ઉમરીમાં રહેતા કપિલ નામના યુવકના પિતા ઋષિપાલ થોડાં વર્ષો પહેલાં ગુજરી ગયા હતા
કપિલ નામના યુવકે તેની માને મારી નાખી
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ઉમરી ગામમાં એક દીકરાએ જમીનના ટુકડા માટે થઈને પોતાની જન્મદાતા માને લાકડીથી પીટી-પીટીને મારી નાખી હતી. ઉમરીમાં રહેતા કપિલ નામના યુવકના પિતા ઋષિપાલ થોડાં વર્ષો પહેલાં ગુજરી ગયા હતા. તેમના મૃત્યુ બાદ તેમના હિસ્સાની જમીન તેમની પત્ની સાવિત્રીના નામ પર થઈ ગઈ હતી. કપિલ ઇચ્છતો હતો કે માના નામની ૭ વીઘા જમીન વેચી નાખવી. જોકે મા એ માટે તૈયાર નહોતી. કપિલનાં લગ્ન થઈ ચૂક્યાં હતાં અને તેને પોતાના પરિવાર માટે પૈસાની જરૂર હતી. તે છેલ્લા થોડાક દિવસથી મા સાથે લડાઈ કરતો રહેતો હતો, પણ મા માનતી નહોતી. શુક્રવારે સાંજે આ જ મામલે બન્ને વચ્ચે ઝઘડો થયો. પાડોશીઓએ માંડ વચ્ચે પડીને ઝઘડો શાંત કરાવ્યો હતો. જોકે એ પછી પણ મોડી રાતે દીકરાએ ફરી માને જમીન વેચવા માટે દબાણ કર્યું તો માએ ના પાડી દેતાં કપિલને ગુસ્સો આવ્યો અને તેણે લાકડીથી મા પર હુમલો કરી દીધો. બે-ચાર વાર લાકડી માથા પર મારતાં સાવિત્રીદેવીનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. માની હત્યા કર્યા પછી દીકરો ત્યાં જ શબની બાજુમાં બેસી રહ્યો હતો. શનિવારે સવારે પાડોશીઓ ઘરે આવતાં ખબર પડી કે સાવિત્રીદેવી મૃત્યુ પામ્યાં છે. તેમણે પોલીસને સૂચના આપી અને પોલીસે કપિલને પકડી લીધો હતો.


