બિહારમાં ૧૧૩ એકર જમીનના કોઈ માલિક નથી એટલે એ પ્રવાસન સુવિધા માટે વપરાશે
પ્રતીકાત્મક તસવીર (મિડ-ડે)
બિહારના પ્રવાસન વિભાગ માટે ભારે મુસીબત ઊભી થઈ છે. રાજ્યનાં અનેક શહેરોમાં ૧૧૩ એકર જમીન ‘ખોવાઈ ગઈ હતી’ એટલે કે આટલી બધી જમીનનો કોઈ રેકૉર્ડ જ નથી. કોની જમીન છે, કોણ માલિક છે એવી કોઈ માહિતી નહોતી. પ્રવાસન વિભાગે ત્રણ દાયકાથી મહેસૂલ વિભાગનો સંપર્ક કરીને આ ‘ગુમ થયેલી’ જમીન શોધી કાઢી છે, પરંતુ એના કોઈ વાલીવારસ ન મળતાં કેટલીક જમીનનો ઉપયોગ પ્રવાસન સુવિધા માટે કરવામાં આવશે. ૧૧૩ એકરમાંથી સૌથી વધુ ૪૯ એકર જમીન એકલા નાલંદામાં છે. સહરસામાં બાવીસ એકર, મુંગેરમાં ૧૩ એકર, વૈશાલીમાં ૧૨, ભાગલપુરમાં ૯ અને પશ્ચિમી ચંપારણમાં પાંચ એકર જમીનના કોઈ માલિક નથી. ગયામાં આવી જ ૧૦ એકર જમીન પર થયેલાં દબાણ દૂર કરાવતાં તંત્રના નાકે દમ આવી ગયો હતો. હવે આ જમીનનો ઉપયોગ પ્રવાસન સુવિધા વધારવામાં થશે.

