ભારત માટે ચાર ટેસ્ટ અને એક વન-ડે રમનાર ૫૧ વર્ષના આ ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં કર્ણાટક માટે ૨૦૨૩ રન બનાવીને ૩૬૫ વિકેટ લીધી છે
ડોડા ગણેશ
ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર ડોડા ગણેશને ૨૦૨૬ના T20 વર્લ્ડ કપ માટેના આફ્રિકા ક્વૉલિફાયર પહેલાં કેન્યાની ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ભારત માટે ચાર ટેસ્ટ અને એક વન-ડે રમનાર ૫૧ વર્ષના આ ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં કર્ણાટક માટે ૨૦૨૩ રન બનાવીને ૩૬૫ વિકેટ લીધી છે. વર્ષ ૧૯૯૬ અને ૨૦૧૧ વચ્ચે પાંચ વર્લ્ડ કપમાં ભાગ લેનાર કેન્યાના ગૌરવપૂર્ણ દિવસોને પાછા લાવવાનો મુશ્કેલ પડકાર હવે ડોડા ગણેશને મળ્યો છે.
કેન્યાની ક્રિકેટ ટીમે ૨૦૦૩માં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, એ વખતે એ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંદીપ પાટીલના કોચિંગ હેઠળ સાઉથ આફ્રિકામાં વન-ડે વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી હતી. કેન્યાએ માત્ર એક જ T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટે ક્વૉલિફાય કર્યું છે, જે ૨૦૦૭માં હતી. ત્યારથી કેન્યા ક્રિકેટનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે. આ ટીમ હવે સપ્ટેમ્બરમાં ૨૦૨૬ના T20 વર્લ્ડ કપ માટે આફ્રિકા ક્વૉલિફાયર રમશે.

