પોલીસે બાળકને પેરન્ટ્સ પાસેથી લઈને બાળસુધાર ગૃહમાં મૂક્યો છે. તેને રોજ બાંધી રાખવામાં આવતો હોવાથી તેના હાથ-પગ પર રસ્સીના ઘા બની ગયા છે.
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મહારાષ્ટ્રના નાગપુરમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. રોજ પર કામે જતાં એક માતા-પિતા તેમના ૧૨ વર્ષના દીકરાને ઘરમાં સાંકળથી બાંધીને જતાં હતાં. આ ઘટનાનો ખુલાસો છેક બીજી જાન્યુઆરીએ થયો હતો. મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ અને પોલીસને ગુપ્ત માહિતી મળી હતી. એના આધારે પોલીસ બીજી જાન્યુઆરીએ નાગપુરના ઘરે જઈ પહોંચી તો તે છોકરો એક બાલટી પર ઊભો હતો અને તેના હાથ અને પગમાં સાંકળ બાંધેલી હતી. લોકોનું કહેવું હતું કે ૧૨ વર્ષના આ દીકરાનાં માતા-પિતા રોજ સવારે ૯ વાગ્યે કામ કરવા નીકળી જતાં હતાં અને એ વખતે દીકરાને આમ સાંકળથી બાંધી રાખતાં હતાં. આખો દિવસ કામ કર્યા પછી પેરન્ટ્સ આવતા ત્યાં સુધી તેને આમ બાંધી રાખવામાં આવતો હતો. આ વિશે પેરન્ટ્સને પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું હતું કે દીકરાને મોબાઇલ ચોરવાની આદત હોવાથી તેને બાંધી રાખતા હતા. પોલીસે બાળકને પેરન્ટ્સ પાસેથી લઈને બાળસુધાર ગૃહમાં મૂક્યો છે. તેને રોજ બાંધી રાખવામાં આવતો હોવાથી તેના હાથ-પગ પર રસ્સીના ઘા બની ગયા છે.


