૩૭ વર્ષની આ સ્વિમરે આ પહેલાં અનેક વર્લ્ડ રેકૉર્ડ કર્યા છે
ચિલીની સ્વિમર બાર્બરા હેર્નાન્ડેઝ
‘આઇસ જળપરી’ તરીકે જાણીતી ચિલીની સ્વિમર બાર્બરા હેર્નાન્ડેઝે વેટસૂટ વિના ઍન્ટાર્કટિકાના પાણીમાં ૧.૫ માઇલ સ્વિમિંગ કરીને નવો વર્લ્ડ રેકૉર્ડ રચ્યો હતો. ૩૭ વર્ષની આ સ્વિમરે આ પહેલાં અનેક વર્લ્ડ રેકૉર્ડ કર્યા છે. તેણે લગભગ બે ડિગ્રી સેલ્સિયસ ઠંડા પાણીમાં ૪૫ મિનિટ સુધી સ્વિમિંગ કર્યું હતું. એની પાછળનો હેતુ ક્લાઇમેટ ક્રાઇસિસ અને એની ઍન્ટાર્કટિકા પરની અસરો વિશે અવેરનેસ લાવવાનો હતો. એક વિડિયોમાં તે એમ કહેતી જોવા મળી હતી કે ‘ઍન્ટાર્કટિકામાં તરવાનું ૧૦ વર્ષ કરતાં વધુ સમયનું મારું સપનું હતું.’ હેર્નાન્ડેઝ પ્રોફેશનલી એક સાઇકોલૉજિસ્ટ છે. તેણે ગયા વર્ષે જૂનમાં દક્ષિણ ચિલીમાં કેલોડે હોર્નોસ ખાતે પૅસિફિક અને ઍટલાન્ટિક મહાસાગર વચ્ચેના એરિયા ડ્રેક પૅસેજમાં માત્ર ૧૫ મિનિટ અને ત્રણ સેકન્ડ્સમાં એક નૉટિકલ માઇલ સ્વિમિંગ કરવાનો વર્લ્ડ રેકૉર્ડ પણ કર્યો હતો.

