કોરોનાનું સ્વરૂપ : દરેક પગલે સાબિત થાય છે કે આ વાઇરસનું જનક ચાઇના છે
કોરોનાનું સ્વરૂપ : દરેક પગલે સાબિત થાય છે કે આ વાઇરસનું જનક ચાઇના છે
હા, ડગલે ને પગલે પુરવાર થઈ રહ્યું છે કે કોવિડ-19 વાઇરસ મૅનમેડ છે અને એના જન્મ પાછળ બીજા કોઈનો નહીં, પણ ચાઇનાનો હાથ છે, ચાઇના એનું જનક છે. કોવિડ-19 લૅબોરેટરીમાં બનાવવામાં નહોતો આવ્યો એ વિશે તો અગાઉ ચાઇનાએ કહ્યું છે, પણ ચાઇનાની ફિતરત દુનિયાને દેખાડવાની કે દુનિયાને સમજાવવાની જરૂર નથી. ચાઇના પોતે જ પોતાની વાતમાં ખોટું સાબિત થઈ ચૂક્યું છે. ગયા મહિને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની એક ટીમ ચાઇના ગઈ હતી અને તપાસ કરી હતી કે કોવિડ-19નો જન્મ કઈ રીતે થયો. ટીમ દ્વારા થઈ રહેલા એ સર્વેમાં દેખીતી રીતે ચાઇનાએ પૂરો સહકાર આપ્યો, પણ એ સહકારમાં પણ એની વણદેખી આડાઈ અકબંધ હતી.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના સાથીઓએ ચાઇનાથી પાછા આવ્યા પછી કહ્યું કે તેમણે જ્યાં-જ્યાં સર્વે કરવો હતો ત્યાં-ત્યાં નહીં, પણ ચાઇના જ્યાં-જ્યાં લઈ જવા માગતું હતું ત્યાં-ત્યાં એ લોકો જઈ શક્યા છે. આ વાત જ સાબિત કરે છે કે ચાઇનાના પેટમાં પાપ હતું અને આ પાપ જગજાહેર છે, કોવિડ એણે જન્માવેલો વાઇરસ છે.
મુદ્દો અત્યારે એ નથી કે આપણે એ વાઇરસના જનકને શોધવાનું કામ કરીએ, મુદ્દો અહીં એ છે કે આ વાઇરસ માનવસર્જિત છે એ વધુ એક વાર પુરવાર થઈ રહ્યું છે. કોરોનાનું સ્વરૂપ બદલાય છે અને બદલાયેલા આ સ્વરૂપમાં હવે ત્રીજું અને ચોથું રૂપ જોવા મળ્યું છે. યુકેમાં નવા પ્રકારનો કોરોના વાઇરસ દેખાયો એ વાત જરા જૂની થઈ ગઈ છે, પણ હવે ફ્રાન્સ અને આફ્રિકન દેશોમાં જે કોરોના વાઇરસ દેખાયો છે એ ફરીથી નવા પ્રકારનો છે. વાઇરસ મૂળ એ જ છે જે ૧૪ મહિના પહેલાં દુનિયાની સામે આવ્યો હતો, પણ આ સમયગાળા દરમ્યાન વાઇરસ ચેન્જ થઈ રહ્યો છે. વાઇરસ ચેન્જ થાય એમાં કોઈ મોટી વાત નથી, પણ જેને સામાન્ય ચેન્જ કહેવાય એવો આ ચેન્જ નથી. તમે જુઓ બર્ડ ફ્લુ કે સ્વાઇન ફ્લુ જેવી બીમારીના વાઇરસમાં કોઈ જાતનો ફરક નોંધવામાં નથી આવ્યો. એ એના એક સ્વરૂપ સુધી પહોંચી ગયા પછી પોતાનું એ રૂપ જાળવી રાખે છે, પણ કોરોનાને આ વાત લાગુ નથી પડતી.
કોરોના બદલાઈ રહ્યો છે અને બદલાઈ રહેલો કોરોના એસ્ટૅબ્લિશ કરે છે કે એના સર્જનકાળ સમયે જ એને બદલવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશના આધારે એ ચાલી રહ્યો છે. ધારણા એવી જ મૂકવામાં આવતી હતી કે જેવી વૅક્સિનની દિશા મળે એ સમયે ફરીથી કોવિડના વાઇરસમાં ચેન્જ આવે અને શોધાઈ હોય એ વૅક્સિન કારગત ન નીવડે. આવું દેખીતી રીતે ધારવામાં આવી રહ્યું છે અને આ ધારણાને જો વાજબી માનીએ તો કહેવું પડે કે આવતા સમયમાં કોવિડ નવેસરથી ત્રીજી લહેર લાવી શકે છે. હવે કોવિડના આ નવા સ્ટ્રેનમાં નવી તાકાત હશે એવું અનુમાન બાંધી શકાય છે, જો એનાથી બચવું હોય, જો એનાથી સલામત રહેવું હોય તો એક જ રસ્તો છે, ઘરમાં રહો, સુરક્ષિત રહો.

