દિલ્હી BJPના મુગટમાં એક અગત્યનું છોગું છે જે ૨૭ વર્ષથી ગાયબ હતું. લોકસભાની હારને BJPએ પાછળ છોડી દીધી છે અને આવનારી ચૂંટણીઓમાં એ હવે રોકાશે નહીં.
૨૭ વર્ષ પછી BJPની વાપસી
દિલ્હી BJPના મુગટમાં એક અગત્યનું છોગું છે જે ૨૭ વર્ષથી ગાયબ હતું. લોકસભાની હારને BJPએ પાછળ છોડી દીધી છે અને આવનારી ચૂંટણીઓમાં એ હવે રોકાશે નહીં. આપ માટે અસ્તિત્વનો સવાલ છે. એની પાસે પંજાબ રહ્યું છે (અને BJP હવે એ પણ જીતશે) અને બીજાં રાજ્યોમાં પગ જમાવવાની એની મહેચ્છા પર પાણી ફરી વળ્યું છે
ગુજરાતીમાં એક કહેવત છે, ‘બાર વર્ષે બાવો બોલ્યો.’ દિલ્હીમાં ૧૨ વર્ષે લોકો બોલ્યા છે. અરવિંદ કેજરીવાલનો ઉદય ભ્રષ્ટાચાર મુક્ત શાસનના નારા સાથે થયો હતો. ૧૨ વર્ષ પછી, માથા પર ભ્રષ્ટાચારના આરોપ સાથે જ તેમનું પતન થયું છે. તેમના પતન સાથે ૨૭ વર્ષના વનવાસ પછી દિલ્હીમાં BJPની શાનદાર વાપસી થઈ છે.
ADVERTISEMENT
બીજા મુખ્ય પ્રધાનોની સરખામણીમાં કેજરીવાલના કિસ્સામાં એક ફરક છે. ૨૦૧૧માં તેમણે અણ્ણા હઝારે સાથે કૉન્ગ્રેસની સરકાર સામે ભ્રષ્ટાચારનું રણશિંગું ફૂંક્યું હતું અને ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તરફથી તેમને જબ્બર પીઠબળ મળ્યું હતું. ૨૦૨૫માં જ્યારે તેઓ સત્તાભૂખ્યા નાટકબાજ બની ગયા ત્યારે BJPએ તેમને લાત મારીને ઊથલાવી નાખ્યા.
આ આમ આદમી પાર્ટી (AAP – આપ) એકલીનો પરાજય નથી, કેજરીવાલનો પણ પરાજય છે. બે ટર્મના મુખ્ય પ્રધાન માટે પોતાની બેઠક ગુમાવવી એ શરમજનક કહેવાય. નિશ્ચિત રૂપે તેમનાં કપડાં પર ભ્રષ્ટાચારની ગંદકી ચોંટી ગઈ હતી, પણ કાં તેઓ એનાથી અજાણ હતા અથવા વધુપડતા આત્મવિશ્વાસમાં હતા.

એમાં દિલ્હીની વાટ લાગી છે એ છોગામાં. સત્તા ટકાવી રાખવાના કેજરીવાલના જાતભાતના ખેલમાં દિલ્હીનો વિકાસ ૧૫ વર્ષ પાછળ ઠેલાઈ ગયો છે. દિલ્હીવાસીઓ આજે સાચે જ શીલા દીક્ષિતને યાદ કરી રહ્યા છે. સત્તાના ખેલમાં અને BJP-આપ તથા કૉન્ગ્રેસની હુંસાતુંસીમાં દિલ્હીને શીલાબહેન જેવાં મુખ્ય પ્રધાન મળશે કે નહીં એ એક પ્રશ્ન છે. કેજરીવાલના કુશાસનથી નારાજ દિલ્હીના ગરીબ અને મધ્યમ વર્ગના મતદારો આપ પાર્ટીમાંથી ખસીને BJP તરફ વળી ગયા છે.
એ લેશન તેઓ ગાંઠે બાંધશે કે નહીં એની ખબર નથી, પરંતુ કેજરીવાલ માટે એક બીજું પણ લેશન છે; દિલ્હીમાં કૉન્ગ્રેસ સાથે ગઠબંધન નહીં કરવાની તેમણે કિંમત ચૂકવી છે. નરેન્દ્ર મોદીની BJPને હું જ હરાવી શકું છું એવો આત્મવિશ્વાસ તેમને ભારે પડ્યો છે. ઇન ફૅક્ટ, ઇન્ડિયા ગઠબંધન માટે પણ અહીં શીખવા જેવું છે કે તેમણે તેમના આંતરિક મતભેદને કોરાણે મૂકીને એક થવું
પડશે, નહીંતર હવે તેમના અસ્તિત્વનો સવાલ છે.
જોકે હકીકત તો એ પણ છે કે દરેક ચૂંટણીમાં પરાજય પછી વિપક્ષ કમજોર પડે છે. લોકસભા અને હરિયાણા-મહારાષ્ટ્રની ચૂંટણી પછી ઇન્ડિયા ગઠબંધનમાં તિરાડ પહોળી થઈ હતી અને એમાં પણ શંકા નથી કે દિલ્હીમાં આપના પરાજય પછી ગઠબંધનમાં જોડાવાને બદલે તૂટવાની સંભાવના વધવાની છે.
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ તો ઇન્ડિયા ગઠબંધન પર કટાક્ષ કરતાં કહ્યું કે કૉન્ગ્રેસ અને આપની લડાઈમાં BJP ફાવી ગઈ છે. તેમણે ઇશારો કર્યો કે ગઠબંધન લડાઈમાં જળવાઈ રહેવા સંસદની ચૂંટણીથી આગળ જવું પડશે અને દેશે દરેક સ્તરે ગઠબંધન કરવું પડશે.
૧૯૯૮થી ૨૦૧૩ સુધી દિલ્હીમાં શાસન કરનાર કૉન્ગ્રેસ માટે એવી આશા રખાતી હતી કે આ વખત એનું ખાતું ખૂલશે, પરંતુ એવું થયું નથી અને એ દિલ્હીમાં સંપૂર્ણપણે ધોવાઈ ગઈ છે. આપ માટે આશ્વાસન એટલું છે કે એને દિલ્હી વિધાનસભામાં કમસે કમ વિરોધ પક્ષનું સન્માનજનક સ્થાન તો મળશે. જોકે કૉન્ગ્રેસ તો એમાંથી પણ ગઈ છે. દિલ્હીનાં પરિણામોએ કૉન્ગ્રેસ માટે શૂન્યાવકાશ સરજ્યો છે. પાર્ટી માટે અહીંથી આગળનો રસ્તો ઘણો આઘરો છે અને સાથે-સાથે ઇન્ડિયા ગઠબંધનમાં એના નેતૃત્વ વિશે પણ પ્રશ્ન ઊભો થશે.
ટૂંકમાં કહીએ તો, દિલ્હી BJPના મુગટમાં એક અગત્યનું છોગું છે, જે ૨૭ વર્ષથી ગાયબ હતું. લોકસભાની હારને BJPએ પાછળ છોડી દીધી છે અને આવનારી ચૂંટણીઓમાં એ હવે રોકાશે નહીં. આપ પાર્ટી માટે અસ્તિત્વનો સવાલ છે, એની પાસે પંજાબ રહ્યું છે (અને BJP હવે એ પણ જીતશે) અને બીજાં રાજ્યોમાં પગ જમાવવાની એની મહેચ્છા પર પાણી ફરી વળ્યું છે.
કેજરીવાલને તમ્મર આવી જાય એવો ઘા લાગ્યો છે. તેમણે નવી દિલ્હીની બેઠક ગુમાવી છે અને આપ પાર્ટીએ દિલ્હી ગુમાવ્યું છે. ઇન્ડિયા ગઠબંધન અને કૉન્ગ્રેસ માટે આત્મનિરીક્ષણનો સવાલ છે. કૉન્ગ્રેસને જીતની આશા તો નહોતી, પણ એને એક પણ બેઠક નથી મળી એ સૌથી ખરાબ પર્ફોર્મન્સ છે. ઇન્ડિયા ગઠબંધને હવે એની નેતાગીરી અને વ્યૂહરચના પર પુન: વિચારણા કરવી પડશે.
મહારાષ્ટ્રમાં ચૂંટણીપંચની તટસ્થતા પર ફરી સવાલ
યોગાનુયોગ દિલ્હીનાં આજનાં પરિણામો સાથે મહારાષ્ટ્ર વિધાનસભાની તાજેતરમાં સંપન્ન ચૂંટણીને લઈને એક વિવાદ ફરી જીવતો થયો છે. મહારાષ્ટ્રમાં પરિણામો જાહેર થયાં ત્યારે શિવસેના (ઉદ્ધવ), નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-પવાર) અને કૉન્ગ્રેસના ગઠબંધન મહા વિકાસ આઘાડીએ આરોપ મૂક્યો હતો કે ચૂંટણીપંચે BJPના નેતૃત્વ હેઠળની યુતિને ફાયદો થાય એ રીતે કામ કર્યું છે. હવે એમાં નક્કર પ્રશ્ન સાથે ફરીથી આરોપ દોહરાવાયો છે અને મુંબઈ હાઈ કોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી છે.

આજનાં પરિણામો જાહેર થયાં એ પૂર્વે શુક્રવારે કૉન્ગ્રેસના સંસદસભ્ય અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીપંચની નિષ્પક્ષતા પર મોટો આરોપ મૂક્યો છે કે મહારાષ્ટ્રમાં ગયા વર્ષે લોકસભાની ચૂંટણી અને પાંચ મહિના પછી વિધાનસભાની ચૂંટણી વચ્ચે મતદારોની સંખ્યામાં અચાનક વધારો થયો હતો.
તેમણે કહ્યું હતું કે માત્ર પાંચ મહિનામાં રાજ્યમાં ૩૯ લાખ નવા મતદારો ઉમેરાયા હતા, જ્યારે છેલ્લાં પાંચ વર્ષમાં કુલ ૩૨ લાખ મતદારો ઉમેરાયા હતા. આ સંખ્યા હિમાચલ પ્રદેશની સમગ્ર વસ્તી જેટલી છે. આ મતદારો ક્યાંથી આવ્યા છે અને તેઓ કોણ છે? રાહુલે ચૂંટણીપંચ પાસેથી નામ, નંબર, સરનામાં અને ફોટો સાથે આ તમામ મતદારોની વિગતો માગી છે.
ઉદ્ધવસેના અને NCPનાં સુપ્રિયા સુળે સાથે સંયુક્ત પત્રકાર-પરિષદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘અમે પુરાવા વગર આરોપ નથી કરી રહ્યા. ચૂંટણીપંચે અમારી ચિંતાઓનો જવાબ નથી આપ્યો. અમે સમગ્ર વિપક્ષનું પ્રતિનિધિત્વ કરીએ છીએ જે મહારાષ્ટ્રમાં છેલ્લી ચૂંટણી લડ્યા હતા. અમે મહારાષ્ટ્રની ચૂંટણીને લગતી કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતીથી ભારતના લોકોનું ધ્યાન દોરવા માગીએ છીએ.’
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં મતદારોનાં નામ કાઢી નાખવામાં આવ્યાં છે અને એમાંના મોટા ભાગના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમુદાયોનાં છે.
દરમ્યાન આ જ મુદ્દે મુંબઈ હાઈ કોર્ટે ચૂંટણીપંચ અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓને મતદાનપ્રક્રિયામાં કથિત વિસંગતતા વિશે ચિંતા વ્યક્ત કરતી અરજી પર નોટિસ ફટકારી છે. ન્યાયમૂર્તિ અજય એસ. ગડકરી અને ન્યાયમૂર્તિ કમલ આર. ખાતાની ખંડપીઠે શહેરના રહેવાસી ચેતન ચંદ્રકાન્ત અહિરેની રિટ અરજી પર સુનાવણી કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાંજે ૬ વાગ્યાના સત્તાવાર મતદાનના સમય પછી ૭૫ લાખથી વધુ મતદાન થયું હતું અને ૯૦થી વધુ મતવિસ્તારોમાં ઘણી વિસંગતતા જોવા મળી હતી.
ચૂંટણીપંચે રાહુલ ગાંધીનું નામ લીધા વિના એક સાર્વજનિક પોસ્ટમાં કહ્યું છે કે એ સમગ્ર દેશમાં એકસરખી રીતે અપનાવવામાં આવેલી તથ્યાત્મક અને પ્રક્રિયાગત પ્રક્રિયાને અનુસરીને લેખિતમાં જવાબ આપશે.
ચૂંટણીપંચ સામે આ ગંભીર આરોપ છે અને એણે સ્પષ્ટતા કરવી જોઈએ. ચૂંટણીપંચની નિષ્પક્ષતા પર મતદારોના મનમાં શંકા હોય એ લોકશાહીમાં સારું ન કહેવાય. દિલ્હીની ચૂંટણીમાં પણ ચૂંટણીપંચ પર શંકા કરવામાં આવી છે.
આપ પાર્ટીના અરવિંદ કેજરીવાલે તો ત્યાં સુધી આરોપ મૂક્યો હતો કે મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમાર નિવૃત્તિ પછી સરકારની નોકરી લેવા માગે છે એટલે BJPને તરફેણ કરી રહ્યા છે. એટલું જ નહીં, ચૂંટણીપંચે કેજરીવાલને જે નોટિસ મોકલી હતી એની ભાષાને લઈને કેજરીવાલે કહ્યું હતું કે આવી ભાષા લખવાનું કામ ચૂંટણીપંચનું નથી. ચૂંટણીપંચના વડા રાજીવ કુમાર જો રાજકારણ રમવા માગતા હોય તો તેમણે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવી જોઈએ.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ઉત્તર પ્રદેશમાં મિલ્કીપુર પેટાચૂંટણીમાં બોગસ મતદાનને લઈને કહ્યું હતું કે ‘આ BJPની ચૂંટણી લડવાની રીત છે. ચૂંટણીપંચ મરી ગયું છે, એને સફેદ કપડામાં લપેટીને તમારી સમક્ષ રજૂ કરવું પડશે.’


