રૉક મ્યુઝિકને નવો સૂર આપ્યો સ્ટોન વાયોલિને
સ્ટોન વાયોલિન
બ્લૅક બર્ડ એ એક અજોડ સ્ટોન વાયોલિન છે, જે સ્વીડિશ શિલ્પકાર લાર્સ વિડન ફોકે તૈયાર કર્યું છે.
લાર્સ વિડન ફોકને લગભગ ૧૯૮૦માં સ્ટોન વાયોલિન બનાવવાનો વિચાર સ્ફુર્યો હતો. જોકે વગાડી શકાય એવું વાયોલિન તૈયાર કરવા માટે જોઈતા કદનો પથ્થર મળવામાં ઘણો સમય વીતી ગયો હતો. છેક ૧૯૯૦માં તેને જોઈતો હતો એવો પથ્થર મળ્યો અને તેણે વાયોલિન બનાવવાની શરૂઆત કરી હતી. જોકે વાયોલિન તૈયાર થયા બાદ એના પાછલા હિસ્સાના કદનો પથ્થર પણ મળવાનો બાકી હતો, જે બે વર્ષના અંતે મળ્યા બાદ તેણે સ્ટોન વાયોલિનને પૂર્ણ કદનું બનાવ્યું હતું.
ADVERTISEMENT
લાર્સ વિડન ફોકે જણાવ્યું કે આ વાયોલિનને વગાડતાં ધરતીમાતાના પેટાળમાંથી આવતો સૂર સંભળાતો હોય એવું પ્રતીત થાય છે. માનવામાં ન આવે એવી વાત છે, પણ સ્ટોન વાયોલિન માટેનો પ્રથમ પથ્થર લાર્સ વિડન ફોકને તેના દાદાની કબરનો જ્યારે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ત્યારે મળ્યો હતો.
બીજો પથ્થર તેને સ્વીડનના પહાડમાંથી આશરે બે વર્ષની મહેનત બાદ મળ્યો હતો.
પથ્થરમાંથી તૈયાર કરાયેલા બ્લૅકબર્ડ વાયોલિનના સાઉન્ડ-બૉક્સનું વજન માત્ર ૪.૪ પાઉન્ડ એટલે કે લગભગ બે કિલો જેટલું હતું.
૧૯૯૨માં સ્ટોન વાયોલિન પૂર્ણ થયા બાદ એને સૌપ્રથમ સ્વીડિશ કમ્પોઝર સ્વેન ડેવિડ સ્ટેન્ડસ્ટૉર્મે સ્વીડિશ પૅવિલિયનમાં યોજાયેલા વર્લ્ડ એક્સ્પો ખાતે વગાડ્યું હતું. લાકડાના વાયોલિન કરતાં વજનદાર હોવા છતાં સ્ટોન વાયોલિનને હાથમાં લેતાં જ ધરતીમાતાને હાથમાં લીધાં હોય એવી અનુભૂતિ થાય છે એવું લાર્સ ફોકનું કહેવું છે.

