નૉર્ધર્ન રાતા દક્ષિણ દ્વીપના પશ્ચિમ કિનારે કારામેઆ નજીક આવેલા એક મેદાનમાં એકલું ઊભું છે.
નૉર્ધર્ન રાતા (મેટ્રોસિડેરોસ રોબસ્ટા) વૃક્ષ
ન્યુ ઝીલૅન્ડમાં ‘ટ્રી ઑફ ધ યર’ બનેલું નૉર્ધર્ન રાતા (મેટ્રોસિડેરોસ રોબસ્ટા) વૃક્ષ કોઈ અજાયબીથી કમ નથી. આ વૃક્ષ વૉકિંગ ટ્રી તરીકે ઓળખાય છે, કેમ કે એનો દેખાવ કોઈ હાલતા-ચાલતા વૃક્ષ જેવો છે. આ વૉકિંગ ટ્રીની ઊંચાઈ ૧૦૫ ફીટ છે અને એ ઓછાંમાં ઓછાં ૧૫૦ વર્ષ જૂનું છે. નૉર્ધર્ન રાતા દક્ષિણ દ્વીપના પશ્ચિમ કિનારે કારામેઆ નજીક આવેલા એક મેદાનમાં એકલું ઊભું છે. આ મેદાન એક કબ્રસ્તાન પાસે છે. આ વૃક્ષ માત્ર દેખાવમાં નહીં, પણ જૈવિક રીતે પણ એક અજાયબી છે. એ ફૂલો ધરાવતી ન્યુ ઝીલૅન્ડના સૌથી ઊંચા વૃક્ષની પ્રજાતિઓમાંની એક છે, જે ૧૦૦૦ વર્ષ સુધી જીવી શકે છે. આ વૃક્ષનાં મૂળિયાં, લાંબી હાથ જેવી શાખાઓ તેમ જ બે પગ જેવા થડને કારણે એ ‘ધ લૉર્ડ ઑફ ધ રિંગ્સ’ના એન્ટ જેવું લાગે છે. એન્ટ એ વૃક્ષ જેવા જીવોની કાલ્પનિક જાતિ છે જે મધ્ય પૃથ્વીનાં જંગલોની રક્ષા કરે છે.


