મહેન્દ્રસિંહ ધોની કરીઅરની શરૂઆતમાં લાંબા વાળ રાખતો હતો અને મેદાન પરના પર્ફોર્મન્સની સાથે લૉન્ગ હેરને લીધે પણ વધુ ફેમસ થયો હતો
મુશર્રફે ૨૦૦૬માં ધોનીને સલાહ આપેલી, ‘તું લૉન્ગ હેરમાં બહુ સારો દેખાય છે, હેરકટ કરાવતો જ નહીં’
ગઈ કાલે ૭૯ વર્ષની ઉંમરે અવસાન પામેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફ ક્રિકેટક્રેઝી હતા. મહેન્દ્રસિંહ ધોની કરીઅરની શરૂઆતમાં લાંબા વાળ રાખતો હતો અને મેદાન પરના પર્ફોર્મન્સની સાથે લૉન્ગ હેરને લીધે પણ વધુ ફેમસ થયો હતો. ૨૦૦૫-’૦૬માં ભારતીય ટીમ જ્યારે પાકિસ્તાનના પ્રવાસે ગઈ ત્યારે વન-ડે સિરીઝ ૪-૧થી જીતી લીધી હતી અને ખાસ કરીને છેલ્લી મૅચમાં ચોક્કા-છગ્ગાના વરસાદથી અણનમ ૭૭ રન બનાવીને ભારતની જીતમાં મોટું યોગદાન આપ્યું હતું. મુશર્રફ ઇનામ-વિતરણ સમારોહમાં મુખ્ય મહેમાન હતા અને તેમણે સ્પીચમાં ખાસ કરીને ધોનીની લૉન્ગ હેર બદલ પ્રશંસા કરતાં કહ્યું હતું કે ‘ધોનીને હું ભારતની જીતમાં મોટું યોગદાન આપવા બદલ અભિનંદન આપું છું. મેં સ્ટેડિયમમાં એક પોસ્ટર જોયું, જેમાં તને હેરકટ કરવાનું કહેવામાં આવ્યું હતું. જોકે તું જો મારું મંતવ્ય લેવા તૈયાર હોય તો મારે એટલું જ કહેવું છે કે તું આ લાંબા વાળમાં બહુ સારો દેખાય છે, હેરકટ નહીં કરાવતો.’ મુશર્રફની આ સુંદર સલાહ સાંભળીને ધોની સહિત બધા ખૂબ હસી પડ્યા હતા.