દરેક સ્વેટર પર વૈશ્વિક લૅન્ડમાર્કનું દૃશ્ય બનાવે છે અને એ જગ્યાએ જઈને ફોટો પડાવવવાનું પૅશન છે
સૅમ બાર્સ્કી
અમેરિકાના સૅમ બાર્સ્કી નામના ૪૬ વર્ષના ભાઈના જીવનમાં બે જ પૅશન મહત્ત્વનાં છે. એક તો દુનિયાભરમાં ટ્રાવેલ કરતા રહેવાનું અને બીજું છે જાતજાતનાં સ્વેટર ગૂંથવાનું. ભલે ગમેએટલાં સ્વેટર્સ ગમતાં હોય, વ્યક્તિ કેટલાં સ્વેટર ગૂંથે? જોકે સૅમભાઈએ પોતાના બન્ને પૅશનનું મસ્ત સંયોજન કર્યું છે. તેઓ દુનિયાના કોઈ પણ જાણીતા સ્થળે જાય કે જવાનું પ્લાન કરે એ પહેલાં જ જે-તે જગ્યાને સ્વેટરમાં ગૂંથવાનું શરૂ કરી દે. કોઈક નવા શહેરનો ચોક્કસ ઍન્ગલ ગમી જાય તો એ પણ તેઓ સ્વેટરમાં ઉમેરી દે. એને કારણે તેઓ જ્યાં પણ ફરવા જવાના હોય ત્યાંનું એક્સાઇટમેન્ટ અનેકગણું વધી જાય. છેલ્લાં ૧૮ વર્ષમાં સૅમભાઈએ ૧૫૦થી વધુ સ્વેટર્સ તૈયાર કર્યાં છે અને એ દરેક પર વિશ્વના કોઈક ને કોઈક લૅન્ડમાર્કનું દૃશ્ય બનાવ્યું છે.
એટલું જ નહીં, જ્યારે તેઓ એ લૅન્ડમાર્કની મુલાકાત લે ત્યારે ચોક્કસ ઍન્ગલમાં એ જગ્યા અને પોતાના સ્વેટર પર ગૂંથેલું દૃશ્ય મૅચ થાય એ રીતે ફોટોગ્રાફ પણ લે. તેમનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેમની સ્વેટર-આર્ટ અને ટ્રાવેલના એક્સ્પીરિયન્સથી ભરેલું પડ્યું છે.

