ભારતે વધુ ૯૭ તેજસ લાઇટ કૉમ્બેટ ઍરક્રાફ્ટ અને લગભગ ૧૫૦ પ્રચંડ અટૅક હેલિકૉપ્ટરની ખરીદી માટેના પ્રસ્તાવને મંજૂરી આપી
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : ભારતે વધુ ૯૭ તેજસ લાઇટ કૉમ્બેટ ઍરક્રાફ્ટ અને લગભગ ૧૫૦ પ્રચંડ અટૅક હેલિકૉપ્ટરની ખરીદીને ગઈ કાલે મંજૂરી આપી હતી, જેનાથી ઇન્ડિયન મિલિટરીની તાકાત વધશે તો સાથે ભારતમાં ડિફેન્સ પ્રોડક્શનને પણ વેગ મળશે. આ બન્નેને ઘરઆંગણે ડેવલપ કરવામાં આવ્યાં છે.સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ ખરીદી પરિષદ દ્વારા ઇન્ડિયન ઍર ફોર્સની એના સુ-૩૦ ફાઇટર કાફલાને અપગ્રેડ કરવા માટેના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી હતી.
આ મેગા ખરીદી પ્રોજેક્ટ્સ અને સુ-૩૦ અપગ્રેડ પ્રોગ્રામનો કુલ ખર્ચ ૨.૨૩ લાખ કરોડ રૂપિયાની આસપાસ થવાની અપેક્ષા છે. તેજસ માર્ક ૧-એ ફાઇટર્સને ઇન્ડિયન ઍર ફોર્સ માટે ખરીદવામાં આવી રહ્યા છે, જ્યારે ચૉપર્સને ઍર ફોર્સ અને આર્મી માટે ખરીદવામાં આવી રહ્યાં છે. હવે મૅન્યુફૅક્ચર્સની સાથે કૉન્ટ્રૅક્ટ માટે નિગોશિએશન્સ થશે, જેના માટે સમય લાગશે, પરંતુ જો ફૉરેન કંપનીઓ સામેલ હોત તો તેમની સાથે જેટલો સમય લાગત એના કરતાં અહીં ઓછો સમય લાગશે.
ADVERTISEMENT
એક વખત ફાઇનલ કિંમત બાબતે નિગોશિએશન થઈ જશે એટલે સુરક્ષા બાબતોની કૅબિનેટ કમિટી દ્વારા અંતિમ મંજૂરી આપવામાં આવશે. તેજસ એમકે-૧એ લાઇટ કૉમ્બેટ ઍરક્રાફ્ટ એ ઘરઆંગણે ડિઝાઇન અને મૅન્યુફૅક્ચર કરવામાં આવેલું ચોથી જનરેશનનું ફાઇટર ઍરક્રાફ્ટ છે. એને હિન્દુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે.

