રાજકુમાર મુંબઈમાં પોલીસ ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા!
યસ, રાજ્કુમારે મુંબઈના માહિમ પોલીસ સ્ટેશનમાં ઈન્સપેક્ટર તરીકે નોકરી કરી હતી! અને તેઓ અભિનેતા બનવા માટે કોશિશ કરી રહ્યા હતા એ સમયમાં હિન્દીમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક પ્રોડ્યુસર્સ-ડિરેકટર્સે રાજકુમારને કહ્યું હતું કે ‘તુમ મેં વો બાત નહીં હૈ, જો એક હીરો મેં હોની ચાહિયે!’
રાજકુમાર વિશે કહેવાતું કે તેઓ કાશ્મીરના વતની હતા અને તેમનું મૂળ નામ કુલભૂષણ પંડિત હતું. વાસ્તવિકતા એ હતી કે રાજકુમાર પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સરહદ નજીક પાકિસ્તાનમાં બલુચિસ્તાનના લોરલાઈનમાં ઓક્ટોબર, 1926ના દિવસે એક અત્યંત ગર્ભશ્રીમંત કુટુંબમાં કુટુંબમાં જન્મ્યા હતા. ઘરમાં બધા તેમને ભૂષણ તરીકે જ સંબોધન કરતા હતા.
ADVERTISEMENT
રાજકુમાર 1926માં જન્મ પછી 1947 સુધી 21 વર્ષ બલુચિસ્તાનના સ્વાત ખીણ વિસ્તારમાં જાહોજલાલી વચ્ચે જીવ્યા. પણ ભારતના ભાગલા પડ્યા અને પાકિસ્તાન છૂટું પડ્યું ત્યારે તેમના કુટુંબના સભ્યોએ પહેરેલાં કપડે બધી સંપત્તિ છોડીને ભાગી છૂટવું પડ્યું. ઝનૂની ટોળાંઓ તેમના કુટુંબને ખતમ કરી નાખે એ પહેલા તેઓ જીવ બચાવીને નાસી છૂટ્યા અને કાશ્મીરના પહેલગાંવમાં જઈ પહોંચ્યા. પહેલગાંવમાં એમના સગાંવહાલાં હતાં એમના ઘરે રાજકુમારના કુટુંબે આશ્રય લીધો અને તેમનાં કુટુંબે એકડે એકથી શરૂઆત કરી.
પહેલગાંવમાં એકાદ વર્ષ ગાળ્યા પછી કામની શોધમાં રાજકુમાર મુંબઈ આવ્યા. મુંબઈમાં નોકરી મેળવવા માટે તેઓ કોશિશ કરી રહ્યા હતા એ દરમિયાન તેમને ખબર પડી કે મુંબઈ પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર્સની ભરતી થઈ રહી છે. રાજકુમારને પોલીસ દળમાં જોડાવું હતું એટલે નહીં, પણ નોકરી મળે છે એ એક જ ઉદ્દેશથી અરજી કરી અને તેમની પસંદગી પણ થઈ ગઈ. સબ ઈન્સપેક્ટર તરીકે જોડાયા પછી રાજકુમારને મુંબઈના માહિમ પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ મળ્યું. રાજકુમારે ત્રણ વર્ષ જેટલા સમય સુધી સબ ઈન્સપેક્ટર તરીકે નોકરી પણ કરી હતી, પણ તેમને પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકેની જિંદગીથી સંતોષ નહોતો. એટલે તેમણે હિન્દી ફિલ્મ્સમાં રોલ મેળવવા માટે કોશિશ શરૂ કરી દીધી હતી.
પાકિસ્તાનથી જીવ બચાવીને ભારત ભાગી આવ્યા પછી ચાર વર્ષ બાદ તેમને ‘રંગીલી’ ફિલ્મમાં હિરોઈન રેહાના સાથે ચમકવાની તક મળી. હિરોઈન કેન્દ્રિત એ ફિલ્મ 1952માં રિલીઝ થઈ પણ રાજકુમારને ખાસ કંઈ ફાયદો ન થયો.
એ દિવસોમાં રાજકુમારે ઘણા પ્રોડ્યુસર્સ અને ડિરેકટર્સ પાસેથી એવા શબ્દો સાંભળ્યા હતા કે ‘તુમ મેં વો બાત નહીં હૈ, જો એક હીરો મેં હોની ચાહિયે!’ વર્ષો પછી જેના એક શબ્દ ‘જાની’ પર થિયેટર્સમાં સિટીઓ વાગતી અને તેમના ચાહકો ધમાલ મચાવી દેતા અને પડદા તરફ પૈસા ઉછાળતા એવા રાજકુમારને ઘણા પ્રોડ્યુસર્સ અને ડિરેકટર્સે રિજેક્ટ કર્યા હતા!

