આજની યંગ પેઢીને દાંત પર ફૅશન-સ્ટેટમેન્ટ બનાવવાની ઇચ્છા જાગી છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
આજકાલ ચીનમાં ખૂબ તેજીથી અજીબ ટ્રેન્ડ ચર્ચામાં છે. એ છે લોકો દાંત પર ટૅટૂ બનાવી રહ્યા છે. સામાન્ય રીતે ટૅટૂ શરીરની ચામડી પર બનાવાય, પણ આજની યંગ પેઢીને દાંત પર ફૅશન-સ્ટેટમેન્ટ બનાવવાની ઇચ્છા જાગી છે. સ્માઇલ દરમ્યાન માત્ર સફેદ દાંત દેખાય એને બદલે સ્માઇલ પણ નોખું બને અને કૂલ ફીલ આવે એ માટે આવું થઈ રહ્યું છે. દાંત પર ડિઝાઇનો બનાવવાનું ચલણ ઓછું છે, પણ મોટા ભાગના લોકો એકાદ ચાઇનીઝ વર્ણનો અક્ષર કે બે-ત્રણ અક્ષરથી બનેલો શબ્દ દાંત પર છૂંદાવે છે.
ડેન્ટિસ્ટો આ ટ્રેન્ડ બાબતે ચેતવણીઓ આપીને થાક્યા છે, પણ યુવા પેઢીના ક્રેઝને કંઈ અસર નથી થઈ. મોટા ભાગના આર્ટિસ્ટો પોતે રિયલ દાંત પર નહીં, દાંતની ઉપર ક્રાઉન લગાવીને ટૅટૂ બનાવતા હોવાનો દાવો કરે છે. જોકે ડેન્ટિસ્ટોનું કહેવું છે કે ટૅટૂ માટે થઈને દાંત પર ક્રાઉન પહેરવાનું દાંતની મજબૂતીને ઘટાડે છે.
