આસામમાં આજકાલ કલમ ૬-એ મુદ્દે ખાસ્સી ચર્ચા ચાલી રહી છે
ફાઇલ તસવીર
નાગરિકતા કાયદા ૧૯૫૫ વિશે સુપ્રીમ કોર્ટે ગુરુવારે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે વર્ષ ૧૯૭૧ બાદ આસામ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં ગેરકાયદે આવેલા પ્રવાસીઓના આંકડા ઉપલબ્ધ કરાવવામાં આવે. આસામમાં આજકાલ કલમ ૬-એ મુદ્દે ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. મંગળવારે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડ અને ચાર અન્ય જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. ઘણા અરજીકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં સિટિઝનશિપ ઍક્ટ ૧૯૫૫ની કલમ ૬-એને પડકારી હતી. કલમ ૬-એમાં કેટલાક વિદેશી પ્રવાસીઓને નાગરિકતા માટે અરજી કરવા માટેનો અધિકાર અપાયો છે. આ તે પ્રવાસીઓ છે કે જેઓ ૧૯૬૬થી ૧૯૭૧ દરમ્યાન આસામમાં આવ્યા હતા. આ મામલાની સુનાવણી દરમ્યાન વરિષ્ઠ વકીલ કપિલ સિબલે પોતાના તર્ક રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે ‘બ્રિટિશ શાસનકાળમાં આસામ મ્યાનમારનો ભાગ હતું અને ત્યાર બાદ એ ભાગલા પછી પૂર્વ બંગાળ સાથે જોડાયું. આ રીતે આસામમાં બંગાળી વસ્તી પણ રહે છે. જો તમે આસામનો ઇતિહાસ જોશો તો ખ્યાલ આવશે કે આસામમાં આવેલા લોકો વિશે જાણવું ઘણું મુશ્કેલ છે.
સિબલના આ સ્ટેટમેન્ટનો બીજેપીના લીડર્સ દ્વારા ખૂબ જ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

