Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ૨૦૨૬માં કયાં પરિબળોનો શૅરબજાર પર પ્રભાવ રહેશે?

૨૦૨૬માં કયાં પરિબળોનો શૅરબજાર પર પ્રભાવ રહેશે?

Published : 05 January, 2026 09:41 AM | Modified : 05 January, 2026 09:42 AM | IST | Mumbai
Jayesh Chitalia

ભારત ઇકૉનૉમિક ફંડાથી વિકાસશીલ, જિયોપૉલિટિકલ સંજોગોથી ચિંતાશીલ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


છેલ્લાં અમુક વર્ષોથી ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમી ધરાવતા ભારત માટે ૨૦૨૬ની શરૂઆતના સકારાત્મક સમાચાર એ છે કે એ વિશ્વની સૌથી મોટી ઇકૉનૉમી તરીકે ચોથા ક્રમે આવી ગયું છે, એણે જપાનનું સ્થાન લીધું છે. બીજા સારા સમાચાર અને સંકેત એ છે કે મોદી સરકાર વધુ ઇકૉનૉમિક રિફૉર્મ્સ પર ફોકસ કરી રહી છે. આ ઉપરાંત શૅરબજારને અસર કરે એવી વધુ એક મહત્ત્વની ઘટના બજેટની બનશે એટલે ૨૦૨૬ માટે આશાવાદ ઊંચો છે, પરંતુ સામે જિયોપૉલિટિકલ સિચુએશનનાં સંભવિત જોખમ પણ ઊભાં જ છે 

વિશ્વમાં અર્થતંત્રની વાત આવે ત્યારે જિયોપૉલિટિકલ પરિબળની ચિંતા સામે આવ્યા વિના રહે નહીં. આ માહોલ અને ચિંતા હવે આમ તો કાયમનાં થઈ ગયાં છે. આ ચિંતા કર્યા કરવામાં રોકાણની તકો જતી કરવી જોઈએ નહીં, કેમ કે એ પછી પણ માર્કેટનો ખરો આધાર તો એના દેશના આર્થિક  ફંડામેન્ટલ્સ પર વધુ રહે છે. એ દૃષ્ટિએ ભારતીય અર્થતંત્રના ફંડા મજબૂત અને વિકાસલક્ષી દિશામાં આગળ વધી રહ્યા હોવાથી માર્કેટ પણ નવી ઊંચાઈ હાંસલ કરશે એવી આશા ચોક્કસ રાખી શકાય.



જિયોપૉલિટિકલ જોખમ કેટલું ધ્યાનમાં લેવું?


શૅરબજારમાં રોકાણની વાત હોય, તેજી-મંદીની વાત હોય કે એના ટ્રેન્ડની વાત હોય ત્યારે જિયોપૉલિટિકલ પરિબળ કાયમ ચર્ચામાં રહે છે. ખાસ કરીને છેલ્લા ત્રણેક દાયકાથી આ પરિબળ સતત માથા પર લટકતું રહે છે. આ પરિબળ સાથે બીજું એક કારણ આકાર પામે છે જેનું નામ છે અનિશ્ચિતતા. એ બન્ને માર્કેટને મોટે ભાગે ચિંતામાં રાખે છે. જોકે મજાની વાત એ છે કે આ બન્ને પરિબળો-કારણો વચ્ચે પણ શૅરબજાર મહદંશે વધતું જોવા મળે છે જેના દાખલા આપણી નજર સામે છે. અલબત્ત, આમાં અપવાદો હોય છે ખરા.

૨૦૨૬નો આરંભ જિયોપૉલિટિકલ સિચુએશનની ચિંતામાં થયો છે જેમાં અમેરિકાનું ભારત સાથેના વેપાર બાબતે વલણ, ટૅરિફનો વિવાદ, વિવિધ દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો માહોલ, એમાં વળી ભારત-પાકિસ્તાન વચ્ચેના કાયમના સંઘર્ષના અહેવાલ, કરન્સીની કથા, વ્યાજદરના મામલા અને ક્રૂડના કિસ્સા તો ઊભા જ છે. એમ છતાં ૨૦૨૬ માટે માર્કેટની તેજીનો આશાવાદ વધી રહ્યો છે. ચોક્કસ સર્વેક્ષણ અને અભ્યાસના આધારે ૨૦૨૬માં સેન્સેક્સ ૯૬,૦૦૦ કે એક લાખ સુધી અને નિફટી ૨૯,૦૦૦-૩૦,૦૦૦ સુધી જવાની ધારણા વ્યક્ત થવા લાગી છે.


આગામી સમયની તરતની ઘટનાઓ

૨૦૨૬ના આરંભના સમય પર, ખાસ કરીને પ્રથમ બે મહિના પર નજર કરીએ તો જાન્યુઆરીમાં બજેટ પહેલાંના સંકેતો અને ફેબ્રુઆરીમાં બજેટની જાહેરાતો બજારના ચાલક-પ્રેરકબળ બનશે. સરકાર રિફૉર્મ્સ પર સતત ભાર મૂકી રહી છે. આ બે મહિનામાં અમેરિકા સાથેના દ્વિપક્ષીય વેપાર-કરાર મહત્ત્વનું પરિબળ બનશે. બીજી બાજુ સરકારના અન્ય દેશો સાથેના વેપાર-કરારને અપાઈ રહેલા આકાર ચાલુ જ છે. હાલના સંકેત કહે છે કે સરકાર બજેટમાં કૅપિટલ ખર્ચ વધારવા ઉપરાંત બચત-રોકાણ વધે એવાં પગલાં પર જોર આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં અર્થશાસ્ત્રીઓની થયેલી ચર્ચાના અહેવાલો મુજબ સરકાર બચતોને વેગ આપવા કરરાહતોનું વિચારી શકે છે તેમ જ દેશમાં ડેટા-સેન્ટર્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સને ઉત્તેજન આપવાનાં પગલાં ભરશે. સરકાર સર્વિસિસની નિકાસ બાબતે પણ વૈવિધ્યકરણ પર ભાર મૂકી શકે છે. ભારતનું ટેક અને ફાઇનૅન્શિયલ માર્કેટ જોશમાં તેમ જ જોરમાં છે. એને બૂસ્ટ આપવાથી ગ્લોબલ તેમ જ લોકલ લેવલે વિકાસ ઝડપી બનાવવામાં સહાય મળી શકે છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સની ગતિવિધિ-પ્રગતિ, નવાં સાહસો, IPOની વણજાર, અન્ય સાધનો મારફત થઈ રહેલું મૂડીસર્જન, વ્યાજદરમાં એકંદરે રાહત, ધિરાણ માટેની માગ અને ઉપાડ, વપરાશમાં સતત વૃદ્ધિ, ઉત્પાદન અને માળખાકીય ક્ષેત્રે વિકાસ, સીધા વિદેશી રોકાણનો પ્રવાહ વગેરે પુરાવા નજર સામે છે.  

ફૉરેન ઇન્વેસ્ટર્સના પ્રવાહની ચિંતા

જોકે આ બધાં પૉઝિટિવ પરિબળો વચ્ચે માર્કેટમાં ફૉરેન ઇન્વેસ્ટર્સનો પ્રવાહ કેવો રહે છે એ મહત્ત્વનું રહેશે. ૨૦૨૫નું વર્ષ ફૉરેન ઇન્વેસ્ટર્સ દ્વારા ભારે નેટ વેચવાલીનું રહ્યું, જ્યારે કે એની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો દ્વારા જબરદસ્ત ખરીદીનું રહ્યું. ફૉરેન ઇન્વેસ્ટરોએ દોઢેક લાખ કરોડ રૂપિયાનું નેટ વેચાણ કર્યું, બીજી બાજુ સ્થાનિક રોકાણકારોએ ૭.૭ લાખ કરોડ રૂપિયાની ખરીદી નોંધાવી છે. ગ્લોબલ રોકાણકારોના નેટ સેલ્સનાં કારણોમાં રૂપિયાના મૂલ્યમાં ઘટાડો, વૅલ્યુએશનની ચિંતા, ધીમા વિકાસનો ભય અને તેમને અન્ય ઇમર્જિંગ માર્કેટ્સમાં મળી રહેલા બહેતર વળતરનો સમાવેશ થયો હતો. જોકે ૨૦૨૬માં આ ચિત્ર બદલાવાની આશા છે, જો આમ ન પણ થયું તો પણ સ્થાનિક રોકાણની શક્તિ ભારતીય બજારને તૂટવા દેશે નહીં એવું માની શકાય, કારણ કે ભારતમાં હાલ જે સકારાત્મક ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ બજારમાં નાણાપ્રવાહ વધારશે એવો અંદાજ છે. અલબત્ત, આ વિષયમાં રોકાણકારોએ શિસ્તબદ્ધ અને સિલેક્ટિવ બનવું જોઈશે, અન્યથા તેઓ ખોટા સ્ટૉક્સમાં ભેરવાઈ શકે છે; પરંતુ કોઈ નક્કર કારણસર ફૉરેન-ગ્લોબલ ઇન્વેસ્ટર્સ ભારતીય માર્કેટથી દૂર રહ્યા તો બજારને વેગ મળવામાં મુશ્કેલી થશે એ પણ સ્વીકારવાનું રહેશે. અહીં એ નોંધવું જોઈશે કે ૨૦૨૫નો અંતિમ દિવસ ૩૧ ડિસેમ્બર તેજીમય રહ્યો તેમ જ ૨૦૨૬નો પ્રથમ દિવસ પણ બુલિશ રહ્યો. આગલા દિવસોના કરેક્શનને એણે ભૂંસી નાખ્યું હતું. આમ આરંભ તો પૉઝિટિવ થયો છે.

રોકાણકારોએ શું રોકાણ-વ્યૂહ રાખવો?

૨૦૨૬ માટે એક્સપર્ટ અને અભ્યાસુ વર્ગ માને છે કે આ વર્ષમાં સાવચેતી સાથે આગળ વધવાનું રહેશે. ટાઇટ લિક્વિડિટી અને ગ્લોબલ અનિશ્ચિતતા સેન્ટિમેન્ટને ચિંતામાં રાખી શકશે. આવા સંજોગોમાં રોકાણકારોએ લમ્પસમ રકમને બદલે SIP કે STP મારફત રોકાણ કરવાનો અભિગમ રાખવો જોઈશે. ઇક્વિટી ફોકસ્ડ રોકાણ લાર્જ, મિડ અને સ્મૉલ કૅપ્સ સહિત ETFમાં અથવા ઇન્ડેક્સ ફન્ડ્સમાં રાખવું જોઈશે. કરેક્શન માટે ચોક્કસ રોકડ હાથ પર રાખવાની જેથી સમય પર ખરીદી થઈ શકે. ઍસેટ અલોકેશન યોગ્ય પ્રમાણમાં કરવું રહ્યું. મોટા ભાગે જે સેક્ટર બુલિશ કે આશાસ્પદ રહેશે એમાં બૅન્કિંગ-ફાઇનૅન્સ, સર્વિસ, IT, કન્ઝમ્પશન, ઑટો અને મેટલ્સ સેક્ટરનો સમાવેશ થશે. ૨૦૨૫માં મલ્ટિ ઍસેટ અલોકેશન ફન્ડ્સ સૌથી વધુ લાભ આપનાર સાબિત થયાં છે જેનો યશ મુખ્યત્વે ગોલ્ડ-સિલ્વરને જાય છે.

આ વર્ષે પણ સોના-ચાંદીની બોલબાલા

આ વર્ષે પણ શૅરબજારને એક ચિંતા બુલિયનના ટ્રેન્ડની રહેશે. ૨૦૨૬માં પણ સોના-ચાંદીની બોલબાલા રહેવાની શક્યતા છે. મોટા ભાગના એક્સપર્ટનો મત છે કે ૨૦૨૬માં પણ સોના-ચાંદી સ્ટૉક માર્કેટ કરતાં વધુ વળતર આપશે. વર્તમાન સંકેતો મુજબ શૅરબજારના રોકાણકારો અમુક અંશે હાલ એના ભાવો ઊંચા થઈ ગયા હોવા છતાં સોના-ચાંદી તરફ ડાઇવર્ટ થઈ શકે છે.

અલબત્ત, હાઈ વૅલ્યુએશનની ચિંતા શૅરો માટે પણ છે. એમ છતાં સોના-ચાંદી માટે એક હકીકત એ પણ યાદ રાખવી જોઈશે કે એના ભાવો ડિમાન્ડ-સપ્લાયના તેમ જ વૈશ્વિક સંજોગોને આધારે વધે-ઘટે છે. શૅરબજારના વધઘટના ઘણા માપદંડ છે. એથી સોના-ચાંદીમાં ક્યાંક અણધાર્યા કડાકાની સંભાવના પણ દર્શાવાતી રહે છે.

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત

GST દરોના ઘટાડા બાદ દેશમાં માગ વધી અને એને પગલે ઉત્પાદન પણ વધ્યું છે. નવેમ્બરમાં ૬.૭ ટકા વધેલું ઉત્પાદન છેલ્લાં બે વર્ષમાં ઊંચું રહ્યું છે.  

છેલ્લાં ત્રણેક વર્ષથી અમેરિકનસ્ટૉક માર્કેટ તેજીમય રહ્યું છે. ૨૦૨૬માં પણ બુલિશ રહેવાની ધારણા મુકાઈ છે. ઑક્ટોબર ૨૦૨૨ના નીચા લેવલથી લઈને અત્યાર સુધીમાં એસ એન્ડ પી-૫૦૦

ઇન્ડેક્સ ૯૦ ટકા ઉપર ગયો છે.  જોકે AIનો ફુગ્ગો ફૂટવાનો ભય વ્યક્ત થતો રહ્યો છે.

SEBI તરફથી IPOના ​ક્લિયરન્સનો દોર સતત ચાલુ છે જેથી ૨૦૨૬માં પણ ઢગલાબંધ IPO કતારમાં રહેવાના છે.

વિશેષ ટિપ

કહેવાય છે કે શૅરબજારમાં માત્ર બુ​દ્ધિને ઉત્તમ વળતર મળતું નથી, પરંતુ ધીરજને મળે છે. ઘણી વાર આ બજારમાં ઉતાવળિયા લોકોનાં નાણાં ધીરજવાનો લઈ જાય છે.

Whatsapp-channel Whatsapp-channel

05 January, 2026 09:42 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK