કેરલાના એક ગામમાં તો રીતસર કૂતરા પૂજાય છે. પરાસિની મંદિરમાં ધરાવાતો પ્રસાદ સૌથી પહેલાં કૂતરાને ખવડાવાય છે, પછી માણસને મળે છે.
અજબગજબ
પરાસિની મંદિર કેરલા
થોડા દિવસ પહેલાં સ્વર્ગે સિધાવેલા ઉદ્યોગપતિ અને મુઠ્ઠીઊંચેરા માનવી રતન તાતાનો છેલ્લો પ્રોજેક્ટ પશુ હૉસ્પિટલ શરૂ કરવાનો છે. તેમની દરેક કંપનીના પરિસરમાં શેરીશ્વાનો ગમે ત્યારે આવ-જા કરી શકે છે. આ તો તેમના શ્વાનપ્રેમને કારણે છે, પરંતુ કેરલાના એક ગામમાં તો રીતસર કૂતરા પૂજાય છે. પરાસિની મંદિરમાં ધરાવાતો પ્રસાદ સૌથી પહેલાં કૂતરાને ખવડાવાય છે, પછી માણસને મળે છે. કુન્નૂરથી ૧૫ કિલોમીટર દૂર અંથુર ગામ છે અને આ ગામમાં વલપટ્ટનમ નદીના કિનારે પરાસિની મંદિર છે. ભગવાન શ્રી મુથપ્પનનું પ્રિય પ્રાણી શ્વાન છે અને હંમેશાં તેમની સાથે એક શ્વાન રહેતો હોવાનું સ્થાનિક લોકો માને છે એટલે મંદિરના દ્વાર પાસે જ બે શ્વાનની કાંસાની પ્રતિમા મુકાઈ છે. શ્રી મુથપ્પનને ત્યાંના લોકો ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુનો અવતાર ગણે છે. શ્રી મુથપ્પનને છેવાડાના માનવીઓના મુક્તિદાતા તરીકે પણ ત્યાંના લોકો પૂજે છે. સ્થાનિક લોકો સહિત કેરલાના ઘણા લોકો અહીં શ્વાનની પૂજા કરવા આવે છે, પણ બીજાં રાજ્યોમાંથી પણ લોકો આવે છે. ચાલુ દિવસોમાં લગભગ રોજ ૯૦૦૦ અને શનિ-રવિની રજામાં ૨૫,૦૦૦ જેટલા લોકો અહીં આવતા હોવાનો અંદાજ છે.