મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની જેમ હવે હરિયાણામાં પણ મહિલાઓને લાડો લક્ષ્મી યોજના હેઠળ દર મહિને ૨૧૦૦ રૂપિયા આપવાનો કર્યો વાયદો
ગઈ કાલે હરિયાણાના રોહતકમાં BJPનો સંકલ્પ પત્રજાહેર કરતા નૅશનલ પ્રેસિડન્ટ જે.પી. નડ્ડા
પાંચમી ઑક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)એ સંકલ્પપત્ર જાહેર કર્યો હતો. એમાં એણે હરિયાણાની જનતાને કહ્યું છે કે જો તેમની સરકાર પાછી આવશે તો આ સંકલ્પપત્રમાં જે ૨૦ પ્રૉમિસ કરવામાં આવ્યાં છે એને પૂરાં કરવામાં આવશે. જે વીસ પ્રૉમિસ કરવામાં આવ્યાં છે એમાં મુખ્યત્વે લાડો લક્ષ્મી યોજના હેઠળ મહિલાઓને દર મહિને ૨૧૦૦ રૂપિયા આપવામાં આવશે, હરિયાણામાં ૧૦ ઇન્ડસ્ટ્રિયલ સિટી બનાવવામાં આવશે અને આ તમામ શહેરમાં ૫૦,૦૦૦ સ્થાનિક યુવાનોને નોકરી આપવા માટે ઇન્ડસ્ટ્રિયલિસ્ટોને ખાસ ઇન્સેન્ટિવ આપવામાં આવશે, ચિરાયુ આયુષ્માન યોજના હેઠળ દરેક પરિવારને ૧૦ લાખ રૂપિયા સુધીની સારવાર વિનામૂ્લ્ય કરી આપવામાં આવશે તેમ જ ૭૦થી વધારે ઉંમરના પરિવારના સભ્યને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રીમાં મળશે, ૨૪ પાકની ખરીદી MSP (મિનિમમ સપોર્ટ પ્રાઇસ) મુજબ કરવામાં આવશે, બે લાખ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવશે, હર ઘર ગૃહિણી યોજના હેઠળ ૫૦૦ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવશે.
ગઈ કાલે રોહતકમાં આ સંકલ્પપત્રની જાહેરાત BJPના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડાએ કરી ત્યારે તેમની સાથે રાજ્યના મુખ્ય પ્રધાન નાયબ સિંહ સૈની પણ હાજર હતા.
ADVERTISEMENT
કૉન્ગ્રેસે પણ આપી છે મતદારોને ગૅરન્ટી
BJPએ સંકલ્પપત્ર જાહેર કર્યો એ પહેલાં કૉન્ગ્રેસે પોતાનો ઘોષણાપત્ર જાહેર કરી દીધો હતો. એમાં એણે મુખ્યત્વે સિનિયર સિટિઝનો અને દિવ્યાંગોને મહિને છ હજાર રૂપિયા પેન્શન, ગરીબોને ૨૫ લાખ રૂપિયા સુધી ફ્રી સારવાર, ગરીબોને બે રૂમનું મકાન, ૫૦૦ રૂપિયામાં સિલિન્ડર, MSPનો કાયદો બનાવીને લાગુ કરવાનું વચન આપ્યું છે.