દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે શાસક પક્ષ પાસેથી ૯૭ કરોડ વસૂલ કરવા માટે ચીફ સેક્રેટરીને આપ્યો આદેશ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નવી દિલ્હી : દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ રાજકીય જાહેરાતો આપવા બદલ આપ પાસેથી ૯૭ કરોડ રૂપિયા વસૂલવા ચીફ સેક્રેટરીને આદેશ આપ્યો છે. ત્યાર બાદ દિલ્હી બીજપીએ પણ આપની ટીકા કરી હતી. દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા રામવીર સિંહ બિદુરીએ એક પ્રેસ-કૉન્ફરન્સ કરીને આને જાહેરાતકોભાંડ ગણાવી આ મામલે સીબીઆઇની તપાસ કરવાની માગ કરી હતી. આ મામલે તેઓ લેફ્ટનન્ટ ગવર્નરને મળવા જવાના છે. બિદુરીએ એવો દાવો કર્યો હતો કે દિલ્હીના શાસક પક્ષ પાસેથી વસૂલવામાં આવનારી રકમનો આંક ૪૦૦ કરોડ રૂપિયાનો થઈ જશે. બીજેપીના સંસદસભ્યદ મનોજ તિવારી અને દિલ્હી બીજેપીના કાર્યકારી પ્રમુખ વીરેન્દ્ર સચદેવ પણ આ પ્રેસ-કૉન્ફરન્સમાં હાજર હતા .
દિલ્હી સરકારના ઇન્ફર્મેશન ઍન્ડ પબ્લિસિટી ડિપાર્ટમેન્ટના અધિકારીએ નોંધ્યુ હતું કે ૯૭.૧૪ કરોડ રૂપિયાની જાહેરાતો એવી હતી કે જે સરકારી જાહેરાતો નહોતી, પરંતુ રાજકીય હતી. આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે લેફ્ટનન્ટ ગવર્નરે આપેલા આદેશને નવો પ્રેમપત્ર ગણાવ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘અમે રાષ્ટ્રીય પક્ષ બની જતાં બીજેપી એ સહન કરી શકી નથી. બીજેપી કહે છે એ પ્રમાણે લેફ્ટનન્ટ ગવર્નર વર્તી રહ્યા છે. બીજેપી દિલ્હીના લોકોની સમસ્યા વધારી રહી છે. લેફ્ટનન્ટ જનરલના આદેશનું પાલન કરવું કાયદાની રીતે જરૂરી નથી.