સંતોખ સિંહના નિધન પર પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો, તેઓ હાલ `ભારત જોડો યાત્રા`માં રાહુલ ગાંધી સાથે પંજાબમાં પ્રવાસ કરી રહ્યા હતા
તસવીર સૌજન્ય: પીટીઆઈ
જલંધરથી કૉંગ્રેસના લોકસભા સાંસદ સંતોખ સિંહ ચૌધરી (Congress MP Santokh Singh Chaudhary)નું શનિવારે સવારે ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra)માં ભાગ લેતી વખતે અવસાન થયું છે. પ્રારંભિક અહેવાલો મુજબ, તેમને હૃદયરોગનો હુમલો થયો હતો. તરત જ તેમને ફગવાડાની હૉસ્પિટલમાં લઈ જવામાં આવતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
કૉંગ્રેસના સાંસદ સંતોખ સિંહના નિધન પર પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. તેઓ હાલ `ભારત જોડો યાત્રા`માં રાહુલ ગાંધી સાથે પંજાબમાં પ્રવાસ કરી રહ્યા હતા. પ્રવાસ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જ્યારે તેમની તબિયત બગડતાં તેમને લુધિયાણાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
ADVERTISEMENT
કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંતોખ સિંહ ચૌધરીના નિધન પર શોક વ્યક્ત કર્યો અને ટ્વીટ કર્યું કે, "અમારા સાંસદ સંતોખ ચૌધરીના અકાળ અવસાનના સમાચારથી આઘાત અને દુખ થયું છે. તેમની વિદાય પાર્ટી સંગઠન માટે મોટો ઝટકો છે. આ ઘડીમાં હું તેમના પરિવાર, મિત્રો અને પ્રિયજનો સાથે છું. તેમની આત્માને શાંતિ મળે."
ઓમ બિરલાએ શોક વ્યક્ત કર્યો
લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ કૉંગ્રેસના સાંસદના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સ્પીકરે લખ્યું કે, "હું જલંધરના લોકસભા સાંસદ સંતોખ સિંહના નિધન પર શોક વ્યક્ત કરું છું. તેઓ લાંબા જાહેર જીવનમાં જનહિતના મુદ્દાઓ પર હંમેશા અવાજ ઉઠાવતા હતા. ગૃહમાં અનુશાસન તેમના વ્યક્તિત્વની વિશેષતા હતી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. પરિવાર પ્રત્યે મારી સંવેદના."
પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને કૉંગ્રેસના સાંસદના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. માને ટ્વીટમાં લખ્યું, “હું તેમના નિધનથી ખૂબ જ દુઃખી છું. ભગવાન, તેમના આત્માને શાંતિ આપે.”
નિધન પર શોક વ્યક્ત કરતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લખ્યું કે, "સંતોખ સિંહ ચૌધરી જીના આકસ્મિક નિધનથી આઘાત લાગ્યો છે. તેઓ એક ડાઉન ટુ અર્થ મહેનતુ નેતા, ધર્મનિષ્ઠ વ્યક્તિ અને કૉંગ્રેસ પરિવારના મજબૂત સ્તંભ હતા. તેઓ યુથ કૉંગ્રેસથી લઈને સાંસદ સુધી લોકસેવા માટે સમર્પિત હતા. હું શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.”
આ પણ વાંચો: વિકસિત ભારતના નિર્માણ માટે મજબૂત કનેક્ટિવિટી ખૂબ જરૂરી છેઃ પીએમ મોદી
રવિવારે અંતિમ સંસ્કાર
પંજાબ કૉંગ્રેસના વડા અમરિન્દ સિંહે જણાવ્યું હતું કે “તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે તેમના ગામમાં કરવામાં આવશે. રાહુલ ગાંધીને જાણ થતાં જ તેમણે યાત્રા રોકી દીધી છે અને બપોરે જ્યાં તેઓ રોકાવાના હતા ત્યાં ગયા. આ એક દુઃખદ ઘટના છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના.”