વાયેગ્રાનો ઉપયોગ ગેરકાયદેસર હોવાથી આવા ચિત્રવિચિત્ર ઉપાયો કરવામાં આવે છે
Offbeat
કાચિંડાને મારીને બનાવાય છે તેલ
કામોત્તેજના વધારવા માટે લોકો જાત-જાતનાં ઔષધોનો ઉપયોગ કરતા હોય છે. વાયેગ્રાની દવા સૌથી વધુ અકસીર ગણવામાં આવે છે. આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં વાયગ્રા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે પરંતુ એના કારણે ત્યાં ઊંટવૈદ્યું કરનારાઓને બખ્ખાં થઈ ગયા છે. પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં કામોત્તેજક દવાઓના નામ પર કાચિંડાને મારીને ચરબીને મરચા અને વીંછીના તેલમાં નાખીને સાંડા તેલ નામક મિશ્રણ તૈયાર કરવામાં આવે છે જે કામોત્તેજના વધારે છે. જોકે આ મિશ્રણની અસરકારકતા વિશે કોઈ પણ જાતના પુરાવાઓ નથી તેમ છતાં લોકો એનો ઉપયોગ કરે છે. આ તેલનાં ચારથી પાંચ ટીપાં અસરકારક વિસ્તારમાં લગાવીને મસાજ કરવામાં આવતાં એ જાદુ જેવું કામ કરવાનો દાવો કરવામાં આવે છે. જોકે આવું તેલ બનાવવા માટે કાચિંડાઓનો મોટો પ્રમાણમાં શિકાર કરવામાં આવે છે. પંજાબ અને સિંધના ગ્રામ્ય વિસ્તારમાં એને પકડીને બજારમાં લાવવામાં આવે છે. એક વાર એ પકડાઈ જાય ત્યાર બાદ એની કમરને તોડી નાખવામાં આવે છે તેથી એ ભાગી શકતો નથી. પાકિસ્તાનમાં પરિવાર મોટો હોય એવી અપેક્ષા રાખવામાં આવે છે. વળી વાયેગ્રાનો ઉપયોગ ગેરકાયદેસર હોવાથી આવા ચિત્રવિચિત્ર ઉપાયો કરવામાં આવે છે.