એક ઇન્ટરવ્યુમાં રાજનાથ સિંહે ચીન કે પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે આપણે કોઈની પણ તસુભર જમીન હડપ નથી કરી, પરંતુ જો કોઈ આપણા પર અટૅક કરશે તો આપણે એનો જડબાતોડ જવાબ આપીશું
રક્ષા મંત્રી રાજનાથ સિંહની તસ્વીર
ભારતના સાર્વભૌમત્વને પડકારનારાં રાષ્ટ્રોને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે આકરી ચેતવણી આપી હતી. લદ્દાખ અને ઈશાન ભારતના અરુણાચલ પ્રદેશમાં ચીન સાથેની તાજેતરની તંગદિલી વચ્ચે રાજનાથ સિંહે આ ટિપ્પણી કરી હતી. એક ટીવી-ચૅનલના કાર્યક્રમમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આપણે હંમેશાં યુદ્ધ માટે તૈયાર રહેવાનું છે. શાંતિના સમયમાં પણ આપણે તૈયાર રહેવાનું છે. સંરક્ષણપ્રધાને ભારતીય સંરક્ષણ દળોની કાબેલિયતમાં વિશ્વાસ દર્શાવ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘જો કોઈ પણ જમીન, આકાશ કે દરિયા મારફત આપણા પર હુમલો કરશે તો આપણા સૈનિકો એનો જડબાતોડ જવાબ આપશે. આપણે ક્યારેય કોઈની પણ તસુભર જમીન હડપ નથી કરી, પણ જો કોઈ આપણા પર અટૅક કરશે તો આપણે પણ વળતો જવાબ આપવા સક્ષમ છીએ.’ વાતચીત દરમ્યાન રાજનાથ સિંહે ભારતીય સશસ્ત્ર દળોને મજબૂત કરવાની પૉલિસી બદલ નરેન્દ્ર મોદી સરકારની પણ પ્રશંસા કરી હતી.

