બ્રિટન અને જપાનની સેન્ટ્રલ બૅન્કે ટ્રેડવૉરની અનિશ્ચિતતા વધી રહી હોવાથી ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખ્યા
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન ડૉલરની મજબૂતીથી સતત વધી રહેલા સોનામાં ઊંચા મથાળે પ્રૉફિટ-બુકિંગ વધતાં ઘટાડો જોવા મળ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું ૩૦૨૦.૩૦ ડૉલર અને ચાંદી ૩૨.૮૮ ડૉલર સુધી ઘટ્યાં હતાં
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૩૭ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૭૭૨ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં ચાંદી સતત ત્રીજે દિવસે ઘટી હતી જે છેલ્લા ત્રણ દિવસમાં ૨૭૮૦ રૂપિયા ઘટી હતી.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ફેડ ચૅરમૅન પૉવેલે ૨૦૨૫માં બે વખત રેટ-કટની જાહેરાત કરી હતી, પણ એની સાથે હાલ રેટ-કટની કોઈ ઉતાવળ ન હોવાની કમેન્ટ કરતાં ડૉલર ઇન્ડેક્સ ૧૦૪.૧૫ પૉઇન્ટ સુધી વધ્યો હતો. વળી બૅન્ક ઑફ જપાને અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખતાં આ બન્ને કરન્સી સામે ડૉલર મજબૂત બન્યો હતો.
જપાનનું હેડલાઇન ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં ઘટીને ૩.૭ ટકા રહ્યુ હતું જે જાન્યુઆરીમાં બે વર્ષની ઊંચાઈએ ચાર ટકા હતું, જયારે કોર ઇન્ફ્લેશન પણ ઘટીને ત્રણ ટકા રહ્યું હતું જે જાન્યુઆરીમાં ૧૯ મહિનાની ઊંચાઈએ ૩.૨ ટકા હતું. ઇન્ફ્લેશન ઘટતાં બૅન્ક ઑફ જપાનને ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટે અનુકૂળતા વધી હતી.
બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે પૉલિસી મીટિંગમાં બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૪.૫ ટકાએ જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. ટ્રમ્પ દ્વારા ટૅરિફવધારો સતત આગળ વધી રહ્યો હોવાથી ઇન્ફ્લેશન વધવાની અને ઇકૉનૉમિક કન્ડિશન બગડવાની ધારણાએ બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે સાવચેતીભર્યો અભિગમ દાખવ્યો હતો. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે જુલાઈથી ફેબ્રુઆરી સુધીમાં ત્રણ વખત ઇન્ટેરસ્ટ રેટ ઘટાડીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૫.૨૫ ટકાથી ઘટાડીને ૪.૫૦ ટકાએ પહોંચાડ્યા હતા.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધસમાપ્તિ માટે ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા બાદ તનતોડ મહેનત કરી રહ્યા છે, પણ ટ્રમ્પનાં દરેક પાસાં ઊલટાં પડી રહ્યાં છે. બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા યુક્રેનને મળતી મિલિટરી સહાય ટ્રમ્પે બંધ કરી દેતાં યુક્રેન શરણે થશે એવી ધારણા પણ હવે ખોટી સાબિત થવા જઈ રહી છે, કારણ કે યુરોપિયન યુનિયને યુક્રેનને મિલિટરી સહાય કરવાનો નિર્ણય લઈને રશિયા પરનાં નિયંત્રણો પણ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. યુરોપિયન યુનિયનની મિલિટરી સહાય મળતાં યુક્રેને અમેરિકા સાથે રેરઅર્થ મેટલના સમજૂતી-કરાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધસમાપ્તિની સમજૂતી પણ પડી ભાંગી હોવાથી ઇઝરાયલે હમાસ પર નવેસરથી અટૅક ચાલુ કરી દીધો છે.
ટ્રમ્પે ઈરાનની ક્રૂડ તેલની નિકાસને ઝીરો કરવાનું અભિયાન ચાલુ કરતાં ઈરાન યમનના હૂતી આતંકવાદીઓને ઉશ્કેરીને રેડ સી એરિયામાં પસાર થતી અમેરિકાની સ્ટીમરોને નિશાન બનાવતાં અમેરિકા ભડક્યું હતું અને હૂતી આતંકવાદીઓ પર અમેરિકાએ અટૅક ચાલુ કરતાં એક સમયે યુદ્ધનો માહોલ શાંત પડતો દેખાતો હતો એ ફરી આક્રમક બનતો જોવા મળી રહ્યો હોવાથી સોનાને જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ લાંબા સમય સુધી મળતો રહેવાનું દેખાય છે.
ભાવતાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૮,૧૬૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૭,૮૧૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૭,૬૨૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

