જપાનમાં ૨૦૨૫માં માત્ર ૭,૦૫,૮૦૯ બાળકો જ પેદા થયાં હતાં
પ્રતીકાત્મક તસવીર
ઘટતા જતા જન્મદરને કારણે જપાનમાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે. એવામાં જૅપનીઝ સરકાર યુવાનો લગ્ન કરે અને વધુ બાળકો પેદા કરે એ માટે અવનવાં પ્રલોભનો આપી રહી છે. જપાનના કોચી પ્રાંતમાં સરકારે સિંગલ લોકોને ડેટિંગ ઍપનો ઉપયોગ કરવા બદલ કૅશ પ્રાઇઝ આપવાનું શરૂ કર્યું છે. ૨૦થી ૩૯ વર્ષના સિંગલ લોકો ડેટિંગ ઍપ્સ યુઝ કરે તો તેમને ૨૦,૦૦૦ જૅપનીઝ યેન એટલે કે લગભગ ૧૨,૦૦૦ રૂપિયા સુધીની સબસિડી મળે છે. આ સ્કીમ પહેલી એપ્રિલથી શરૂ થઈ છે જે ૨૦૨૭ના માર્ચ મહિના સુધી લાગુ પડશે. સરકારે યંગ એજ-ગ્રુપનાં યુવકો-યુવતીઓને ડેટિંગ ઍપ્સના રજિસ્ટ્રેશન, મન્થ્લી ફીઝ અને બીજા ચાર્જ માટે આ રકમ ઑફર કરી છે. યુવાનો એક કરતાં વધુ ઍપ્સ પર પણ અપ્લાય કરી શકે છે. સરકારે તો મૅચમેકિંગ ઇવેન્ટ્સ કરાવતી સંસ્થાઓને પણ સહાય કરવાનું શરૂ કર્યું છે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા આપણે ત્યાં થતાં યુવક-યુવતી સંમેલન જેવી ઇવેન્ટ ગોઠવવા માગતી હોય તો તેમને સરકાર તરફથી લગભગ ૫૮,૦૦૦ રૂપિયા સુધીની મદદ મળી શકે છે જેથી યુવાનો હળેમળે અને લગ્નજીવન શરૂ કરે.
જપાનમાં ૨૦૨૫માં માત્ર ૭,૦૫,૮૦૯ બાળકો જ પેદા થયાં હતાં. છેલ્લાં ૧૦ વર્ષથી આ આંકડો સતત ઘટતો જ રહ્યો છે. વડીલોની વસ્તી વધી રહી છે અને મોંઘવારીને કારણે લોકો લગ્ન અને બાળકો કરવાનું ટાળતા હોવાથી સરકારે આ માટે ખાસ પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું છે.
