વિદેશી રોકાણપ્રવાહ ભારતીય બજારમાં પાછો ફરવાના વધેલા સંકેતઃ જોકે ટૅરિફ-યુદ્ધનો ત્રાસ હજી અધ્ધર, ટ્રમ્પની ટ્રબલનું કંઈ કહેવાય નહીં : ફૉરેન ઇન્વેસ્ટર્સ રિટર્ન, બુલિશ માર્કેટ ઇન, બેરિશ આઉટ
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
દુઃખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે... આ ગીત હાલ શૅરબજારમાં રોકાણકારો-ટ્રેડર્સના મનમાં (જાહેરમાં નહીં) ગુંજવાનું શરૂ થયું છે. વિદેશી સંસ્થાકીય-ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ભારતીય માર્કેટમાં પાછા ફરવા લાગ્યા હોવાનું જણાય છે. બાર્ગેન હન્ટર્સ સ્ટૉક્સ શોધવામાં લાગી ગયા છે. જોકે હજી માર્કેટની બૉટમ બની ગઈ હોવાનું કહી શકાય નહીં એટલે સિલેક્ટિવ બની આગળ વધવામાં ડહાપણ. FII નીચા ભાવે લગડી સ્ટૉક્સ ઉપાડવા માંડે એ પહેલાં અથવા એ સાથે રોકાણકારો પણ પોતાની વિવેકબુદ્ધિને આધારે લૉન્ગ ટર્મ માટે ખરીદી શરૂ કરવાનું વિચારી શકે.
ભારતીય સ્ટૉક્સનાં વૅલ્યુએશન એવા નીચા લેવલે જઈને પાછાં ફર્યાં છે કે હવે એને ઓવર વૅલ્યુએશન કહેવાય નહીં, પણ એને હજી અન્ડરવૅલ્યુએશન પણ કહી શકાય એમ નથી. અર્થાત્ માર્કેટ બૉટમઆઉટ થઈ ગઈ છે કે કેમ એ હજી સવાલ છે, પરંતુ ચોક્કસ અંશે આકર્ષક બની હોવાનું માની શકાય. ભારતે ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમીનું સ્થાન જાળવી રાખ્યું છે અને હાલ મંદ પડેલી ઇકૉનૉમીની ગતિને વેગ આપવાના પ્રયાસ ચાલી રહ્યા છે. જોકે ટ્રમ્પસાહેબને કારણે ભારત સામે પણ ટ્રબલ ચાલી રહી છે એ ખરું. હાલ તો દેશમાં કન્ઝમ્પ્શન વધે એવા પગલાની તાતી જરૂર છે જે ઇકૉનૉમીના રિવાઇવલમાં સહયોગી બની શકે. રિઝર્વ બૅન્ક તરફથી પ્રવાહિતા વધારવાના નક્કર પ્રયાસ ચાલુ થયા છે. કેન્દ્ર સરકાર અનિશ્ચિતતાવાળા ગ્લોબલ માહોલ વચ્ચે આર્થિક મોરચે સક્રિય બનવાની બાબતે ઉપેક્ષા કરી શકે એમ નથી, પરિણામે માર્કેટ રિવાઇવલ તંદુરસ્તી પામશે એવો આશાવાદ રાખવો વાજબી છે. આ સમયના સંઘર્ષમાં વૅલ્યુએશન પણ વાજબી સ્તરે આવતાં જશે. એકસાથે નહીં, પરંતુ ધીમે-ધીમે સિલેક્ટિવ બની ખરીદી કરનાર વ્યક્તિ અને સંસ્થા સ્માર્ટ ઇન્વેસ્ટર્સ સાબિત થશે.
ADVERTISEMENT
કરેક્શનનો સમય પત્યો, રિકવરીનો શરૂ?
શૅરબજારના છેલ્લા છ મહિના વૉલેટિલિટીના રહ્યા, કાતિલ કરેક્શન બાદ હાલ રિકવરીનો દોર શરૂ થયો છે. આ સમયમાં ફરી એક વાર રોકાણકારોમાં ઍસેટ અલોકેશનના મહત્ત્વની ચર્ચા પણ ચાલુ થઈ છે. અનેક લોકો બજાર સુધરવાની રાહ જોતા રહ્યા તો ઘણા વળી બજારમાંથી બહાર નીકળવા લાગ્યા હતા. વળી અનેક લોકો એવા પણ ખરા, જેમણે સ્ટૉક્સ વેચીને નાણાં બૅન્ક-FD અથવા અન્ય ઍસેટ્સમાં મૂકવાનું શરૂ કરી દીધું, અમુક વર્ગ સોના તરફ ડાઇવર્ટ થવા લાગ્યો. એ જાહેર છે કે એક સમય એવો રહ્યો, જેમાં US પ્રેસિડન્ટ ઇલેક્શનના અને ડૉલરની મજબૂતી વધતી જવાના ગાળામાં ફૉરેન ઇન્વેસ્ટર્સ ઇમર્જિંગ માર્કેટમાં વેચાણ કરતા જઈ USમાં નાણાં પાછાં લાવતા ગયા હતા. આ ફૉરેન ઇન્વેસ્ટર્સ દ્વારા ભારતીય હાઈ માર્કેટમાં ભરપૂર વેચાણ કરતા રહી ઊંચો નફો લઈ જવાયો. ૨૦૨૪માં એક સમય એવો પણ જોવાયો કે ચીનની માર્કેટ સસ્તી થઈ જતાં વિદેશી રોકાણ પ્રવાહ ત્યાં વળી ગયો. જેથી FII સેલિંગની અસર ચીન કરતાં ભારતમાં વધુ દેખાઈ. જોકે અહીં એ નોંધવું બહુ જ મહત્ત્વનું છે કે FIIનું વેચાણ ભારતમાં ઇકૉનૉમિક સ્લોડાઉન કરતાં હાઈ વૅલ્યુએશનને કારણે વધુ રહ્યું હતું. આ સાથે હવે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે સતત પાંચ મહિનાના એકધારા વેચાણ બાદ ફેબ્રુઆરીમાં FIIનું વેચાણ ઘટતું ગયું અને માર્ચમાં પણ ઘટવાતરફી રહ્યું અને તાજેતરના દિવસોમાં તો તેમની નેટ ખરીદી પણ શરૂ થઈ. અલબત્ત, વૅલ્યુએશન હજી સસ્તાં થયાં ન કહી શકાય, પરંતુ તુલનાત્મક રીતે અન્ડરવૅલ્યુ થયાં કહી શકાય. આમાં પણ સિલેક્ટિવ સ્ટૉક્સ પર નજર અને એનો અભ્યાસ કરવો પડે. આ સમયમાં લાર્જ કૅપ અને ફ્લેક્સી કૅપ સ્ટૉક્સમાં સિસ્ટેમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) અને સિસ્ટેમૅટિક ટ્રાન્સફર પ્લાન (STP) ચાલુ કરવાનો અવસર કહેવાય. સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સ હજી ઓવરવૅલ્યુડ ગણાય છે, જયારે લાર્જ કૅપમાં હેવી સેલ્સને લીધે ભાવ વાજબી સ્તરે આવ્યા હોવાનું માની શકાય.
ભારતનું આર્થિક માળખું મજબૂત
ભારતની મેક્રો ઇકૉનૉમીમાં કોઈ બહુ મોટું ગાબડું પડ્યું નથી, આર્થિક સ્ટ્રક્ચર હજી મજબૂત છે. અર્નિંગ્સ પણ ઠીક છે, પરંતુ કરેક્શન બાદ પણ વૅલ્યુએશન હજી સોંઘાં કહી શકાતાં નહોતાં. બજેટના કરવેરાના સુધારા બાદ ડેટ માર્કેટ માટેનું આકર્ષણ વધ્યું હતું, હજી પણ વધી શકે. જોકે ઇમર્જિંગ માર્કેટમાં નાણાપ્રવાહ જોરપૂર્વક પાછો ફરવાનો શરૂ થશે એવા સંકેત દેખાવા લાગ્યા છે. સિલેક્ટિવ વિદેશી સંસ્થાઓ ભારતીય માર્કેટ માટે પૉઝિટિવ બનતી જઈ રહી છે અને ચોક્કસ સેક્ટરમાં રોકાણ વધારવા ઉપરાંત એ રોકાણ જાળવી રાખવાનો અભિગમ ધરાવતી હોવાનું જણાવે છે.
અત્યાર સુધી ઇન્ડિયા ફોકસ્ડ ફન્ડ્સ પણ ભારતીય માર્કેટમાંથી નાણાં પાછાં ખેંચી રહ્યાં હતાં. ૨૦૨૫માં અત્યાર સુધીમાં આ ફન્ડ્સનું વેચાણ ૩.૨ અબજ ડૉલરનું રહ્યું. નવાઈની વાત એ છે કે અત્યાર સુધીમાં ઇમર્જિંગ માર્કેટ્સમાં એકમાત્ર ભારતીય માર્કેટ જ એવું રહ્યું હતું જ્યાંથી ફૉરેન ઇન્વેસ્ટમેન્ટનાં નાણાં પાછાં જઈ રહ્યાં હતાં જે હવે વાજબી અથવા આકર્ષક વૅલ્યુએશનના સ્તરે આવતાં ગયાં છે. જેના પુરાવામાં વીતેલા સપ્તાહ પર નજર કરી શકાય.
આખું સપ્તાહ સકારાત્મક રહ્યું
વીતેલા સપ્તાહમાં સોમવારની શુભ શરૂઆત સાથે સેન્સેક્સ અને નિફ્ટી બન્નેએ રિકવરી દર્શાવી હતી. જોકે ટૅરિફ-યુદ્ધની ચિંતા માથે લટકી રહી હોવાથી રોકાણકારો-ટ્રેડર્સ સાવચેતી અપનાવી રહ્યા હતા. મંગળવારે તો બજારે એવો મુડ દર્શાવ્યો જે અગાઉ ઝડપી તેજીના સમયમાં જોવા મળતો હતો. સેન્સેક્સ ૧૧૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૩૦૦ પૉઇન્ટ ઉપરની છલાંગ લગાવી બંધ રહ્યા હતા. બુધવારે પણ બજારે રિકવરીનો દોર ચાલુ રાખ્યો, ખાસ કરીને બુધવારે સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવાઈ. આમ ત્રણેય સેગમેન્ટના સ્ટૉક્સમાં કરેક્શનનું સ્થાન રિકવરીએ લીધું. ગુરુવારે પણ માર્કેટે ઝડપી સુધારો દર્શાવતાં સેન્સેક્સ ૯૦૦ પૉઇન્ટ, જ્યારે નિફટીએ ૩૦૦ પૉઇન્ટનો કૂદકો માર્યો હતો. શુક્રવારે સતત પાંચમા દિવસે માર્કેટ માત્ર પૉઝિટિવ નહીં, પરંતુ નોંધપાત્ર રિકવરીવાળું બની રહ્યું. સેન્સેક્સ ૫૫૦ પૉઇન્ટના ઉછાળા સાથે ૭૭ હજાર નજીક અને નિફટી ૨૩,૩૦૦ ઉપર પહોંચી ગયો. જાણે કે બજારમાં નવેસરથી તેજી આવી રહી હોય એવો માહોલ બની રહ્યો છે. સતત નેટ સેલર્સ ફૉરેન ઇન્વેસ્ટર્સ નેટ બાયર્સ બનવા લાગ્યા છે. પરિણામે સેન્ટિમેન્ટ અને ટ્રસ્ટમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. માર્ચ મહિનામાં ઘણા સમય બાદ FII દ્વારા નેટ ખરીદી નોંધાઈ હતી, રૂપિયાએ પણ મજબૂતીનાં દર્શન કરાવ્યાં. હવે એપ્રિલમાં ભારતીય રિઝર્વ બૅન્ક પણ ઇન્ટરેસ્ટ રેટ પર વધુ એક કટ મૂકે એવી શક્યતા ઊભી છે. આ એક જ સપ્તાહમાં બૉમ્બે સ્ટૉક એકસચેન્જ (BSE)ના માર્કેટ કૅપમાં બાવીસ લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ નોંધાઈ છે. ઇન શૉર્ટ, પોર્ટફોલિયોમાં પરિવર્તનનો શુભારંભ થયો છે. રેડ કલર આઉટ અને ગ્રીન કલર ઇન થયો છે.
ગ્લોબલ ગૂંચવણનો ભય
જોકે સૌથી મહત્ત્વની બાબત એ યાદ રાખવી જરૂરી છે કે ગ્લોબલ માહોલ હજી ગૂંચવણવાળો અને અનિશ્ચિતતાનો હોવાથી ઇન્વેસ્ટર્સ માટે ઍસેટ અલોકેશનનું તેમ જ અમુક અંશે સાવચેતીના અભિગમનું મહત્ત્વ રહેશે. ટ્રમ્પનાં નવાં ગતકડાંઓની પણ ચિંતા કરવી રહી. ઉતાવળ નહીં કરતા દોસ્તો, પણ ધીરજનાં ફળનું મહત્ત્વ સમજજો.
વિદેશી રોકાણપ્રવાહ પુનઃ આવતો થશે
માર્કેટ એક્સપર્ટ અજય બગ્ગાએ તાજેતરમાં વ્યક્ત કરેલા અભિપ્રાય મુજબ વિદેશી રોકાણ પ્રવાહ ઇમર્જિંગ માર્કેટ્સમાં પુનઃ વહેવાના સંકેત દેખાવાના શરૂ થયા છે, જેનો લાભ ભારત અને ચીનને થશે. હાલ તો વધુ લાભ ચીનને ફાળે જઈ રહ્યો છે, પરંતુ ભારતીય માર્કેટને પણ આ લાભ અવશ્ય મળશે. ભારત સરકારના કૅપિટલ ખર્ચમાં વૃદ્ધિ પણ ચાલુ છે, ટ્રમ્પના પગલાને કારણે અનિશ્ચિતતા સર્જાઈ હતી, જેને કારણે બજારની દશા વધુ બગડી હતી, જે હવે ધીમે-ધીમે સ્થિર થતી જશે અને વિદેશી રોકાણ પ્રવાહનું રોટેશન ફરી ઊભરતી બજારો તરફ વળશે. આમ તો હાલ વિદેશી રોકાણના પ્રવાહની પૉઝિટિવ અસર જોવા મળી છે.
US ફેડનાં નિવેદનોની ભારતીય માર્કેટ-ઇકૉનૉમી પર પૉઝિટિવ અસર
ગયા સપ્તાહમાં US ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવાયો. આ નિર્ણય અને ફેડનાં નિરીક્ષણ-નિવેદનોને માર્કેટ એક્સપર્ટ્સે આવકાર્યાં છે, ફેડના મતે US ઇકૉનૉમીમાં હાલ અનિશ્રિતતા પ્રવર્તી રહી છે. જોકે ફેડ આ વર્ષે ૦.૫૦ ટકા રેટ-કટ કરવા ધારે છે. વધુમાં ફેડ એપ્રિલથી એની બૅલૅન્સશીટ સાઇઝ પણ વધુ ઘટાડવાની યોજના ધરાવે છે, જેને લીધે પ્રવાહિતા વધશે. આની ઇક્વિટી માર્કેટ પર પૉઝિટિવ અસર થશે. ફેડરલ રિઝર્વ દ્વારા એનો ૨૦૨૫નો ગ્રોથ અંદાજ પણ ઘટાડાયો છે. આમ US ઇકૉનૉમી સ્લો થવાને પરિણામે ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FII) ભારતીય ઇકૉનૉમી તરફ ફરી વળશે એવું માની શકાય. તેમણે ભારતની માર્કેટમાં નફો થવાના અનુભવ લીધા છે. દરમ્યાન ફેડ દ્વારા US ઇન્ફ્લેશન રેટનો અંદાજ પણ વધારાયો છે. આ સંજોગો ટ્રમ્પને ઠંડા પાડવાની ભૂમિકા ભજવી શકે.

