૧૯૩૬માં ક્લૅરી ગ્રિમેટ સર્વોચ્ચ બન્યા ત્યાર પછીના બોલર્સમાં ઍન્ડરસન સૌથી મોટી ઉંમરનો
ઍન્ડરસન નંબર-વન પર પહોંચેલો ઓલ્ડેસ્ટ બોલર
ઇંગ્લૅન્ડનો ૪૦ વર્ષ અને ૨૦૭ દિવસની ઉંમરનો ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસન ટેસ્ટના બોલર્સમાં નંબર-વન બન્યો છે. ૧૯૩૬માં ઑસ્ટ્રેલિયાના ક્લૅરી ગ્રિમેટ ટેસ્ટમાં સર્વોચ્ચ બોલર બન્યા ત્યારે ૪૫ વર્ષના હતા. ૧૮૯૧માં ન્યુ ઝીલૅન્ડમાં જન્મેલા લેગ-સ્પિનર ક્લૅરી ગ્રિમેટનું ૧૯૮૦માં ઍડીલેડમાં અવસાન થયું હતું.
ઍન્ડરસને નવા નંબર-વન ટેસ્ટ બોલર તરીકે પૅટ કમિન્સનું સ્થાન લીધું છે. ગયા અઠવાડિયે માઉન્ટ મૉન્ગનુઈમાં ન્યુ ઝીલૅન્ડ સામે ઇંગ્લૅન્ડે ૨૬૭ રનથી જે વિજય મેળવ્યો એ મૅચમાં ઍન્ડરસને કુલ ૭ વિકેટ લીધી હતી. ૧૭૮ ટેસ્ટમાં ૬૮૨ વિકેટ લઈ ચૂકેલો ઍન્ડરસન આ પહેલાં પાંચ વખત ટેસ્ટમાં નંબર-વન બોલર બન્યો હતો.
ટેસ્ટ રૅન્કિંગના ટોચના બોલર્સમાં ઍન્ડરસન પછી બીજા નંબરે આર. અશ્વિન અને ત્રીજા નંબરે પૅટ કમિન્સ છે. ટેસ્ટના ઑલરાઉન્ડર્સમાં રવીન્દ્ર જાડેજા પ્રથમ અને અશ્વિન બીજા નંબરે છે. બૅટિંગમાં ઑસ્ટ્રેલિયાનો માર્નસ લબુશેન મોખરે છે.
ટી૨૦માં શ્રીલંકાનો સ્પિનર વનિન્દુ હસરંગા નંબર વન થયો છે. તેણે અફઘાનિસ્તાનના રાશિદ ખાનનું સ્થાન લીધું છે.