Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > નવું મૂડીરોકાણ આર્થિક રીકવરી માટેનો ગુરુમંત્ર છે

નવું મૂડીરોકાણ આર્થિક રીકવરી માટેનો ગુરુમંત્ર છે

Published : 09 November, 2020 02:57 PM | IST | Mumbai
Jitendra Sanghavi

નવું મૂડીરોકાણ આર્થિક રીકવરી માટેનો ગુરુમંત્ર છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિવાળીના તહેવારને ટાંકણે અર્થતંત્રને મહામારીના પડેલા મારમાંથી કળ વળતી જતી હોવાના વધુને વધુ નક્કર પુરાવા મળતા જાય છે. માગમાં પણ વધારો થઈ રહ્યો છે એટલે પ્રજાની સામાન્ય અને મધ્યમ વર્ગની દિવાળી થોડેઘણે અંશે સુધરશે એમ માની શકાય.
ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ચમક આવતી જાય છે. ઉત્પાદન ક્ષેત્રના પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઇ) ઑક્ટૉબર મહિનાનો ૫૮.૯નો આંક (સપ્ટેમ્બરનો આંક ૫૬.૮) ૧૦ વરસનો સૌથી ઊંચો આંક છે.
જીએસટીની આવક ઑક્ટોબર મહિને છેલ્લા આઠ મહિનામાં પ્રથમ વાર એક લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ છે. આ આવક સતત ત્રીજે મહિને વધતી રહી છે એટલું જ નહીં તે દેશવ્યાપી લૉકડાઉન પહેલાંના ફેબ્રુઆરી મહિનાની લગોલગ પહોંચી છે (ફેબ્રુઆરીની ૧૦,૫૩૬૬ કરોડની સરખામણીએ ૧૦,૫૧૫૫ કરોડ રૂપિયા). કોવિડ-19 પહેલાં પણ એક લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચવાનું અતિ મુશ્કેલ હતું.
ઈ-વે બિલ્સ (માલસામાનની હેરાફેરી માટેની ઇલેકટ્રોનિક પરમિટ)ની ૬૪૧ લાખની સંખ્યા ઑક્ટોબર મહિને આગલા મહિના કરતાં ૧૧ ટકાનો અને ઑક્ટોબર ૨૦૧૯ કરતાં ૨૧ ટકાનો વધારો દર્શાવે છે. એટલું જ નહીં, આ આંકડો ઈ-વે બિલ્સની સિસ્ટમ અમલમાં આવ્યાનાં બે વર્ષનો સૌથી મોટો આંક છે.
ઉત્પાદન ક્ષેત્રની વધતીજતી પ્રવૃત્તિઓ સાથે સેવાના ક્ષેત્રે પણ સારો પ્રતિસાદ મળ્યો છે. મોલ્સ, રેસ્ટોરાં અને હોટેલ્સ લૉકડાઉન પછી ફરી વાર ખુલ્લાં મુકાયાં હોવાને કારણે સેવાક્ષેત્ર માટેના પીએમઆઇ ઇન્ડેક્સમાં ઑક્ટોબર મહિને છેલ્લા આઠ મહિનામાં પહેલીવાર વધારો નોંધાયો છે. એટલું જ નહીં તેણે ૫૦નો આંક ઓળંગ્યો છે (સપ્ટેમ્બરના ૪૯.૮માંથી ૫૪.૧) જે આ ક્ષેત્રનું વિસ્તરણ દર્શાવે છે. સેવાઓના વિસ્તરણને કારણે સેવાઓ માટેની ઇન્પુટ કિંમતોમાં પણ થોડો વધારો નોંધાયો છે.
આમ ઉત્પાદન અને સેવા બન્ને ક્ષેત્રના સારા એવા સુધારાને કારણે આર્થિક રીકવરી ઝડપી બનવાની સંભાવના વધી છે. જેનું પ્રતિબિંબ વીજળીની વપરાશમાં, રેલ મારફત કરાતી માલસામાનની હેરાફેરીમાં પણ પડશે. કૃષિ ક્ષેત્રના સારા દેખાવને કારણે સામાન્ય માગમાં તો વધારો થશે જ, ઉપરાંત ઑટોમોબાઇલ માટેની માગ પણ વધશે.
જોકે સપ્ટેમ્બર મહિને આપણી નિકાસમાં થયેલા વધારા પછી ઑક્ટોબર મહિને તેમાં ૫.૪ ટકાનો ઘટાડો થયો છે. ૧૧.૬ ટકાના ઘટાડા સાથે આયાતનો ઘટાડો (સપ્ટેમ્બરમાં ૧૯.૬ ટકાનો ઘટાડો) ઑક્ટોબર મહિને ચાલુ રહ્યો છે. આ ઘટાડાનો દર ઓછો થયો છે એ ખરું.
ઑક્ટોબર મહિને નિકાસ આગલા મહિના કરતાં પણ અને આગલા વરસ કરતાં પણ ઘટી છે. એટલે રીકવરીએ જે હજી જોઈએ એવી ઝડપ પકડી નથી. નિકાસનો ઘટાડો આંશિક રીતે યુરોપિયન દેશોમાં અને અમેરિકામાં કોવિદ-19ના બીજાં મોજાંને કારણે (કેટલાક દેશોમાં અમલમાં આવેલ લૉકડાઉનને કારણે તેને લીધે ઘટતી જતી આર્થિક પ્રવૃત્તિઓને કારણે) હોઈ શકે. વિશ્વ વેપાર આવતા થોડા મહિનાઓમાં ધીમો પડે તો ભારત માટે તેની નિકાસ વધારવાનું કામ સામા પ્રવાહે તરવા જેવું થાય.
બીજી તરફ સતત ઘટતી જતી ક્રૂડ ઑઇલ અને સોના સિવાયની આયાત દેશમાં નબળી માગનું સૂચન કરે છે.
નિકાસના ઘટાડામાં કન્ટેઇનરની અછત, નિકાસ પરના ઊંચા ફ્રેઇટ (નૂર)ના દર તથા દેશના કેટલાંક રાજ્યોમાં કેન્દ્ર સરકારના કૃષિ ક્ષેત્રના સુધારાઓના વિરોધમાં યોજાયેલ કિસાનોના આંદોલનોએ પણ ભાગ ભજવ્યો હોય.
આ બધા વચ્ચે પાક-પાણી માટેના છેલ્લાં બે વર્ષના સારા દેખાવને કારણે અનાજ અને અન્ય ખાદ્યચીજોની નિકાસ વધી રહી છે. નિકાસ માટેના રાષ્ટ્રીય સ્તરનાં સંગઠનો અને સરકારે સાથે મળીને આપણી ખાદ્યપદાર્થોની નિકાસ કેમ વધે અને ભારતની વિશ્વના અનાજ ભંડાર તરીકે ગણના થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. આમ પણ અત્યારે સરકારી ગોડાઉનો (ફુડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા)માં ઘઉં-ચોખાનો જથ્થો જાહેર વિતરણ વ્યવસ્થા માટે જરૂરી એવા જથ્થા કરતાં ઘણો મોટો પડ્યો છે. તેનો ઉપયોગ આંશિક રીતે નિકાસ વધારવામાં અને આંશિક રીતે ગરીબીની રેખા હેઠળ જીવતા લોકોને વધારાનું અનાજ પૂરું પાડી છેવાડાના વર્ગને બે ટંક ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
સરકારે અગાઉ જાહેર કરેલ રાહતના પૅકેજમાં આવી સહાયનો સમાવેશ કર્યો જ છે. જૂન ક્વૉર્ટરમાં વિશ્વ વેપારમાં ૨૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો પણ (વૉલ્યુમ પ્રમાણે) ૨૦૨૦માં ૯ ટકાના ઘટાડાનો અંદાજ મુકાયો છે. આપણી નિકાસનો ઘટાડો કોરોના-મહામારી પછીનો જ નથી. જૂન ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૨૦ના ૧૬ મહિનામાંથી ૧૪ મહિના આપણી નિકાસે ઘટાડો નોંધાવ્યો છે જે માગના વિશ્વવ્યાપી ઘટાડા ભણી અંગુલીનિર્દેશ કરે છે.
નોમુરા ઇન્ડિયા બિઝનેસ રિઝમ્પશન ઇન્ડેક્સ હોય, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા વાર્ષિક કૉમ્પોઝિટ ઇન્ડેક્સ હોય કે એનસીએઇઆરનો બિઝનેસ સેન્ટિમેન્ટ ઇન્ડેકસ હોય, બધા જ ઇન્ડેક્સ આર્થિક રીકવરીની વધતી ઝડપનું સૂચન કરે છે.
નાણાપ્રધાને પણ આર્થિક રીકવરીના કૉન્સોલિડેશનની વાત કરી છે. તે માટે ૨૦૨૧-૨૨ના અંદાજપત્રમાં માળખાકીય સવલતો સુધારવા પર અને આર્થિક સુધારાઓ પર ભાર મૂકવાની સરકારની વિચારણાની વાત કરી છે, પણ તે તો હજી ત્રણ મહિનાની રાહ જોવાની વાત થઈ.
આઇએમએફનાં ચીફ ઇકૉનૉમિસ્ટ ગીતા ગોપીનાથે રીકવરીને મજબૂત અને ઝડપી બનાવવા માટે ફિસ્કલ રાહતના પૅકેજનું સૂચન કર્યું છે. આ સ્ટિમ્યુલસ દ્વારા દેશમાં સ્વાસ્થ્ય માટેની સુવિધાઓ અને સગવડો વધારવાની પર્યાવરણના રક્ષણ માટેની અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ માટેની માળખાકીય સવલતો વધુને વધુ પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે માટેનું રોકાણ વધારવાની વાત કરી છે. વિશ્વની લિક્વિડિટીના સંદર્ભમાં મોનેટરી પૉલિસી મર્યાદિત ભાગ ભજવી શકે. અત્યાર સુધી રિઝર્વ બૅન્કે આર્થિક રીકવરી માટે પણ ઘણાંબધાં પગલાં લીધાં હોઈ હવે સરકારે તેના પક્ષે આગળ આવી મહત્ત્વનો ભાગ ભજવવો જોઈએ.
આ બધા ગ્રીન શૂટ્સ (આર્થિક પેરામિટર્સના સુધરતા જતા આંકડાઓ) વચ્ચે રોજગારીના આંકડાનો સુધારો ઉત્સાહ પ્રેરે તેવો નથી. પે-રોલ નંબરમાં સતત સાતમે મહિને ઘટાડો નોંધાયો છે.
કંપનીઓ અને સ્ટાર્ટ-અપ્સ દ્વારા ઑફર કરાતાં વાઇટ-કૉલર જોબ્સ વધી રહી છે. આ વર્ગની મકાન ખરીદવા માટેની માગ વધે તો તે થકી ઓછી સ્કીલવાળા (કન્સ્ટ્રક્શન મજૂરો) તથા અન્ય બ્લૂ-કૉલર જોબ માટેની તકો પણ ઊજળી બને. મોટા પ્રમાણમાં શ્રમબળની ઉપલબ્ધિને કારણે વિદેશોમાં થતાં ઉત્પાદન કે સેવાઓ ભારતમાં સ્થાપિત કરીને આપણા દેશમાં નવી રોજગારી (સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ) ઊભી કરી શકાય.
આ સંદર્ભમાં તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા મોટા પ્રમાણમાં સામાજિક અને ભૌતિક માળખાકીય સવલતો માટેના મૂડીરોકાણની
જરૂર છે.


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2020 02:57 PM IST | Mumbai | Jitendra Sanghavi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK