વૉર્મ-અપમાં બંગલાદેશ સામે પરાજિત ભારત અને ઑસ્ટ્રેલિયા સામે હારનાર સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો
Women`s Under 19 T20 World Cup
કેપ ટાઉનમાં ગર્લ્સ અન્ડર-૧૯ ટી૨૦ વર્લ્ડ કપની ૧૬ ટીમની કૅપ્ટનોએ ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો. શેફાલી વર્મા (ડાબેથી સાતમી) ભારતનું નેતૃત્વ સંભાળશે. તસવીર પી.ટી.આઈ.
મહિલાઓનો સૌથી પહેલો આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૦૯માં રમાયા બાદ ૧૪ વર્ષ પછી હવે અન્ડર-19 ગર્લ્સનો સૌથી પહેલો ટી૨૦ વિશ્વકપ યોજાઈ રહ્યો છે. સાઉથ આફ્રિકામાં આવતી કાલે ભારતની પહેલી મૅચ (ભારતીય સમય મુજબ સાંજે ૫.૧૫ વાગ્યાથી) યજમાન સાઉથ આફ્રિકા સામે રમાવાની છે.
આ સૌપ્રથમ વર્લ્ડ કપમાં બેનોની શહેરમાં પહેલી મૅચ (બપોરે ૧.૩૦ વાગ્યાથી) ઑસ્ટ્રેલિયા અને બંગલાદેશની અન્ડર-19 ગર્લ્સ ટીમ વચ્ચે અને બીજી મૅચ (બપોરે ૧.૩૦ વાગ્યાથી) બેનોની ‘બી’ ગ્રાઉન્ડમાં સ્કૉટલૅન્ડ અને યુએઈ વચ્ચે રમાશે અને ત્યાર પછી બેનોનીના મુખ્ય ગ્રાઉન્ડ પર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મુકાબલો થશે.
ADVERTISEMENT
‘મિડ-ડે’ની સ્ટાર હર્લી ભારતીય ટીમમાં
‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ૨૦૨૨ની સીઝનની સુપરસ્ટાર અને પેસ બોલિંગ ઑલરાઉન્ડર હર્લી ગાલા ભારતીય ટીમમાં છે.
કોણ કયા ગ્રુપમાં?
કુલ ૧૬ દેશ આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. ભારત ગ્રુપ ‘ડી’માં સાઉથ આફ્રિકા, સ્કૉટલૅન્ડ, યુએઈ સાથે છે. ગ્રુપ ‘એ’માં ઑસ્ટ્રેલિયા, બંગલાદેશ, શ્રીલંકા, અમેરિકા તથા ગ્રુપ ‘બી’માં પાકિસ્તાન, ઇંગ્લૅન્ડ, રવાન્ડા, ઝિમ્બાબ્વે અને ગ્રુપ ‘સી’માં ઇન્ડોનેશિયા, આયરલૅન્ડ, ન્યુ ઝીલૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ છે.
ટુર્નામેન્ટનું ફૉર્મેટ કેવું છે?
ચાર ગ્રુપમાં જે ચાર-ચાર ટીમ છે એ પોતાના જ ગ્રુપની દરેક ટીમ સામે એક મૅચ રમશે. પ્રત્યેક ગ્રુપની ટોચની ત્રણ ટીમ સુપર સિક્સ લીગમાં જશે. સુપર સિક્સનાં બે ગ્રુપ પડશે. ગ્રુપ ‘એ’ની ટોચની ત્રણ ટીમ ગ્રુપ ‘ડી’માંથી આવનારી ત્રણ ટીમમાંથી બે ટીમ સામે એક-એક મૅચ રમશે. એ જ રીતે ગ્રુપ ‘ડી’માંથી આવનારી ત્રણ ટીમની (પ્રત્યેકની) ગ્રુપ ‘એ’ની બે ટીમ સામે એક-એક મૅચ રમાશે. એ જ પ્રમાણે ગ્રુપ ‘બી’ અને ગ્રુપ ‘સી’ની ટોચની ત્રણ-ત્રણ ટીમનો બીજા ગ્રુપમાં સમાવેશ થશે અને આ ટીમો હરીફ ગ્રુપમાંથી આવેલી બે ટીમ સામે એક-એક મૅચ રમશે. ટૂંકમાં, સુપર સિક્સનાં બેઉ ગ્રુપમાં કુલ ૬ મૅચ રમાશે અને એમાં ટોચનાં બે-બે સ્થાને આવનાર ટીમો સેમી ફાઇનલમાં જશે.
શેફાલી ભારતની કૅપ્ટન : હર્લી ગાલા પણ ટીમમાં
શેફાલી વર્મા (કૅપ્ટન), શ્વેતા સેહરાવત (વાઇસ-કૅપ્ટન), રિશિતા બાસુ, પાર્શ્વી ચોપડા, હર્લી ગાલા, રિચા ઘોષ (વિકેટકીપર), અર્ચનાદેવી, ફલક નાઝ, મન્નત કશ્યપ, સોનિયા મેંઢિયા, તીતાસ સાધુ, શબનમ એમડી, સૌમ્યા તિવારી, ગોંગડી ત્રિશા અને સોનમ યાદવ.