આયુષમાનનું સપનું પત્રકાર બનવાનું હતું!
યસ, આયુષમાન ખુરાનાની ઇચ્છા પત્રકાર બનવાની હતી! તેણે પંજાબ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્ય સાથે અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવ્યો એ વખતે તેના પિતા તેનો વિરોધ કરી રહ્યા હતા છતાં તે પત્રકારત્વના કોર્સમાં જોડાયો હતો. જોકે પંજાબ યુનિવર્સિટીમાં કૉલેજ કરતાં-કરતાં તે થિયેટર (રંગભૂમિ) ઍક્ટિવિટી તરફ વળ્યો. એ સમયમાં તે થિયેટર્સના સિનિયર્સના પરિચયમાં આવ્યો. તેને થિયેટરમાં રસ પડ્યો એ પછી તેણે કૉલેજનાં હિન્દી નાટકોમાં ભાગ લેવા માંડ્યો.
પંજાબ યુનિવર્સિટીમાં નાટકો કરતાં-કરતાં આયુષમાનનું શરમાળપણું દૂર થઈ ગયું અને તેણે પત્રકારત્વના અભ્યાસની સાથે-સાથે ડાન્સ અને ફાઇટની તાલીમ લેવાનો અને જિમમાં જોડાવાનો નિર્ણય કર્યો.
ADVERTISEMENT
એ પછી આયુષમાન મુંબઈ આવ્યો. આયુષ્યમાને ટીવી-સિરિયલ્સમાં રોલ મેળવવા માટે પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સની ઑફિસનાં પગથિયાં ઘસવા માંડ્યાં પણ તેને કોઈ ટીવી-સિરિયલમાં રોલ ન મળ્યો. જોકે કામ શોધતાં-શોધતાં તેને એક ટીવી ચૅનલ પર વીજે (વિડિયો જૉકી) બનવાની તક મળી ગઈ.
આયુષમાનને કોઈ ટીવી-સિરિયલમાં અભિનયની તક તો ન મળી, પણ તે વીજે તરીકે કામ કરતો હતો એ દરમિયાન તે શૂજિત સરકારની નજરમાં આવી ગયો. શૂજિત સરકારે તેને મળવા બોલાવ્યો અને કહ્યું કે હું તને મારી ફિલ્મમાં હીરો તરીકે સાઇન કરવા માગું છું. આયુષ્માને તરત જ હા પાડી દીધી. જોકે એ વખતે તેને કલ્પના નહોતી કે તેની પહેલી જ ફિલ્મ ચાલી પડશે અને તે જાણીતો બની જશે. જોકે ‘વિકી ડોનર’ ફિલ્મ સફળ થઈ અને આયુષમાનની બૉલીવુડમાં એક આગવી ઓળખ ઊભી થઈ ગઈ.
‘વિકી ડોનર’ની સફળતાથી સૌથી વધુ આનંદ આયુષમાનનાં માતાપિતાને થયો હતો અને સૌથી વધુ આશ્ચર્યની સાથે આનંદની લાગણી આયુષ્માનની પત્ની તાહિરાને થઈ હતી. તાહિરા અને આયુષમાન કૉલેજના પહેલા વર્ષથી ફ્રેન્ડ્સ બની ગયાં હતાં અને તેમની દોસ્તી પ્રેમમાં પલટાઈ ગઈ હતી. એ પછી આયુષમાનને મુંબઈમાં વીજે બનવાની તક મળી ત્યાર બાદ બન્નેએ લગ્ન પણ કરી લીધાં હતાં.
કૉલેજમાં નાટ્યપ્રવૃત્તિ શરૂ કર્યા પછી આયુષમાનને બૉલીવુડમાં ઍક્ટર બનવાની ઇચ્છા થઈ હતી. એ વખતે તેણે તાહિરાને કહ્યું હતું કે ‘હવે મારા મનમાં ઍક્ટર બનવાની મહત્ત્વાકાંક્ષા જાગી છે. આ વાત હું સૌપ્રથમ તારી સાથે શૅર કરી રહ્યો છું.’
એ વખતે તાહિરાએ તેને કહ્યું હતું કે ‘હું તને બહુ પ્રેમ કરું છું, પણ વાસ્તવિકતા એ છે કે તું કોઈ પણ ઍન્ગલથી ઍક્ટર જેવો લાગતો નથી એટલે તું કોઈ કાળે ઍક્ટર નહીં બની શકે!’

