તરાવીહની પ્રાર્થના વખતે અલ્જિરિયાની એક મસ્જિદના ઇમામ સાથે એક રમતિયાળ બિલાડીએ પણ પ્રાર્થનામાં જોડાઈને રમઝાનની ભાવનાનું ઉદ્દાત પ્રતીક રજૂ કર્યું હતું.
રમઝાનની પ્રાર્થના દરમ્યાન ઇમામ પર કૂદી બિલાડી
તરાવીહની પ્રાર્થના વખતે અલ્જિરિયાની એક મસ્જિદના ઇમામ સાથે એક રમતિયાળ બિલાડીએ પણ પ્રાર્થનામાં જોડાઈને રમઝાનની ભાવનાનું ઉદ્દાત પ્રતીક રજૂ કર્યું હતું. ફેસબુક પર શૅર કરવામાં આવેલા એક વાઇરલ વિડિયોમાં બિલાડી નમાજ વચ્ચે જ ઇમામ પર કૂદતી જોઈ શકાય છે. ઇમામ પણ મસ્જિદમાં આમતેમ ભટકતી બિલાડીને પંપાળતાં પોતાની પ્રાર્થના ચાલુ રાખે છે.
તરાવીહ એ રમઝાન મહિના દરમ્યાન કરવામાં આવતી ખાસ રાતની પ્રાર્થના છે. શેખ વાલીદ મહેસાસના અધિકૃત ફેસબુક-પેજ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ વિડિયોમાં પ્રાર્થનામાં વિક્ષેપ પાડવા બદલ વિચલિત થવાને બદલે ઇમામ બિલાડીને પંપાળતા દેખાય છે. બિલાડી ઇમામના ખભા પર ચડી તેમના ચહેરાને ચૂમવાની કોશિશ કરતી દેખાય છે.
આ હૃદયસ્પર્શી ઘટના સ્વશિસ્ત, પરોપકારી અને આધ્યાત્મિક વિકાસના ગુણોને જાળવતા રમઝાન મહિનાના સારનો સાચો પુરાવો આપે છે. બિલાડીને કારણે દેખીતી રીતે વિક્ષેપ પડવા છતાં ઇમામ તેમની પ્રાર્થનામાં અડગ રહ્યા, જે અણધાર્યા સંજોગોમાં સંતુલિત અને સમાન વર્તન જાળવવાના મહત્ત્વને દર્શાવે છે.


