દિલ્હી-NCRમાં ધૂળનું તોફાન: ઝારખંડ-રાજસ્થાનમાં પણ આફતનો વરસાદ
ગઈ કાલે દિલ્હીમાં આવેલા ધૂળના તોફાનને લીધે કર્તવ્ય પથ પર હેરાન થતા લોકો, ગાડીઓ પર તૂટી પડેલું વૃક્ષ અને ઊડી ગયેલો થડ.
દેશનાં અનેક રાજ્યોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી હવામાન પલટાયું છે. એક તરફ આકરી ગરમી પડી રહી છે ત્યારે બીજી તરફ વાવાઝોડું અને કમોસમી વરસાદની આફત સર્જાઈ છે. ગઈ કાલે દિલ્હી-NCRમાં ધૂળના તોફાનને કારણે પંદરથી વધુ ફ્લાઇટ ડાઇવર્ટ કરવી પડી હતી. બીજી તરફ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે પવન સાથે વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓ ચાલુ રહી હતી. બિહારમાં વીજળી પડતાં ૮૦ લોકોનાં મોત થયાં હતાં જ્યારે બુધવાર રાતથી ગુરુવાર સવાર સુધીમાં ઉત્તર પ્રદેશમાં વીજળી અને વરસાદની સ્થિતિને કારણે બાવીસ લોકોનાં મોત થયાં હતાં. ઝારખંડમાં કરા સાથે વરસાદ પડ્યો હતો, જ્યાં પાંચ લોકોનાં મોત થયાં હતાં.
ઝારખંડમાં કરા સાથે વરસાદ પડતાં ખેતરો પર બરફની ચાદર પથરાઈ ગઈ હતી. વરસાદી આફતને કારણે કુલ પાંચ વ્યક્તિનાં મોત થયાં હતાં. ભારે પવનને કારણે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયાં હતાં જેને કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જમ્મુ-કાશ્મીર, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ સહિતનાં અનેક રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ, ભારે પવન અને હળવી હિમવર્ષા થઈ હતી. આ કમોસમી વરસાદને કારણે દેશનાં અનેક રાજ્યોમાં પાકને પણ ભારે નુકસાન થયું છે.
ADVERTISEMENT
શુક્રવારે બપોર બાદ રાજસ્થાનના જયપુર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવો વરસાદ પડ્યો હતો. રાજ્યના ચાર જિલ્લાઓમાં કરા પડ્યા હતા. બીકાનેર, અજમેર, નાગૌર, અલવર, સીકર, ઝુંઝુનુ સહિત અનેક જિલ્લાઓમાં બપોરથી જ હવામાનમાં પલટો આવ્યો હતો. સાંજે જયપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતાં લોકોને ગરમીથી રાહત મળી હતી, પરંતુ ભારે પવનને કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીઓ પડી હતી.

