હું ભારતીય લોકોની એવી ઓળખ બનાવવા માગું છું કે આખી દુનિયાના લોકો એક વાર તેમને જરૂર મળવા માગે, તેમનું સન્માન કરે
નરેન્દ્ર મોદી
નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ના સંસદીય દળે ગઈ કાલે નરેન્દ્ર મોદીને એના નેતા ચૂંટી કાઢ્યા હતા. જૂના સંસદભવનના સેન્ટ્રલ હૉલમાં સવારે ૧૧ વાગ્યે શરૂ થયેલી બેઠકમાં NDAનાં ૧૩ ઘટક દળોના નેતાઓ ઉપરાંત NDAના તમામ નવા ૨૯૩ સંસદસભ્યો, રાજ્યસભાના સભ્યો, NDA શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો ઉપસ્થિત હતા. BJPના પ્રમુખ જે. પી. નડ્ડાએ સ્વાગત-પ્રવચન કર્યા બાદ રાજનાથ સિંહે વડા પ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને અમિત શાહ અને નીતિન ગડકરીએ સમર્થન આપ્યં હતું. ત્યાર બાદ નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)નાં તમામ ઘટકદળોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.
સંસદીય દળના નેતા ચૂંટાઈ આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘સરકાર ચલાવવા માટે બહુમતી આવશ્યક છે, એ લોકતંત્રનો સિદ્ધાંત છે; પણ દેશ ચલાવવા માટે સર્વમત આવશ્યક છે. હું દેશના લોકોને ભરોસો આપું છું કે તેમણે દેશ ચલાવવા માટે અમારામાં જે ભરોસો રાખ્યો છે એના આધારે અમે દેશને આગળ લઈ જવામાં કોઈ કસર નહીં છોડીએ. નવું દાયિત્વ સોંપવા માટે આપ સૌનો આભારી છું. મારું એક જ લક્ષ્ય છે, ભારતમાતા અને દેશનો વિકાસ.’
ADVERTISEMENT
પ્રવચનમાં મોદીએ શું કહ્યું?
NDAના નેતા તરીકે આપ તમામ સાથીઓએ સર્વસંમતિથી મને ચૂંટી કાઢીને એક નવી જવાબદારી સોંપી છે એ માટે તમારો આભારી છું. NDA એટલે ન્યુ ઇન્ડિયા, ડેવલપ્ડ ઇન્ડિયા અને ઍસ્પિરેશનલ ઇન્ડિયા ૧૦ વર્ષ બાદ પણ કૉન્ગ્રેસ ૧૦૦નો આંકડો પાર કરી શકી નથી. ૨૦૧૪, ૨૦૧૯ અને ૨૦૨૪માં કૉન્ગ્રેસને જેટલી બેઠકો મળી છે એનાથી પણ વધારે બેઠકો અમને ૨૦૨૪માં મળી છે.
મારું માનવું છે કે ૨૦૨૪નાં પરિણામ જોઈને દુનિયા માનશે કે NDAનો આ મહાવિજય છે. ગયા બે દિવસમાં એવો માહોલ બનાવવામાં આવ્યો કે અમે હારી ગયા. વિપક્ષે તેમના કાર્યકરોનું મનોબળ બનાવી રાખવા માટે આવું કરવું પડ્યું, તેમને કાલ્પનિક વાયદા કરવા પડ્યા. ગઠબંધનના ઇતિહાસમાં જોઈએ તો આ મજબૂત ગઠબંધન સરકાર છે.
લોકતંત્ર અમને સૌનું સન્માન કરવાનું શીખવે છે. વિપક્ષના જે સંસદસભ્યો ચૂંટાઈને આવ્યા છે તેમને અભિનંદન. આશા છે કે નવા સદનમાં હવે ડિબેટમાં કમી નહીં દેખાય. વિપક્ષના સાથી રાષ્ટ્રહિતની નિયતથી સદનમાં આવશે, એવી આશા છે
લોકોના પૈસા કેવી રીતે બચે અને સેવિંગ કેમ થાય એ માટે અમે કામ કરવાના છીએ. પંચાયતથી લઈને પાર્લમેન્ટ સુધી મહિલાઓની ભાગીદારી વધે એ અમારું કમિટમેન્ટ છે. આવનારા સમયમાં અમારી માતા-બહેનો દેશનું નેતૃત્વ કરતી જોવા મળશે
હું ભારતીય લોકોની એવી ઓળખ બનાવવા ચાહું છું કે આખી દુનિયાના લોકો એક વાર તેમને જરૂર મળવા માગે, તેમનું સન્માન કરે. અમે સમય ગુમાવ્યા વિના દેશને પાંચ નંબરની ઇકૉનૉમીથી ત્રીજા નંબરની ઇકૉનૉમી પર લાવવા માગીએ છીએ. અમે ગયાં ૧૦ વર્ષમાં જે કર્યું છે એ તો માત્ર ટ્રેલર છે. આગળનાં ૧૦ વર્ષમાં અમે ગુડ ગવર્નન્સ, વિકાસ, લોકોની ક્વૉલિટી ઑફ લાઇફ અને મિડલ અને અપર મિડલ ક્લાસના જીવનમાં સરકારની કમસે કમ દખલ હોય એવી વ્યવસ્થા ઊભી કરવા માગીએ છીએ.
નરેન્દ્ર મોદીએ ત્રણ મહિના જરા પણ આરામ નથી કર્યો : ચંદ્રાબાબુ નાયડુ
TDPના પ્રમુખ ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે ‘અમે સૌકોઈને અભિનંદન આપીએ છીએ. મેં ચૂંટણીપ્રચાર સમયે જોયું છે કે નરેન્દ્ર મોદીએ ત્રણ મહિનામાં જરા પણ આરામ કર્યો નથી. તેમણે થાક્યા વિના અવિરત પ્રચાર કર્યો. આંધ્ર પ્રદેશમાં તેમણે ૩ જનસભાઓ કરી અને એક મોટી રૅલી કરી. આ ચૂંટણી જીતવામાં તેમનું મોટું યોગદાન છે. NDA સરકારે છેલ્લાં ૧૦ વર્ષમાં ઘણી નવી પહેલ કરી છે.’
આજે જ વડા પ્રધાન બની જાઓ : નીતીશ કુમાર
રાજકારણમાં પલ્ટુરામ તરીકે પ્રખ્યાત બિહારના મુખ્ય પ્રધાન અને JD-Uના પ્રમુખ નીતીશ કુમારે કહ્યું કે ‘હું મોદીજીના નામનું સમર્થન કરું છું. હું તેમની સાથે કાયમ રહીશ. હું તો ઇચ્છતો હતો કે તેઓ આજે જ શપથ લઈ લે. એ ઘણી ખુશીની વાત છે કે તેઓ ૧૦ વર્ષથી વડા પ્રધાન છે અને ફરી વડા પ્રધાન બનવા જઈ રહ્યા છે. તેમણે દેશની સેવા કરી છે અને જે કંઈ બચ્યું છે એ હવે પૂરું કરી દેશે. આગલી વખત આપ આવશો ત્યારે અહીં-તહીંના જે લોકો જીતી ગયા છે તેમનામાંથી કોઈ નહીં જીતે. મતલબ વગરનું બોલનારા આ નેતાઓએ કોઈ કામ કર્યાં છે ખરાં? મોદીજી દરેક રાજ્યની સેવા કરશે. બિહારનાં પણ તમામ કામ થઈ જશે. જે કંઈ બાકી છે એ પણ તમે ચાહશો તો થઈ જશે.’ નીતીશ કુમારે પ્રવચન આપ્યા બાદ નરેન્દ્ર મોદીને પગે લાગવા અને તેમના પગનો સ્પર્શ કરવાની કોશિશ કરી હતી, પણ મોદીએ તેમના હાથ પકડી લીધા હતા.
NDAની બેઠક બાદ રાષ્ટ્રપતિભવનમાં સતત ત્રીજી સરકાર બનાવવા માટેનો દાવો કરવા જતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી BJPના સિનિયર નેતા લાલ કૃષ્ણ અડવાણીના ઘરે ગયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. ત્યાર બાદ તેઓ બીજા સિનિયર નેતા મુરલી મનોહર જોશીના ઘરે ગયા હતા અને તેમના પણ આશીર્વાદ લીધા હતા. નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ઘરે પણ ગયા હતા, જ્યાં તેમને મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું.