આ બિઝનેસ ટાઇકૂનની વિરુદ્ધ કૉર્પોરેટ ફ્રૉડનો આરોપ મૂકનાર હિંડનબર્ગની વિરુદ્ધ તપાસ કરવાની માગણી કરતી અરજી કરાઈ
નવી દિલ્હીમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે દ્વારા અદાણીના મુદ્દે બોલાવવામાં આવેલી મીટિંગમાં ભાગ લેતા વિરોધ પક્ષોના નેતાઓ. પી.ટી.આઇ.
નવી દિલ્હીઃ ઍડ્વોકેટ એમ. એલ. શર્માએ બિઝનેસ ટાઇકૂન ગૌતમ અદાણી વિરુદ્ધના કૉર્પોરેટ ફ્રૉડનો આરોપ મૂકનાર અમેરિકન ગ્રુપ હિંડનબર્ગની વિરુદ્ધ તપાસ કરવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. શર્માએ તેમની અરજીમાં નિર્દોષ રોકાણકારોનું શોષણ અને છેતરપિંડી કરવા બદલ અને કૃિત્રમ રીતે અદાણી ગ્રુપના શૅરોના મૂલ્યમાં કડાકો લાવવા બદલ હિંડનબર્ગની વિરુદ્ધ તપાસ કરવા માટે કેન્દ્ર સરકાર અને સેબીને આદેશ આપવા માટે માગણી કરી છે. હિંડનબર્ગ રિસર્ચે ફ્રૉડનો આરોપ મૂક્યા બાદ અદાણી ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓએ તેમની બજાર મૂડીના અડધાઅડધથી વધુ ગુમાવ્યા છે.
દરમ્યાનમાં હિંડનબર્ગના રિપોર્ટને લઈને વિરોધ પક્ષોએ ભારે હંગામો મચાવતાં સંસદનાં બંને ગૃહોને સોમવાર સુધી મોકૂફ રાખવામાં આવ્યાં છે. વિરોધ પક્ષો અદાણીના મુદ્દે ચર્ચા કરવાની માગણી કરી રહ્યા છે. રાજ્યસભાને મોકૂફ રાખતાં અધ્યક્ષ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે ગૃહમાં વેલમાં ધસી જનારા સભ્યોની વિરુદ્ધ ઍક્શન લેવામાં આવશે. સવારે મોકૂફ રાખ્યા બાદ બપોરે અઢી વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થતાં
ધનખડે સભ્યોના પ્રાઇવેટ બિલ્સ રજૂ કરવા કહ્યું હતું. જોકે વિરોધ પક્ષના સભ્યો સતત વિરોધ કરતા રહ્યા અને અદાણી ગ્રુપની વિરુદ્ધના ફ્રૉડના આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ કે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી કમિટી દ્વારા તપાસ કરાવવાની માગણી કરતા રહ્યા હતા. લોકસભામાં પણ વિરોધ પક્ષના સભ્યો ઊભા થઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને અદાણી ગ્રુપની વિરુદ્ધના આરોપોની તપાસ કરાવવાની માગણી કરતા
રહ્યા હતા.