ઝિમ્બાબ્વેની છેલ્લી ચારેય બૅટરને ચાર બૉલમાં કરી આઉટ : પૂર્વ આફ્રિકાના દેશે મેળવ્યો ઐતિહાસિક વિજય
હર્લી ગાલા
પૂર્વ આફ્રિકાની સીમ બોલર હેન્રિએટ ઇશિમ્વે (૩.૪-૦-૧૩-૪)એ ગઈ કાલે મહિલા ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો હતો. તેણે સાઉથ આફ્રિકાના પૉશેફ્સસ્ટ્રુમ શહેરમાં ગર્લ્સ અન્ડર-19 ટી૨૦ વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામેની મૅચમાં ચાર બૉલમાં ચાર વિકેટ લીધી હતી. છેલ્લી ચારેય વિકેટ ઇશિમ્વેએ લીધી હતી. તેણે કુડ્ઝાઈ (૦, ૧ બૉલ), ઑલિન્ડર (૦, ૧ બૉલ), શિપો (૦, ૧ બૉલ) અને ફેઇથ (૦, ૧ બૉલ)માંથી ત્રણને ક્લીન બોલ્ડ કરી હતી અને ચોથી બૅટરને એલબીડબ્લ્યુમાં પૅવિલિયન ભેગી કરી દીધી હતી. રવાન્ડાએ ૮ બૉલ બાકી રાખીને વિજય મેળવ્યો હતો.
ઇશિમ્વેએ મૅચ પછી cricinfo.comને મુલાકાતમાં કહ્યું કે ‘મારા ચારેય બૉલ યૉર્કર હતા. મેં મૅચ પહેલાં યૉર્કરની ખૂબ પ્રૅક્ટિસ કરી હતી અને એને જ મેં શસ્ત્ર બનાવ્યું અને એમાં હું સફળ થઈ.’
ઇશિમ્વેની આ વિરલ સિદ્ધિ કદાચ રવાન્ડાના કોચ લીઓનાર્ડને થોડી ખૂંચી હશે, કારણ કે લીઓનાર્ડ ઝિમ્બાબ્વેના છે.
ADVERTISEMENT
રવાન્ડાએ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૧૯ રન બનાવ્યા એના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ ૮૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને રવાન્ડાની ટીમ ૩૯ રનથી જીતી ગઈ હતી. ક્રિકેટના વર્લ્ડ કપમાં રવાન્ડાનો આ પહેલો વિજય હતો.
વર્લ્ડ કપમાં બે દિવસમાં બે હૅટ-ટ્રિકર
વાન્ડાની પેસ બોલર ઇશિમ્વેએ ગઈ કાલે ઝિમ્બાબ્વે સામે સતત ચોથા બૉલમાં ચોથી વિકેટ લીધી એના આગલા બૉલમાં તેના નામે હૅટ-ટ્રિક નોંધાઈ હતી. જોકે વર્તમાન ગર્લ્સ વર્લ્ડ કપની આ બીજા દિવસની બીજી હૅટ-ટ્રિક હતી. સોમવારે યજમાન સાઉથ આફ્રિકાની મૅડિસન લૅન્ડ્સમને સ્કૉટલૅન્ડ સામે હૅટ-ટ્રિક
લીધી હતી.
અન્ય મૅચોમાં શું બન્યું?
ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડે આયરલૅન્ડને ૯ વિકેટે, ઇંગ્લૅન્ડે પાકિસ્તાનને ૫૩ રનથી અને વેસ્ટ ઇન્ડીઝે ઇન્ડોનેશિયાને ૭૭ રનથી હરાવ્યું હતું.
હર્લી ગાલાને ઈજા, વર્લ્ડ કપમાં નહીં રમે
પેસ બોલિંગ ઑલરાઉન્ડર હર્લી ગાલાને જમણા અંગૂઠામાં ઈજા થઈ હોવાથી અને તેણે ટાંકા લેવા પડ્યા હોવાથી અન્ડર-19 વર્લ્ડ કપમાં નહીં રમી શકે. તેના સ્થાને યશશ્રી સૉપ્પાધાન્ધીને ટીમમાં સ્થાન અપાયું છે.
ભારતની આજે સ્કૉટલૅન્ડ સામે મૅચ : સુપરસિક્સની એન્ટ્રી હાથવેંતમાં
ભારત ગ્રુપ ‘ડી’માં મોખરે છે. શેફાલી વર્માના સુકાનમાં ભારતીય અન્ડર-19 ટીમે પહેલી બન્ને મૅચ જીતી લીધી ત્યાર બાદ આજે ભારતની સ્કૉટલૅન્ડ સામે મૅચ (ભારતીય સમય મુજબ સાંજે ૫.૧૫ વાગ્યાથી) છે જે જીતીને ભારત સુપર-સિક્સ રાઉન્ડમાં પહોંચી શકશે. ભારતે યુએઈને ૧૨૨ રનથી અને સાઉથ આફ્રિકાને ૭ વિકેટે હરાવ્યું હતું.
મેન્સ ક્રિકેટમાં ૪ બોલરે ૪ બૉલમાં ૪ વિકેટ લીધી છે!
મેન્સ ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં અત્યાર સુધીમાં ૪ બોલર એક મૅચમાં સતત ૪ બૉલમાં ૪ વિકેટની સિદ્ધિ મેળવી ચૂક્યા છે ઃ (૧) રાશિદ ખાન, અફઘાનિસ્તાન, ૨૦૧૯માં આયરલૅન્ડ સામે; (૨) લસિથ મલિન્ગા, શ્રીલંકા, ૨૦૧૯માં ન્યુ ઝીલૅન્ડ સામે; (૩) કર્ટિસ કૅમ્ફર, આયરલૅન્ડ, ૨૦૨૧માં નેધરલૅન્ડ્સ સામે અને (૪) જેસન હોલ્ડર, વેસ્ટ ઇન્ડીઝ, ૨૦૨૨માં ઇંગ્લૅન્ડ સામે.

