પ્રવાસીઓ ચિપ્સથી માંડીને અન્ય વસ્તુઓ પર તરાપ મારતા બગલા જેવાં પક્ષીઓથી ત્રાસી ગયા છે
બગલાઓને ડરાવવા યુકેના ઝૂએ બહાર પાડી સમડી જેવાં વસ્ત્રો પહેરવાની નોકરી
દુનિયામાં જાતજાતની નોકરીઓ હોય છે. ઇંગ્લૅન્ડના એક ઝૂએ તાજેતરમાં એક અનોખી નોકરીની જાહેરાત કરી છે, જેમાં વ્યક્તિએ આખો દિવસ માત્ર સમડી જેવાં વસ્ત્રો પહેરીને ફરવાનું છે. એને કારણે ઝૂની મુલાકાતે આવતા લોકો જ્યાં જમવા બેસે ત્યાં આવતાં દરિયાઈ પક્ષી (બગલા)ના ત્રાસથી બચાવી શકાય. પ્રવાસીઓ ચિપ્સથી માંડીને અન્ય વસ્તુઓ પર તરાપ મારતા બગલા જેવાં પક્ષીઓથી ત્રાસી ગયા છે. નોકરીની જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે ‘અમે દરેક પ્રાણીને પ્રેમ કરીએ છીએ, પરંતુ અમારા દરિયાકિનારે આવેલા રિસૉર્ટમાં બગલાઓનો ભારે ત્રાસ છે. તેઓ માત્ર અમારા પ્રવાસીઓને જ નહીં, અમારા ઝૂમાં રાખેલાં પ્રાણીઓનો ખોરાક પણ તફડાવી જાય છે.’ શરૂઆતમાં ‘બગલાથી સાવધાન રહો’ એવી સૂચના પણ ઝૂએ આપી હતી. વળી બગલાઓની આવી હરકતને કારણે નાનાં બાળકો બહુ ગભરાઈ જાય છે. ઝૂએ બનાવટી બાજ અને સમડીનાં પૂતળાં છત પર મૂક્યા હતાં, પણએ અસરકારક સાબિત ન થતાં આવી નોકરીની જાહેરાતનો રસ્તો અપનાવ્યો છે.


