનાં બધાં ડિસ્ટ્રૅક્શન જાતે છૂટી ગયાં. જીતવું છે, આગળ વધવું છે એ તેની પોતાની પ્રાથમિકતા બની ગઈ. જીત હોય જ એવી. એનો ચસકો લાગે. સામે પક્ષે હાર બાળકને નિરાશ કરે છે. પેરન્ટ તરીકે તમારે એ જોવાનું છે કે તે ભલે નિરાશ થાય, પણ તમારે નિરાશ નથી થવાનું. એ જ રીતે તેની જીતમાં તે ભલે ખુશ થાય, પણ તમારે નથી થવાનું. બન્ને ઇમોશનને તમારે તમારા કન્ટ્રોલમાં રાખવાં જરૂરી છે. બાળક જે ખંત કરી રહ્યું છે એનો પડછાયો બનીને તમારે તેનો સાથ આપવાનો છે. આજે તે એકદમ આત્મનિર્ભર છે. અમે તેને ક્યારેય જીતવાનું પ્રેશર નથી આપ્યું પણ દિશા તો તમારે બતાવવી જ પડે. બાળક અર્થહીન ભટક્યા કરે અને રિઝલ્ટ ન મળે એ પરિસ્થિતિ બાળકને તોડે છે, જે નથી થવા દેવાનું.’
જીત અને હાર બાળકને શીખવતી વખતે આટલું ધ્યાન રાખો
આજનું મૉડર્ન પેરન્ટિંગ કહે છે કે બાળકને રૅટ-રેસમાં ન નાખો, જીતવું ફરજિયાત નથી, તેને એવું પ્રેશર ન આપો. પણ સ્પોર્ટ્સમાં કે કોઈ પણ વસ્તુમાં ટોચ પર પહોંચવા માટે જીતનું મહત્ત્વ તો હોવું જ જોઈએ. તો જ પહોંચી શકાય. તો પછી આજના પેરન્ટ્સે કરવાનું શું? આ પ્રશ્નોના જવાબ સમજાવતાં સાઇકોલૉજિસ્ટ અને પેરન્ટિંગ કોચ રીરી ત્રિવેદી પાસેથી જાણીએ કે બાળકને જીત અને હાર શીખવતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ.
આજના પેરન્ટ્સે પહેલાં બાળકની ક્ષમતા અને ઇચ્છા બન્ને જોવાની. પહેલાં તો એ કે તમારા બાળકને વિરાટ કોહલી બનવું છે? એ તેને પૂછો. નાની ઉંમરમાં બાળકો કદાચ ક્લિયર ન હોય પણ તમારે તેને સમજાવવું પડશે. જો વિરાટ બનવું હોય તો અતિશય મહેનત કરવી પડશે. શું બાળક એ મહેનત માટે રેડી છે? જો આ બધાનો જવાબ હકારમાં હોય તો બાળકને જીતનું મહત્ત્વ સમજાવવું નહીં પડે. તે ખુદ જીત પાછળ લાગી જશે. તમારે કદાચ થોડી મદદ કરવી પડે. તેને દિશા બતાવવી પડે. ક્યારેક માર્ગ ભટકે તો પ્રેમથી તેને ફરી માર્ગ પર લાવવું પડે. પણ જ્યાં બાળકને રસ જ નથી, ઇચ્છા નથી ત્યાં તેની પાસે ફરજિયાત કરાવવું એ ખોટું છે.
એવું જ હારનું છે. માતા-પિતાએ બાળકની હારમાં દુખી નથી થવાનું. તેની સાથે તેનો ટેકો બનીને રહેવાનું છે. આવા સંજોગોમાં બાળકને ઍનૅલિસિસ કરતાં શીખવો. હાર એક લર્નિંગ છે. કેમ હાર્યા, શું ઓછું પડ્યું, શું કરીએ તો હવે જીતી શકાય એ બધું વિચારીને આગળ વધનારાં બાળકો ખરા અર્થમાં એક્સલન્સ પામે છે. હાર એક તક છે. તમારે બાળકને હારમાં નિરાશા નહીં, તક જોતાં શીખવવાનું છે. ખુદને પહેલાં કરતાં બહેતર બનાવવાની તક.
બધાં બાળકો સ્પોર્ટને પ્રોફેશનલી નથી લેવાનાં હોતાં, પણ જે બાળકો મજા માટે રમે છે તેમને પણ જીત અને હારનો કન્સેપ્ટ તો મનમાં બેસાડવાનો જ છે. એ માટે બાળકો માતા-પિતા અને વડીલો સાથે ઓછું અને પોતાની ઉંમરનાં બાળકો સાથે વધુ રમે એનું ધ્યાન રાખવું. પેરન્ટ્સ સાથે તે રમે અને પેરન્ટ્સ બાળકને જિતાડવા માટે ચાહીને હારી જાય એ ખોટું છે. વળી તેને હરાવ્યા જ કરે તો એ પણ ખોટું છે. પોતાની ઉંમરના છોકરાઓ હશે તેની સાથે રમે ત્યારે તે ક્યારેક જીતે અને ક્યારેક હારે તો તેને હાર-જીત વ્યવસ્થિત સમજાય અને અનુભવ થાય.
જ્યારે બાળક જીતે ત્યારે પેરન્ટ્સ ખુશ થઈને પાર્ટીઓ કરે અને હારે ત્યારે ખુદ દુખી થઈ જાય એવું નથી કરવાનું. બન્ને પરિસ્થિતિમાં તમારે તેની સાથે રહેવાનું છે. તેના અનુભવો અને તેની લાગણીઓને બાળક ખુદ સમજી શકે એ જરૂરી છે જેના માટે તમે મદદરૂપ થઈ શકો છો.


