આ સાચી માગણી છે અને એમાં ક્યાંક ને ક્યાંક બૌદ્ધિકતા પણ દેખાય છે
મેરે દિલ મેં આજ ક્યા હૈ?
ફાઇલ તસવીર
અત્યારે એક વિવાદ બહુ ચાલ્યો છે. ફિલ્મ ‘પઠાન’ના એક ગીતમાં બિકિની પહેરીને દીપિકા પાદુકોણ ડાન્સ કરે છે. આ જે બિકિની છે એનો રંગ ભગવો છે. ભગવો હિન્દુઓની પરંપરાનો રંગ છે અને એ રંગને આધાર મળવો જ જોઈએ, એ રંગના દુરુપયોગ સામે વિરોધ થવો જ જોઈએ અને એ વિરોધ અસરકારક જ હોવો જોઈએ, પણ એનો અર્થ એવો પણ નથી કે એને લીધે આખેઆખી ફિલ્મનો વિરોધ શરૂ થાય. ‘પઠાન’નો જે વિરોધ છે એ વિરોધ આમ જ ચાલુ રહે એના કરતાં એવી માગણી થવી જોઈએ કે ફિલ્મમાંથી એ સૉન્ગને કાપવામાં આવે કે પછી ફિલ્મમાંથી એ સીક્વન્સને કાપવામાં આવે જેમાં હિરોઇન ભગવા રંગની બિકિની પહેરેલી દેખાય છે. વિરોધ એ પણ થવો જોઈએ કે એ દૃશ્યો સોશ્યલ મીડિયા પરથી પણ હટાવી લેવામાં આવે.
આ સાચી માગણી છે અને એમાં ક્યાંક ને ક્યાંક બૌદ્ધિકતા પણ દેખાય છે. બહેતર છે કે આપણે બૌદ્ધિકતા સાથે માગણી ઉઠાવીએ, નહીં કે હઈસો-હઈસો કરીને ગાડરિયા પ્રવાહમાં આગળ ભાગીએ. આ જ વાતની સાથોસાથ એ પણ કહેવાનું કે ‘પઠાન’ નામનો પણ જો વિરોધ હોય, જો એ નામનો દુરુપયોગ કરીને હિન્દુત્વને ઉતારી પાડવામાં આવતું હોય તો એનો પણ વિરોધ થવો જોઈએ, પણ એવું છે કે નહીં એ તો આપણે અત્યારે જાણતા નથી. આપણને એ પણ ખબર નથી કે ફિલ્મનું કથાનક શું છે અને જ્યારે ખબર જ નથી ત્યારે સીધેસીધો વિરોધ શરૂ કરી, પ્રતિબંધની માગણી કરીએ એ વાજબી નથી લાગતું. બહેતર છે કે પહેલાં જાણો અને જાણ્યા પછી જો એવું લાગે, એવું દેખાય કે આ વાતનો વિરોધ થવો જોઈએ તો એ વિરોધ વિનાસંકોચ કરો અને ત્યાં સુધી કરો કે ફિલ્મ સાથે સંકળાયેલા સૌકોઈ સામે આવી બે હાથ જોડીને માફી માગે.
ADVERTISEMENT
એક ફિલ્મ જ્યારે બનતી હોય ત્યારે એ ફિલ્મ પાછળ અઢળક લોકોની મહેનત જોડાયેલી હોય છે અને કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે. આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે આઝાદ રાષ્ટ્ર વચ્ચે રહીએ છીએ. વાણીસ્વતંત્રતાથી માંડીને વ્યવહાર-અભિવ્યક્તિની સૌકોઈને આઝાદી છે, જેના પર તરાપ ત્યારે જ લાગે કે લગાવવી જોઈએ જ્યારે તે વ્યક્તિ પોતાને મળનારી આ સ્વતંત્રતાનો દુરુપયોગ કરતી હોય, પણ એ ખબર ક્યારે અને કેવી રીતે પડે?
આ પણ વાંચો: હૉલીવુડ કરતાં અનેકગણું મોટું માર્કેટ બૉલીવુડ, છતાં ૧૦૦ કરોડ રૂપિયાની ખુશી?
ત્યારે ખબર પડે જ્યારે તમે એ કાર્યને, એ પ્રક્રિયાને પૂર્ણ રીતે જુઓ. એ ત્યારે ખબર પડે જ્યારે તમે એ કામને મૂલવો અને મુલવણી કર્યા પછી નક્કી કરો કે મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ થયો છે કે નહીં? એ પહેલાં એ વિશે બોલવું, એ વિશે કહેવું કે પછી એ વિશે બૂમબરાડા પાડવાનો કોઈ અર્થ નથી. મધ્ય પ્રદેશ સરકારે સ્પષ્ટ વાત કરી છે કે અમને અમારા ધર્મરંગ ભગવાને કોઈના આંતરવસ્ત્રમાં નથી જોવો. એ સીન કાપી નાખો, જો તમે સીન નહીં કાપો તો અમે ફિલ્મ રિલીઝ નહીં થવા દઈએ. આ સીધી વાત છે અને એ સીધી વાત જ સૌએ કરવી જોઈએ એવું મારું અંગત માનવું છે.