તાજેતરમાં તેમણે રોમની ફુલ મૅરથૉનમાં ભાગ લીધો હતો અને ફુલ ૪૨ કિલોમીટર દોડ્યા હતા
ઍન્ટોનિયો
છેલ્લાં ૮૦ વર્ષથી ઇટલીના ઍન્ટોનિયો રાઓ નામના ભાઈને દોડવાનું ભૂત ચડ્યું છે જે હવે તેમની ઉંમર ૯૨ વર્ષની થઈ ગઈ હોવા છતાં ઊતર્યું નથી. તાજેતરમાં તેમણે રોમની ફુલ મૅરથૉનમાં ભાગ લીધો હતો અને ફુલ ૪૨ કિલોમીટર દોડ્યા હતા. એમાં પણ તેમણે ઉંમરને કારણે કોઈ છૂટછાટ નહોતી લીધી. તેમણે ૬ કલાક ૪૪ મિનિટ ૧૬ સેકન્ડમાં ૪૨ કિલોમીટરની દોડ પૂરી કરી હતી. અને હા, ગયા વર્ષના તેમના પર્ફોર્મન્સ કરતાં દસ મિનિટ ઓછી હતી. જોકે તેમનો ૯૦ પ્લસ એજનો બેસ્ટ રેકૉર્ડ ૨૦૨૩માં બન્યો હતો. એ વર્ષે તેમણે ૬ કલાક ૧૪ મિનિટમાં મૅરથૉન પૂરી કરી હતી
ઍન્ટોનિયો આજે પણ ૯૨ વર્ષે રોજ દોડે છે. તેમનું કહેવું છે કે હું દોડવા માટે જ જીવું છું. ૧૯૩૩માં કૅલાબ્રિયા શહેરમાં જન્મેલા ઍન્ટોનિયો દસ-બાર વર્ષની ઉંમરે પોતાના શહેરથી રોમ ભાગી આવ્યા હતા. બસ, એ પછી તેમને દોડવાનો નશો ચડી ગયો. ટીનેજથી જ તેઓ રોજ મોજ માટે રનિંગ કરતા આવ્યા છે. તેઓ છેલ્લાં ૩૦ વર્ષથી લાગતાર રોમની મૅરથૉન દોડી રહ્યા છે. હાલમાં પણ તેઓ મૅરથૉન માટેની ટ્રેઇનિંગના ભાગરૂપે વીકમાં વીસથી ૩૦ કિલોમીટર દોડે છે. ઍન્ટોનિયોનું કહેવું છે કે ‘દોડવું એ પૅશન છે. બાકી આ વર્ષે તબિયત થોડીક ઢીલી હતી એટલે લાગતું નહોતું કે હું મૅરથૉન પૂરી કરી શકીશ. મને લાગે છે કે હું દોડવા માટે જ જીવું છું.’

