આજથી ૧૨ વર્ષ પહેલાં ન્યુ ઝીલૅન્ડના ડનેડીનમાં રહેતી લીનલી હૂડ નામક લેખિકા પુસ્તક વાંચતી હતી ત્યારે તેની ડાબા આંખમાં વિઝન ઝાંખું થઈ ગયું હતું
લીનલી હૂડ
એક દાયકા પહેલાં ગ્લૉકોમાને કારણે દૃષ્ટિ ગુમાવનાર ૮૦ વર્ષની મહિલાને પીઠના દુખાવાનો પ્લેસીબો સારવાર દરમ્યાન દૃષ્ટિ પાછી મેળવી હતી. આજથી ૧૨ વર્ષ પહેલાં ન્યુ ઝીલૅન્ડના ડનેડીનમાં રહેતી લીનલી હૂડ નામક લેખિકા પુસ્તક વાંચતી હતી ત્યારે તેની ડાબા આંખમાં વિઝન ઝાંખું થઈ ગયું હતું. તેને લાગ્યું કે થાકને કારણે આમ થયું હશે પરંતુ બીજા દિવસે પણ તકલીફ દૂર થઈ નહોતી. ગ્લૉકોમાને કારણે આમ થયું હશે. ડૉક્ટરે કહ્યું હતું કે તેની સ્થિતિમાં સુધારો નહીં થાય, માત્ર એને આગળ વધતી અટકાવી શકશે. ગ્લૉકોમાને કારણે તે અંધ થઈ ગઈ હતી. જોકે એક દાયકા બાદ ચમત્કાર થયો અને લીનલી હૂડની દૃષ્ટિ પાછી આવી ગઈ હતી. ૨૦૨૦માં લીનલી હૂડ પડી ગઈ હતી, જેને કારણે તેના પેલ્વિસમાં ફ્રૅક્ચર થયું હતું. એના કારણે તેને પીઠનો દુખાવો થયો. ત્યાર બાદ તે યુનિવર્સિટી ઑફ ઓટાગોમાં ક્રૉનિક પેઇન ટ્રીટમેન્ટ સંશોધન પ્રોજેક્ટનો ભાગ બની હતી. તે પોતાના દુખાવાને દૂર કરવા માગતી હતી. એના માટે ઇલેક્ટ્રિક સ્ટિમ્યુલેશન ટ્રીટમેન્ટે કંઈક બીજો જ ફાયદો કરી આપ્યો. તેમને પ્રોજેક્ટ અંતર્ગત ઇલેક્ટ્રિક શૉક આપવામાં આવતો જેના માટે એક વિશિષ્ટ હેલ્મેટ પહેરવામાં આવતી, જેના કારણે માથાની ચામડીને કૃત્રિમ ઉત્તેજના આપવામાં આવતી. ૮૦ વર્ષની લીનલી હૂડ તો પ્લેસીબો જૂથમાં હતી. તેમને એ ખબર નહોતી. જોકે ચાર સપ્તાહના ઇલેક્ટ્રિક શૉકને કારણે તેની દૃષ્ટિની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ ગઈ હતી. લીનલી હૂડના આંખના ડૉક્ટરો પણ આ વાત માનવ તૈયાર નહોતા. તેમણે કહ્યું કે ‘વિજ્ઞાનમાં ચમત્કાર જેવો કોઈ શબ્દ નથી પરંતુ આને આકસ્મિક ચમત્કાર કહી શકાય.’


