પૅરિસના પ્રસંગ માટે સ્પેશ્યલ ડ્રેસ અને ઑલિમ્પિક્સની રિંગ્સવાળો દુપટ્ટો વીણાબહેને તૈયાર કરાવ્યો હતો
લાઇફમસાલા
નીતા અંબાણી, વીણા નાગડા
પૅરિસ ઑલિમ્પિક્સ દરમ્યાન ફ્રાન્સના પાટનગરમાં નીતા અંબાણીએ ભારતીય કળા, સંસ્કૃતિ અને વ્યંજનોનો દુનિયાભરના લોકોને પરિચય કરાવવા ઇન્ડિયા હાઉસ બનાવ્યું હતું. આ ઇન્ડિયા હાઉસમાં વિખ્યાત મેંદી-આર્ટિસ્ટ વીણા નાગડાએ પણ ૧૭ દિવસ પોતાની કળાનો પરચો દેખાડ્યો હતો.
વીણા નાગડાએ બૉલીવુડની હસ્તીઓના, મોટી-મોટી બિઝનેસ ફૅમિલીઓના વિવિધ પ્રસંગોમાં મેંદી મૂકી છે પણ ઑલિમ્પિક્સ વખતે પૅરિસ જઈને ત્યાં આવેલા જગતભરના લોકોને અને દેશવિદેશના ખેલાડીઓને મેંદી મૂકીને વીણાબહેને પોતાની યશકલગીમાં સોનેરી પીંછું ઉમેર્યું છે.
ADVERTISEMENT
પૅરિસના પ્રસંગ માટે સ્પેશ્યલ ડ્રેસ અને ઑલિમ્પિક્સની રિંગ્સવાળો દુપટ્ટો વીણાબહેને તૈયાર કરાવ્યો હતો. ઇન્ડિયા હાઉસમાં ૧૭ દિવસ સુધી સવારના ૧૧ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી નૉનસ્ટૉપ મેંદી મૂકી એના માટે ગર્વ અનુભવતાં વીણાબહેન કહે છે, ‘મેંદી મુકાવવા માટેની કૂપન મેળવવા રીતસર પડાપડી થતી હતી. વિવિધ દેશના લોકો મેંદી મુકાવવાનો અનુભવ લેવા હોડ લગાવતા હતા અને આઇફલ ટાવર, ઑલિમ્પિક રિંગ્સ, એલિફન્ટ, રોઝ, લોટસ, પીકૉક જેવી ડિઝાઇન કરવા કહેતા હતા. નીતાબહેન મને પૅરિસ લઈ ગયાં ત્યારે તેમણે મને કહેલું કે ભારતને ગૌરવ અપાવજો. ઇવેન્ટ પૂરી થયા પછી તેમણે મને કહ્યું કે વીણાબહેન, તમે દેશને ગૌરવ અપાવી દીધું, ઑલિમ્પિક્સમાં અને પૅરિસમાં તમને તમારી મહેનત અને ખંત લઈ આવ્યાં છે.’ તાજેતરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન થયાં ત્યારે બન્ને પરિવારને વીણાબહેને જ મેંદી મૂકી હતી.