ઓપનર સિમોન લૉરેન્સના ૬૧ રનની મદદથી સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટે ૧૬૬ રન બનાવ્યા હતા
શ્વેતા સેહરાવતની આક્રમક ઇનિંગ્સ : અન્ડર-19માં ભારતનો વિજયી પ્રારંભ
ગઈ કાલે ગર્લ્સ અન્ડર-19 વર્લ્ડ કપ ક્રિકેટની પહેલી મૅચમાં વાઇસ કૅપ્ટન શ્વેતા સેહરાવતના નૉટઆઉટ ૯૨ રનની મદદથી ભારતે બુહનોનીમાં રમાયેલી મૅચમાં યજમાન સાઉથ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હતું. સાઉથ આફ્રિકાએ આપેલા ૧૬૭ રનના લક્ષ્યાંકને ભારતે ત્રણ વિકેટ ગુમાવીને આંબ્યો હતો.
ઓપનર સિમોન લૉરેન્સના ૬૧ રનની મદદથી સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટે ૧૬૬ રન બનાવ્યા હતા. સોનમ યાદવે એલન્દ્રી જેન્સ વેન (૨૩ રન)ની વિકેટ લીધી હતી. મેડિસન લૅન્ડ્સમૅને પણ ૩૨ રન ફટકાર્યા હતા. કૅપ્ટન શેફાલી વર્માએ બે વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતની શરૂઆત પણ શાનદાર થઈ હતી. શેફાલી વર્મા (૪૫ રન) અને શ્વેતા સેહરાવત વચ્ચે ઓપનિંગ વિકેટ માટે ૭.૧ ઓવરમાં ૭૭ રનની પાર્ટનરશિપ થઈ હતી. શેફાલી વર્માએ છઠ્ઠી ઓવરમાં પાંચ ફોર અને એક સિક્સરની મદદથી કુલ ૨૬ રન લીધાં હતાં. શેફાલીની વિકેટ બાદ ઓપનર શ્વેતાએ કોઈ પણ જાતની મુશ્કેલી વગર લક્ષ્યાંકને પાર કર્યો હતો.