ન્યુ ઝીલૅન્ડની ટૂર માટે મોટા ફેરફાર
મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી અને હારિસ રઉફ
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં એક પણ મૅચ જીત્યા વગર આઉટ થયેલી યજમાન પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં મોટા ફેરફાર શરૂ થઈ ગયા છે. ૧૬ માર્ચથી પાંચ એપ્રિલ વચ્ચે પાકિસ્તાન પાંચ T20 અને ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમવા માટે ન્યુ ઝીલૅન્ડ જશે. આ ટૂર માટે ગઈ કાલે પાકિસ્તાન ટીમની જાહેરાત કરવામાં આવી હતી.
આ સ્ક્વૉડના મોટા ફેરફારની વાત કરીએ તો લિમિટેડ ઓવર્સના કૅપ્ટન મોહમ્મદ રિઝવાન અને સ્ટાર બૅટર બાબર આઝમને T20 ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. જોકે તેમને વન-ડે ટીમમાં જાળવી રાખવામાં આવ્યા છે. રિઝવાનના સ્થાને વાઇસ-કૅપ્ટન સલમાન અલી આગાને T20ની કૅપ્ટન્સી સોંપવામાં આવી છે. T20 ટીમમાં વાપસી કરનાર ઑલરાઉન્ડર શાદાબ ખાનને
વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
T20 ટીમમાં સ્થાન જાળવી રાખનાર ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી અને હારિસ રઉફને વન-ડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. સ્ટાર બૅટર સઉદ શકીલ અને કામરાન ગુલામને આ ટૂર માટે પાકિસ્તાની ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા છે. પાકિસ્તાન હજી પણ તેમના ઓપનર સૈમ અયુબ વિના રમશે જે હજી સુધી પગની ઘૂંટીની ઇન્જરીમાંથી સ્વસ્થ થયો નથી. ચૅમ્પિયન્સ ટ્રોફીની પહેલી મૅચમાં થયેલી ઇન્જરીને કારણે ઓપનર ફખર ઝમાન પણ આ ટૂરમાંથી બહાર થયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને સિલેક્ટર આકિબ જાવેદને આ ટૂરના અંત સુધી કાર્યકારી હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળવાનું કહેવામાં આવ્યું છે. પાકિસ્તાન બોર્ડે નવા હેડ કોચને શોધવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

